નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત
એક મોપેડ પર ત્રણ લોકો સવાર થઈને નારોલ-અસલાલી હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા
ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત
મુંબઈ, નારોલ-અસલાલી હાઇવે પર જીઈબી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની સાઇડમાં ઊભેલી ડાક પાર્સલના વાહનની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું મોપેડ ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનામાં મોપેડ પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.મળતી માહિતી અનુસાર, એક મોપેડ પર ત્રણ લોકો સવાર થઈને નારોલ-અસલાલી હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન જીઈબી પાસે રસ્તાની એક બાજુ ઊભેલા ડાક પાર્સલના વાહનની પાછળ આ મોપેડચાલક અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એક વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
લોહીલુહાણ હાલતમાં રહેલા અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાસ્થળની પરિસ્થિતિ અને પ્રાથમિક તપાસને આધારે એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોપેડ પર સવાર ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં ધૂત હતા. અતિશય નશામાં હોવાના કારણે ચાલકે મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1
