ભારત- ઈટાલી વચ્ચે વેપાર 20 બિલિયન યુરોએ પહોંચશેઃ મોદી
રોમ, ભારત અને ઇટાલીએ તેમના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા સુવર્ણ અધ્યાયની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇટાલીની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને સર્વોચ્ચ સ્તરે લઈ જતા ‘વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’ માં અપગ્રેડ કર્યા છે.
રોમમાં આયોજિત આ ઐતિહાસિક શિખર સંમેલન દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મેલોનીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦ પછી એટલે કે પૂરા ૨૬ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય ઇટાલી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેનું અંતર મિટાવીને સંબંધોને એક નવી ઊર્જા આપશે.
દ્વિપક્ષીય વાર્તાલાપ બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મેલોનીએ આર્થિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘અમારો લક્ષ્યાંક હાલના ૧૪ બિલિયન યુરો (આશરે ૧,૫૬૯.૩ અબજ રૂપિયા)ના દ્વિપક્ષીય વેપારને વર્ષ ૨૦૨૯ સુધીમાં વધારીને ૨૦ બિલિયન યુરો (આશરે ૨,૨૪૧.૮૫ અબજ રૂપિયા) સુધી પહોંચાડવાનો છે.”
આ એક અત્યંત મહત્વાકાંક્ષી લક્ષ્ય છે, જેને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે હસ્તાક્ષર કરાયેલા મુક્ત વેપાર કરારની મદદથી હાંસલ કરવામાં આવશે. મેલોનીએ ઉમેર્યું કે બંને દેશોના આર્થિક અને ઉત્પાદક તંત્રો એકબીજાના પૂરક છે. હાલમાં ભારતના વિકાસમાં ૪૦૦થી વધુ ઇટાલિયન કંપનીઓ સક્રિયપણે યોગદાન આપી રહી છે. આ સાથે જ, નવી દિલ્હીમાં ઇનોવેટ ઇન્ડિયા ઇનિશિયેટિવ અંતર્ગત એક વિશેષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે બંને દેશોના સ્ટાર્ટઅપ્સ, યુનિવર્સિટીઓ, ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ અને પ્રતિભાઓને પ્રોત્સાહન આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભાગીદારીને વૈશ્વિક કલ્યાણ સાથે જોડતા એક નવો અને પ્રભાવશાળી વિઝન રજૂ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે, ઇટાલી વિશ્વભરમાં તેની અજોડ ડિઝાઇન અને ચોકસાઈ (પ્રિસિઝન) માટે પ્રખ્યાત છે. બીજી તરફ, ભારતની ઓળખ મોટા પાયાના સ્કેલ, અસીમિત પ્રતિભા અને સસ્તા ઇનોવેશનના પાવરહાઉસ તરીકેની છે. તેથી, હવે આપણે ‘ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા એન્ડ ઇટાલી, એન્ડ ડિલિવર ફોર ધ વર્લ્ડ’ના સહિયારા સિદ્ધાંત પર આગળ વધીશું.
બંને વૈશ્વિક નેતાઓએ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં થયેલી તેમની સાત મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મેલોનીએ પીએમ મોદીના વિઝન, વ્યવહારુ અભિગમ અને નાગરિકોમાં તેમની મજબૂત લોકપ્રિયતાની ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અમારી આ પ્રમાણિક દોસ્તી પરસ્પર સન્માન અને વિશ્વાસ પર ટકેલી છે.
આ ઉપરાંત, વૈશ્વિક સુરક્ષાના મોરચે ઇટાલિયન વડાપ્રધાને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં જહાજોની મુક્ત અવરજવરની આવશ્યકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે ભાગીદારીનું મુખ્ય કારણ પરસ્પર વિશ્વાસ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં ગાઢ સહયોગ આપણા ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે.
આપણી સેનાઓની સાથે સાથે બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે પણ સહયોગ વધી રહ્યો છે. વડાપ્રધાને ઉમેર્યું કે આપણા ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ રોડમેપથી કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શનનો માર્ગ મોકળો થયો છે. મેરીટાઇમ પાવર્સ તરીકે ભારત અને ઇટાલી વચ્ચે કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ગાઢ સહયોગ સ્વાભાવિક છે. આપણે સાથે મળીને શિપિંગ, બંદરોનું આધુનિકીકરણ, લોજિસ્ટિક્સ અને બ્લુ ઇકોનોમી પર કામ કરીશું.
