Western Times News

Gujarati News

મેચ ફિક્સિંગના આરોપમાં IPLનો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સસ્પેન્ડ

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સેર્લ્સ ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન બદલ અસ્થાયી રૂપે સસ્પેન્ડ

આ મામલે ટાઈટન્સ ટીમના માલિક ચિત્તરંજન રાઠોડ અને ટીમ અધિકારી ટ્રેવોન ગ્રિફિથ પણ તપાસના ઘેરામાં આવ્યા છે.

દુબઈ,  ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મેચ ફિક્સિંગ મામલે મોટી કાર્યવાહી કરી છે. આઈસીસીએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સેર્લ્સને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યો છે. આઈસીસીના જણાવ્યા પ્રમાણે સેર્લ્સને એન્ટી કરપ્શન કોડનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ કેસ ૨૦૨૩-૨૪માં બાર્બાડોસમાં રમાયેલી બીમ૧૦ લીગ સાથે સંબંધિત છે.

આ ટુર્નામેન્ટ દરમિયાન કથિત રીતે મેચોના પરિણામ અને રમતની પરિસ્થિતિને પ્રભાવિત કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. ફક્ત જેવોન સેર્લ્સ જ નહીં, પરંતુ આ મામલે ટાઈટન્સ ટીમના માલિક ચિત્તરંજન રાઠોડ અને ટીમ અધિકારી ટ્રેવોન ગ્રિફિથ પણ તપાસના ઘેરામાં આવ્યા છે. રાઠોડ અને ગ્રિફિથને પણ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઈસીસી અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ એ ત્રણેય સામે એન્ટી કરપ્શન કોડના સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરી છે.

જેવોન સેર્લ્સ એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આઈપીએલ ૨૦૧૮માં સેર્લ્સ એ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચાર મેચ રમી હતી અને બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સેર્લ્સ એ અંડર-૧૯ લેવલ વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, તે વેસ્ટ ઈન્ડિઝ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ નથી રમી શક્્યો.

આઈસીસી તરફથી જારી કરાયેલા સત્તાવાર નિવેદન પ્રમાણે ત્રણેય વ્યક્તિઓ પર એન્ટી કરપ્શન કોડની ઘણી કલમો હેઠળ આરોપ લાગ્યો છે. ચિત્તરંજન રાઠોડ પર ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એન્ટી કરપ્શન કોડ હેઠળ ત્રણ આરોપ લાગ્યા છે, જ્યારે જેવોન સેર્લ્સ પર ચાર આરોપ નોંધવામાં આવ્યા છે.

ટ્રેવોન ગ્રિફિથ પર ચાર આરોપ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એન્ટી કરપ્શન કોડ હેઠળ અને એક આરોપ આઈસીસી એન્ટી કરપ્શન કોડ હેઠળ લગાવવામાં આવ્યો છે. આ આરોપોમાં મેચ ફિક્સિંગનું કાવતરું, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ભ્રષ્ટ ગતિવિધિઓ માટે ઉશ્કેરવા અને એન્ટી કરપ્શન તપાસમાં સહયોગ ન કરવાનું સામેલ છે.

આઈસીસી ના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય પર બીમ૧૦ લીગ ૨૦૨૩/૨૪ની મેચોના પરિણામ, પ્રગતિ અથવા અન્ય પાસાઓને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

આ ઉપરાંત ખેલાડીઓ અથવા સપોર્ટ સ્ટાફને ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવા અને તપાસમાં સહયોગ ન કરવા જેવા ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા છે. જેવોન સેર્લ્સ અને ટ્રેવોન ગ્રિફિથ પર એ પણ આરોપ છે કે, તેમણે શંકાસ્પદ ઓફર અથવા સંપર્કોની જાણકારી ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને નહોતી આપી, જે એન્ટી કરપ્શન નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

ત્રણેયને આરોપોનો જવાબ આપવા માટે ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન એન્ટી કરપ્શન યુનિટ કેસની તપાસ ચાલુ રાખશે. આ કેસ પહેલાથી ચાલી રહેલી મોટી તપાસનો એક ભાગ છે. આ પહેલા યુનાઈટેડ સ્ટેટ્‌સના ખેલાડી એરોન જોન્સ પર પણ ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ અને આઈસીસી એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના પાંચ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.