પ્રવેશની પાબંદી દર્શાવે છે કે ગાંધીનગરનું સરદાર ભવન સચિવાલય સામાન્ય માણસ માટે નથી?
File Photo
સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા સિક્યોરિટીના બહાનાં હેઠળ સરદાર ભવન સચિવાલયમાં પ્રવેશના નિયમો એટલાં જડ અને કડક બનાવી દેવાયા છે કે સૌને એવું લાગે કે નવાં આ સચિવાલય સામાન્ય નાગરિક માટે નથી!
તેનું કારણ એ છે કે સામાન્ય માણસનું વાહન ગણાય એવી જાહેર રીક્ષાને સચિવાલયમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
પરીણામે પોતાના વાહનની સુવિધા ન ધરાવતો કોઈ વ્યક્તિ સચિવાલયમાં આવી જ ન શકે! અને જો આવે તો મુખ્ય પ્રવેશદ્વારથી હજારો મીટર દુર આવેલા સચિવાલયના વિવિધ વિભાગોમાં જવા માટે તેણે પગે ચાલીને જવું પડે.

જેની માટે અગાઉ બહુ બણગાં ફૂંકાયેલા એ પગપાળા આવતા મુલાકાતીઓની સુવિધા માટે રાખવામાં આવેલું ઈલેક્ટ્રોનિક વાહન સચિવાલયના મુખ્ય બે દરવાજા નંબર -૧ કે નંબર -૪ પાસે ક્યારેય દ્રષ્ટિગોચર થતું નથી.જે સૂચવે છે સરદાર ભવન સચિવાલય સામાન્ય લોકો માટે નથી!
કલેક્ટર હો તો મેહુલ કે. દવે જૈસા હો!
તા.૩/૨/૨૪થી ગાંધીનગરના કલેક્ટરપદે નિમાયેલા અને બે વર્ષ બાદ તા.૨૮/૨/૨૬ના દિવસે એ જ પદ પરથી વયનિવૃત થયેલા જિલ્લા કલેકટર મેહુલ કે.દવે વહીવટકાર તરીકે ગાંધીનગર પર એક અમિટ છાપ છોડીને ગયા છે.

અપરિમિત સંવેદનશીલતા,ભરપૂર વહીવટી સૂઝ ધરાવતા અને જમીન પર રહીને જીવનારા મેહુલ દવે નાના લોકોનાં (સાચા અર્થમાં)મોટા સાહેબ હતા.
હસમુખા સ્વભાવના આ કલેક્ટર માનસિક રીતે વિકલાંગ બાળકોના ગરબામાં હાજરી આપીને તેમને ય રાજી કરે અને ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે જો ગ્રામજનો નીચે જમીન પર બેઠા હોય તો આ જમીની કલેક્ટર મેહુલ દવે પણ જમીન પર પણોઠી વાળીને બેસી જાય અને ગામડાના લોકો સાથે આત્મીયતાથી અને તેમની ભાષામાં જ વાત કરે.
રાજ્ય સરકારની લોકલક્ષી અને લોકહિતકારી તમામ યોજનાઓ ગાંધીનગર જિલ્લામાં પૂર્ણ રીતે કાર્યાન્વિત થાય તેની તકેદારી અને ચિંતા મેહુલ દવે સતત રાખતા અને એ સાથે જ આંગણવાડીના બાળકોને વાર્તા કહેવા પણ આ માનવતાવાદી કલેક્ટર બેસી ગયાના કિસ્સા જિલ્લામાં નોંધાયા છે.કલેકટરશીપ એ સત્તા ભોગવવાની કે જલસા કરવાની જગ્યા નથી પણ જનતાના એક અદના સેવક તરીકે ફરજ બજાવવાની જગ્યા છે
એવું સમજીને કલેકટર તરીકે કામ કરી ગયેલા મેહુલ દવે તેમના સકારાત્મક અભિગમને કારણે જિલ્લાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓમાં પ્રિય હતા.મૂળ અમરેલીના વતની અને વિજ્ઞાન તથા કાયદાના સ્નાતક થયેલા મેહુલ દવે સર્વપ્રિય કલેક્ટરનું બિરૂદ મેળવીને વિદાય થયા છે એ એમની કારકિર્દીનું સાફલ્ય ટાણું ગણી શકાય.
અધિક નિયામક અરવિંદ પટેલ – માહિતી ખાતાના બ્રહ્માની વિદાય

કેટલાક કર્મચારીઓ/અધિકારીઓ સરકારમાંથી વયનિવૃતીવસાત કે અન્ય કારણોસર વિદાય લે ત્યારે તેની ખોટ તેમની કચેરી ઉપરાંત અન્ય અનેકો અનુભવતા હોય છે.માહિતી ખાતાના અધિક નિયામક પદેથી વયનિવૃત થયેલા અરવિંદ પટેલની વિદાય માહિતી ખાતા ઉપરાંત મિડિયા જગતમાં અનેક લોકો અનુભવશે. અરવિંદ પટેલ એક અધિકારી હોવા ઉપરાંત એક માણસ તરીકે પણ અત્યંત સજ્જ અને સજ્જન હતા.
તળપદી ભાષામાં જેને ‘ઠાવકો માણસ’ કહેવામાં આવે છે એવી ઠાવકાઈ અરવિંદ પટેલમાં ઠાંસોઠાંસ ભરેલી છે.મિતભાષી અરવિંદ પટેલ ખૂબ ધીમું બોલે અને ખપ પૂરતું જ બોલે એ એમની સ્વભાવગત ખાસિયત છે. આ માટે હળવાશમાં અરવિંદ પટેલને માહિતી ખાતાના બ્રહ્માની ઉપમા આપવામાં આવતી હતી.(૧)ઃ-પત્રકારો સાથે ઘરોબો જાળવવો
(૨)ઃ-તેમના પ્રશ્નો ઉકેલવા અને તેમ છતાં
(૩)ઃ-માહિતી ખાતાના તમામ હિતો જાળવવા એવી ત્રેવડી ઘોડેસવારી અરવિંદ પટેલ આસાનીથી કરી શકતા.સમગ્ર માહિતી ખાતામાં અને પત્રકાર જગતમાં એકસરખી લોકપ્રિયતા ધરાવતા અરવિંદ પટેલ કોઈ વિવાદ વિના અને જરા પણ ખરડાયા વગર નિવૃત થયા એ સૂચવે છે કે તેઓની કારકિર્દી કેવી જ્વલંત રહી છે.
જે.એન.વાઘેલા – ગાંધીનગરનો દીકરો ગાંધીનગરનો કલેક્ટર થયો!

ગાંધીનગરના કલેક્ટરપદેથી વયનિવૃત થયેલા મેહુલ દવેનાં કલેક્ટરના હોદ્દાનો ચાર્જ ૨૦૧૪ની બેચના સનદી અધિકારી અને હાલ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા જે.એન.વાઘેલાને આપવામાં આવ્યો છે.એમ.એ.અને એમ.ફીલ.ની ડીગ્રી ધરાવતા વાઘેલા મૂળ અમદાવાદના વતની છે પણ તેમનો ઉછેર અભ્યાસ ગાંધીનગરમાં થયો છે એટલે વાઘેલાને ગાંધીનગરના સંતાન પણ ગણી શકાય.
જે.એન.વાઘેલા વર્કોહોલિક ઓફિસર છે.એમની વિશેષતા એ છે કે તેઓ મુંગા મોઢે, પડદા પાછળ રહીને તથા પ્રસિદ્ધિથી સદાય દૂર રહીને કામ કરવામાં માને છે.વાઘેલાની એક વિશિષ્ટતા એ છે કે તેઓ હાથ નીચેના અધિકારી કે કર્મચારીએ ખરાબ કામ કર્યું હોય તો કડકાઈથી ઠપકો આપે છે પણ એ સાથે જ તેમણે જો સારૂં કામ કર્યું હોય તો તેમની મુક્ત કંઠે પ્રશંસા પણ કરે છે.
જિલ્લાના આઇ.એ.એસ. અધિકારીઓમાં માર્ચના અંતમાં ફેરફારો આવશે?
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું લાગે છે કે તાજેતરમાં થયેલી આઈ.પી.એસ.અધિકારીનીબદલી પછી હવે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે આઈ.એ?.એસ. અધિકારીઓની બદલીનો દોર પણ હવે માર્ચ માસના અંતમાં આવશે.
વિધાનસભા સત્રની સમાપ્તિ બાદ સમાહર્તાઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓમાં મોટાપાયે ફેરફારો થશે.ગત ૨૭ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે નિવૃત થતાં તેમના અનુગામી તરીકે કોઈ નિયમિત નિમણુંક કરાઈ નથી. તે જગ્યાનો ચાર્જ મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાને સોંપાયો છે. આ એક સંકેત છે કે, સરકાર આ કેડરની સામૂહિક બદલી કરવાની વેતરણમાં છે.રાજ્યમાં સિનિયર કક્ષાએ બદલીઓ થઈ ગઈ છે;
હવે જિલ્લા કક્ષાએ બાકી રહેલી બદલીઓ પણ વિધાનસભા સત્રની સમાપ્તિની રાહ જોવાઈ રહી છે એવું દેખાય છે. આ સંજોગોમાં લગભગ માર્ચના અંતમાં ફેરફારો આવી જશે.એવું પણ માનવામાં આવે છે કે, અમદાવાદ, કરછ અને અન્ય જિલ્લા મળી આશરે ૧૫ જિલ્લાના કલેક્ટર અને ૧૨ થી વધુ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી થાય તેવી શક્યતા છે. જો કે, કુલ કેટલા અધિકારીઓ બદલાશે એની તો માર્ચના અંતમાં જ ખબર પડશે.
