Western Times News

Gujarati News

ગુજરાતના ઉદ્યોગોને હવે તેમના પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું સ્થાનિક કક્ષાએ જ પરીક્ષણ કરવાની સુવિધા મળશે

ગાંધીનગર સ્થિત EQDC ખાતે માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામિતના હસ્તે  ઉર્જા લેબોરેટરી, કૉન્ફરન્સ રૂમ અને તાલીમ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટન

નવી ઉર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશે

નવું તાલીમ કેન્દ્ર MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશે

ગાંધીનગર, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC), ગાંધીનગર ખાતે ઉર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ તથા તાલીમ કેન્દ્રનું માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામિતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ ઈક્યૂડીસીની સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ ઉર્જા લેબોરેટરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.

આ નવી સુવિધાઓનો પ્રારંભ થવાથી રાજ્યમાં ઊર્જા ક્ષેત્રમાં સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ મળશે. ખાસ કરીને MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગો માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના  “મેક ઈન ઇન્ડિયા”, “સ્કિલ ઇન્ડિયા”, “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” વેગેરે જેવા મંત્રોને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઉદ્યોગો તેમજ એમસએમઈસ તેમજ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે અનેક પ્રોત્સાહક પહેલો કરી છે અને તેના અંતર્ગત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે તેના હેઠળ કાર્યરત EQDC ખાતે રાજ્યના ઉદ્યોગો માટે આ ત્રણ મહત્વની પહેલો કરી છે.

નોંધનીય છે કે ગુજરાત સરકારે “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”ના મંત્ર સાથે ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે. EQDC ખાતે શરૂ કરાયેલી આ નવી સુવિધાઓ રાજ્યના ઊર્જા ક્ષેત્ર, MSME ઉદ્યોગો અને ટેકનિકલ માનવસંસાધન વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતને ઊર્જા કાર્યક્ષમતા તથા ઉદ્યોગ વિકાસમાં આગેવાન બનાવવામાં સહાયક બનશે.

ઈક્યૂડીસી (EQDC) ખાતે શરૂ કરાયેલી આ ઉર્જા પ્રયોગશાળામાં ડિસ્કોમ કેબલ્સ, એનર્જી મીટર, ડિસિ્ટ્રબ્યુશન ટ્રાન્સફોર્મર, ઇન્સ્યુલેટર તથા અન્ય ઇલેકિ્ટ્રકલ ઉપકરણો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના પરિણામે ઊર્જા કાર્યક્ષમતા, ઇલેક્ટ્રિકલ ગુણવત્તા, ટેસ્ટિંગ અને એનાલિસિસ જેવી કામગીરી વધુ સરળ બનશે. જેના કારણે ઉદ્યોગોને તેમના પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું પરીક્ષણ સ્થાનિક સ્તરે જ કરવાની સુવિધા મળશે.

રાજ્યમાં ઉદ્યોગ અને તકનિકી ક્ષમતા વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઈક્યુડીસી ખાતે સ્થાપિત કરવામાં આવેલું ટ્રેનિંગ સેન્ટર ઉદ્યોગકારો, ઇજનેરો, ટેકનિશિયન તેમજ વિદ્યાર્થીઓ માટે કુશળતા વિકાસનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. આ કેન્દ્રમાં ઊર્જા વ્યવસ્થાપન (Energy Management), ઇલેક્ટ્રિકલ સલામતી, નવી અને રિન્યૂએબલ એનર્જી ટેક્નોલોજી તેમજ ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી આધુનિક ટેકનિકલ તાલીમ પ્રદાન કરવામાં આવશે.

આ ઉપરાંત આધુનિક કોન્ફરન્સ રૂમ ઉદ્યોગકારો, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને વિચાર-વિમર્શ માટે ઉપયોગી બનશે. ઉદ્યોગ અને ઊર્જા ક્ષેત્રમાં નવા વિચારો, ટેકનોલોજી અને નીતિઓ પર ચર્ચા માટે આ સુવિધા મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવશે.

આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) શ્રીમતી મમતા વર્મા (IAS) અને ઉદ્યોગ કમિશનર શ્રી સ્વરૂપ પી. (IAS) અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.