Western Times News

Gujarati News

રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત BJPના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર

ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં અન્ય કોઈ માન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને સીધી જીત મળી

ગાંધીનગર, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે.

જેથી હવે ૧૮ જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં નહીં યોજાય. મહત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ ૧૬૧ જેટલું છે અને કોંગ્રેસનું ૧૨ તેમજ આપનું ૫ જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી. જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોને બિન હરીફ જાહેર કર્યા છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

પરિણામે રાજ્યસભાની આ ચાર બેઠકો પર હવે કોઈ મતદાનની જરૂર રહેશે નહીં. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં અન્ય કોઈ માન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને સીધી જીત મળી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.

ભાજપ તરફથી મેદાનમાં રહેલા રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા હવે સત્તાવાર રીતે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજય મળતા પાર્ટી કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકીય વિશ્લેષકોના મતે, ગુજરાતમાં ભાજપની મજબૂત સંગઠનાત્મક સ્થિતિ અને વિધાનસભામાં સંખ્યાબળના કારણે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષને અનુકૂળ સ્થિતિ મળી છે. બિનહરીફ જીતથી પક્ષે પોતાની રાજકીય પકડ વધુ એક વખત સાબિત કરી છે. ચૂંટણી તંત્ર દ્વારા નિયમિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચારેય વિજેતા ઉમેદવારોને આજે વિજયનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સાથે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને મતદાન વિના પૂર્ણ થશે.

કોણ છે રાજ્યસભાના બિન હરીફ ચારેય ઉમેદવારો?
મુકેશ રાઠવાઃ આદિવાસી સમાજ, છોટાઉદેપુર જિલ્લા કવાંટના રહેવાસી છે, ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્્યા છે.

જીતેન્દ્ર કણઝારીયાઃ સતવારા સમાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર છે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. ૨૦૨૧માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કણઝારિયાનું નિધન થયું હતું

માનસિંહ પરમારઃ રાજપૂત સમાજ, હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

રાજુ શુક્લાઃ બ્રાહ્મણ સમાજ, કડી-કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગર પ્રભારી
ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ ૨૧ જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.