Western Times News

Gujarati News

દીકરીના મોઢે સગા પિતાના જ આ કાળા કરતૂતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

પ્રતિકાત્મક

સગા પિતાએ ૧૪ વર્ષની સગીર દીકરી પર ૩ દિવસ દુષ્કર્મ આચર્યું પોલીસ મથકે ગુનો નોંધાતા જ લંપટ અને નરાધમ પિતા ધરપકડના ડરથી ભાગી છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતો

નવસારી, નવસારી જિલ્લામાંથી માનવતા અને પવિત્ર સંબંધોને લજવતો એક અત્યંત ઘૃણાસ્પદ અને કાળજા કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાના સાયડામાં દીકરી સુરક્ષિત અનુભવતી હોય છે, તે જ પિતા રાક્ષસ બન્યો હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે.

નવસારીમાં એક નરાધમ પિતાએ પોતાની જ ૧૪ વર્ષની સગીર દીકરી પર સતત ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી નરાધમ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, પાપી પિતાની હવસનો ભોગ બનેલી ૧૪ વર્ષીય માસૂમ સગીરા આ અસહ્ય અત્યાચારથી અંદરથી તૂટી ગઈ હતી. આખરે નરાધમ પિતાની હેવાનિયત સામે સગીરા પોતાની માતા આગળ રડી પડી હતી અને આખી આપવીતી જણાવી દીધી હતી.

દીકરીના મોઢે સગા પિતાના જ આ કાળા કરતૂતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને પોતાના જ પતિ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ મથકે ગુનો નોંધાતા જ લંપટ અને નરાધમ પિતા ધરપકડના ડરથી ભાગી છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની ગંભીરતાને જોતાં નવસારી પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી લીધો હતો.

પોલીસે સગીરાને પીંખી નાખનાર પાપી પિતા વિરૂદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીજી તરફ, માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે સગીરાની માતાએ નરાધમ પતિને કડક સજા થાય અને કોર્ટ તેને ફાંસીની સજા ફટકારે તેવી ઉગ્ર માગ કરી છે. પિતા રાક્ષસ બન્યો હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.