Western Times News

Gujarati News

તળાવની સફાઈ દરમિયાન ૨૦૦થી વધુ બગલાંનાં મોત થતાં રોષ

વડગામ તાલુકાના મજાદરમાં ગ્રામજનોએ જાણ કરતાં ફોરેસ્ટ વિભાગે હિટાચી મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

વડગામ, વડગામના મજાદર ગામના તળાવમાં ગ્રા.પં. દ્વારા સફાઈ કામગીરી દરમિયાન ૨૦૦થી વધુ બગલાનાં મોત અને ૧૦૦૦ હજારથી વધુ ઈંડાં ફૂટી ગયાં હોવાના આક્ષેપ સાથે ગ્રમજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગે હિટાચી મશીન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મજાદર ગામના ગોદરે આવેલા તળાવમાંથી ગંદકી દૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાયો હતો.

સફાઈનો તમામ ખર્ચ ગામના દાતાઓએ આપ્યો હતો. પણ જ્યારે આ બાબતે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાયો ત્યારે ગામના કેટલાક જાગૃત લોકોએ વિરોધ કર્યાે હતો તેમ છતાં તળાવની સફાઈ હાથ ધરાઈ હતી અને તળાવનું પાણી ત્યાંથી બીજા તળાવમાં નાખવામાં આવ્યું હતું અને હિટાચી મશીન દ્વારા તળાવની સફાઈ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હિટાચીની મદદથી તળાવનાં કેટલાંક સૂકાંની સાથે લીલાં ઝાડ પણ પાડી નાખવામાં આવ્યાં હતાં. જેથી આ વૃક્ષો પર રહેતા બગલા સહિત ૨૦૦ જેટલાં વિવિધ પક્ષીઓનાં મોત થયાં હતાં અને ૧૦૦૦થી વધુ ઈંડાં ફૂટી ગયાં હતાં.

જેથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષ ફેલાયો છે. આ અંગેની ગ્રામજનોને જાણ થતાં તેમણે વડગામ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેને લઇ ફોરેસ્ટ વિભાગના અધિકારી પી.એમ.ભુતડીયા, કે.એમ.જોશી અને વિપુલસિંહ ટીમ સાથે મંગળવારે બપોરે તપાસ માટે તળાવે આવ્યા હતા અને સ્થળ પર પડેલું હિટાચી મશીન જપ્ત કર્યું હતું. મૃત પક્ષીઓ અને ઈંડાંની તપાસ કરી સરપંચ સહિત આગેવાનોને બોલાવી પંચનામુ કર્યું હતું અને આગળની તપાસ હાથ ધરી છે.

સરપંચ દિનેશભાઈએ જણાવ્યું હતું કે, તળાવની સફાઈ ગ્રામજનોના કહેવાથી અને પંચાયતના સભ્યોની સહમતિથી ઠરાવ કરીને હાથ ધરવામાં આવી હતી. હાલ કામ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે અને ચોમાસા પહેલાં તળાવની પાળે નવાં ઝાડ વાવવામાં આવશે.ગામના આગેવાન કામરાજભાઈએ જણાવ્યું હતું કે, તળાવની સફાઈ સરકારી ધારાધોરણ મુજબ પરવાનગી લઈને થવી જોઈએ. પાણીમાં માછલી સહિતના અન્ય જીવો પણ બચાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. રજનીભાઈ અને ભેમાભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામસભામાં અમે રજૂઆત કરી હતી કે, તળાવનો સર્વે કરી કામગીરી કરવી જોઈએ, પણ પંચાયતે મનસ્વીપણાથી કામ કર્યું છે, જેથી પક્ષીઓનાં મોત થયાં છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.