Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત દરોડાથી વીજ લોસ ઘટતા વીજકર્મીઓનું સન્માન કરાયું

પ્રતિકાત્મક

રપ ટકાનો વીજ લોસ, નવ ટકા સુધી પહોંચ્યોઃ એમડીના હસ્તે સન્માન

સુરેન્દ્રનગર, જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરી ડામવા પીજીવીસીએલ અને પોલીસ તંત્ર દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ચોટીલા થાનગઢ મૂળ સહિતના વિસ્તારોમાં દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પોલીસને સાથે રાખી અને નામચીન ભૂમાફિયાઓ બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્ત્વોના ઘરે જઈ ઈલેકટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવી હતી બાદ જે વીજ ચોરી કરવામાં આવી રહી હતી તેના દંડ ફટકારવામાં આવ્યા હતા.

શહેરના પંડિત દીનદયાલ હોલમાં ખાસ કાર્યક્રમ પીજીવીસીએલના એમડી કેતન જોષીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં જિલ્લા એસપી અને તેમની ટીમના સહકાર બદલ સન્માનિત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.૧પ૧ કરોડથી વધુ રકમ વીજ એકમો પાસેથી બાકી છે. ઉઘરાણીની કામગીરી માટે પણ અલગ અલગ ટીમને કામે લગાવવામાં આવી છે. કનેકશન કાપી નાંખવા અંગેની કાર્યવાહી પણ ચાલે છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો અત્યાર સુધી વીજ લોસ રપ ટકા જેટલો હતો પરંતુ હવે તે સિંગલ ડીજિટમાં થઈ ગયો છે. માત્ર ૯ ટકા જેટલો વીજ લોસ સુરેન્દ્રનગર જિલ્લાનો રહ્યો છે. થાનગઢમાં ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને ગેરકાયદેસર ચાલતા ટીસી પણ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રથમ વખત થાનગઢમાં વીજ ચોરી અટકી છે. બીજી બાજુ મૂળી ચોટીલા થાનગઢ વિસ્તારમાં ચાલતી ચોરી અને માથાભારે તત્ત્વો દ્વારા કરવામાં આવતી વીજ ચોરી ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

જેને લઈને જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા મેનેજિંગ ડાયરેકટર સહિતનો સ્ટાફ સુરેન્દ્રનગર દોડી આવ્યો હતો. પ્રથમ વખત ૯ ટકા જેટલો જ હવે વીજ લોસ રહેતા પીજીવીસીએલ અને પોલીસ તંત્રની કામગીરીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.