Western Times News

Gujarati News

સુરતમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને ઊંઘમાં બીજા માળેથી ફેંકી હત્યા કરી

પતિ જીવતો રહેતાં પ્રેમીએ બ્લેડથી ગળું કાપી મોતને ઘાટ ઉતાર્યાે

પહેલા અકસ્માત મોતનો ગુનો નોંધનાર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પરના ઘા સામે આવતા તપાસ તેજ કરી હતી

સુરત,સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેડરોડની રહેમતનગર સોસાયટીમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને હત્યા અને ગુનાહિત કાવતરુ ઘડવાનો ગુનો નોંધ્યો છે. મૂળ ઝારખંડના અને રહેમતનગર સોસાયટીમાં રહેતા જન્મજયકુમાર તીર્થ રાય (૪૨) તથા પત્ની ચાંદનીકુમારી વચ્ચે અગાઉના લગ્નની વાત છુપાવવા અને કમાણીના પૈસા ઘરમાં ન આપવા મુદ્દે વારંવાર ઝઘડા થતા હતા.

આ દરમિયાન ચાંદનીકુમારીને અગાઉ ફુલવાડી વિસ્તારમાં સામે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શુલભસિંહ બહાદુરસિંહ બંમ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. છેલ્લા છ મહિનાથી બંનેએ જન્મજયકુમારની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.ગત રવિવારે ૭મી જૂને થયેલા ઝઘડા બાદ રાત્રે પતિ ઊંઘી જતાં ચાંદનીએ પ્રેમીને બોલાવ્યો હતો. બંનેએ મળીને ઊંઘમાં રહેલા જન્મજયકુમારને બિલ્ડિંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો.

જોકે, ૨૦ મિનિટ બાદ પણ તે જીવિત હોવાનું જણાતા ચાંદનીએ પ્રેમીને જાણ કરી હતી. ત્યારબાદ શુલભસિંહ દોરા કાપવાની તીક્ષ્ણ બ્લેડ લઈને નીચે પહોંચ્યો હતો અને જન્મજયકુમારના ગળા પર બે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે વધુ રક્તસ્ત્રાવ અને મગજમાં લોહી જામી જતાં તેનું મોત થયું હતું.પહેલા અકસ્માત મોતનો ગુનો નોંધનાર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પરના ઘા સામે આવતા તપાસ તેજ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને પૂછપરછ દરમિયાન ચાંદનીકુમારી ભાંગી પડતાં સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો હતો. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.