Western Times News

Gujarati News

હાટકેશ્વર બ્રીજ ડીમોલેશનની કામગીરી દરમિયાન રેતીના કોથળા પડતાં બે ને ગંભીર ઈજા

File Photo

(પ્રતિનીધિ) અમદાવાદ, અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે

જે દરમિયાન મંગળવારે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ ની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્‌યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્‌યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના બંને તરફના છેડા તોડી પાડવામાં આવ્યા છે બ્રિજની વચ્ચેના ભાગે મુખ્ય રોડ ઉપર ના બે સ્પાન તોડવાના બાકી છે. છેલ્લા એક મહિનાથી આ કામગીરી બાકી હતી ત્યારે બ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નીચે રેતી- કોંક્રિટના મોટા કોથળા મૂકવામાં આવ્યા છે જે કોથળા બ્રિજ નીચે રાખી અને ત્યારબાદ બ્રિજને તોડવામાં આવશે જેથી સીધો બ્રિજ નીચે બેસી જાય.

મંગળવારે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજની નીચે રેતી- કોંક્રિટના મોટા પ્લાસ્ટિકના કોથળા મૂકવામાં આવેલા હતા તે એકાએક પડ્‌યા હતા અને સીધા બ્રિજ પાસે લારી લઈને ઉભેલી મહિલા ઉપર પડ્‌યા હતા. મહિલા કોથળાના નીચે આવી ગઈ હતી જેથી તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા. કોથળા મહિલાની લારી ઉપર પણ પડતા તેને નુકસાન થયું હતું.

મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને કોન્ટ્રાક્ટરના માણસને ધમકાવ્યો પણ હતો. હાટકેશ્વર બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રકારે સલામતી માટેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. હાટકેશ્વર બ્રિજ નીચેનો રોડ સૌથી વ્યસ્ત રોડ ગણવામાં આવતો હોય છે ત્યારે આ રોડ બંધ કરી અને કામગીરી કરવી જરૂરી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બંધ કર્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ ઘટના બની છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા દુર્ઘટનાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજની મુખ્ય સ્પાન ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નીચેના વિસ્તારમાં સુરક્ષા માટે સેન્ડબેગ સ્ટેકિંગ તથા બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન રાત્રિના સમયે કામગીરી કરવામાં આવી અને તે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પૂર્વ જાણ કરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા પણ સ્થાનિક લોકોને પણ જાણ કરવામાં આવેલી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષા દૃષ્ટિએ ગાર્ડ પણ મુકવામાં આવ્યા હતા.

સુરક્ષા બેરીકેડિગ હોવા છતાં ત્યાંના કેટલાક સ્થાનિક ફેરિયાઓ દ્વારા જબરદસ્તીથી બેરિકેડિંગ કરેલા વિસ્તારમાં પ્રવેશ કરી અંદર ધંધો કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન તેઓ રેતી ભરેલા થેલા ઉપર ચડી ગયા હતા. આ થેલીઓ સંપૂર્ણ રીતે સ્થિર ન હોવાને કારણે તે અનબેલેન્સ થઈ પડી હતી.જેના કારણે ધટના સર્જાઇ હતી.

કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા, ગાર્ડ તથા બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છતાં પણ કેટલાક ફેરિયાઓ દ્વારા જબરદસ્તીથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરીને કામકાજમાં વિઘ્‌ન પેદા કરવાના કારણે આ ઘટના બન્યાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીએ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.