Western Times News

Gujarati News

કઠલાલની કંપનીમાં ભીષણ આગઃ શેડના પતરાં ઓગળી ગયા

ફાયર ફાઈટરોની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, સદનસીબે જાનહાનિ ટળી

(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ તાલુકાના પીઠાઈ ગામની સીમમાં આવેલ એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કંપનીમાં રહેલો લાખો-કરોડોનો સામાન, મશીનરી અને કેમિકલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ કઠલાલના પીઠાઈ વિસ્તારમાં આવેલી કંપનીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક અંદાજ મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગે જોતજોતામાં સમગ્ર ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. કંપનીમાં રહેલા કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોના કારણે આગ વધુ તેજીથી ફેલાઈ હતી, જેના પરિણામે અંદર રાખેલો લાખોનો કાચો માલ, તૈયાર સામાન તેમજ કિંમતી ઇન્સ્ટ્રુમેન્ટ્‌સ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા છે.

ઘટનાની જાણ થતા જ કઠલાલ, નડિયાદ અને કપડવંજ સહિતના વિસ્તારોના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની તીવ્રતા એટલી વધારે હતી કે કંપનીના શેડના પતરાં પણ ઓગળી ગયા હતા અને સ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આર્થિક રીતે કંપનીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ એફ.એસ.એલ.ની મદદથી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.