વિશ્વમાં પ્રથમ વખત ચાલતી ટ્રેનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વમાં પ્રથમ વખત ચાલતી ટ્રેનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
DRM વેદ પ્રકાશે વંદે ભારત ટ્રેનમાં મુસાફરો સાથે યોગાભ્યાસ કર્યો.
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 21 જૂન 2026ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના કુશળ માર્ગદર્શન હેઠળ 12મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ અવસરે મંડળના વિવિધ મુખ્ય સ્થળો ઉપરાંત ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત ચાલતી ટ્રેનોમાં મુસાફરોને યોગ સાથે જોડવાની આ નવીન પહેલ અમદાવાદ મંડળ દ્વારા કરવામાં આવી હતી.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે અમદાવાદ મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સૌપ્રથમ અમે અમારા તમામ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. વિડિયો કોન્ફરન્સિંગ (VC)ના માધ્યમથી અમારા વિવિધ કેન્દ્રો તથા રેલવે સંસ્થાઓમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે બીજી વિશેષ પહેલ તરીકે આજે અમે વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને યોગ સાથે જોડવાની એક અનોખી પહેલ કરી છે. આ અભિયાન અંતર્ગત ટ્રેનોની ‘પાઇપ્ડ મ્યુઝિક’ (ઓડિયો સિસ્ટમ) દ્વારા યોગ ગુરુઓના માર્ગદર્શનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું તથા દરેક કોચમાં હાજર સ્વયંસેવકોએ મુસાફરોને પોતાની બેઠક પર બેઠા-બેઠા ‘સૂક્ષ્મ યોગ’ કરવામાં સહયોગ આપ્યો હતો.
મુસાફરોએ 10 થી 20 મિનિટ સુધી ગળા, હાથ, કળાઈ અને ખભાના રોટેશન, ‘ૐ’ના ઉચ્ચારણ તથા ધ્યાન જેવા સરળ યોગાભ્યાસો કર્યા. યોગ મન, વચન, કર્મ અને કાયા વચ્ચે સમન્વય સ્થાપિત કરે છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ સાથે સાથે સ્વસ્થ સમાજ, સશક્ત રાષ્ટ્ર અને વધુ સારા વિશ્વના નિર્માણ માટે યોગ અત્યંત આવશ્યક છે. યોગ આપણને સંતુલન, અનુશાસન અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપે છે.
સાબરમતી સ્થિત સામુદાયિક ભવનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં યોગગુરૂ શ્રી અલ્પેશ ત્રિવેદી અને શ્રીમતી હંસા ચાગે રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, આરપીએફ સ્ટાફ, સ્કાઉટ અને ગાઇડ તેમજ નાગરિક સુરક્ષા સંગઠન (સિવિલ ડિફેન્સ)ના સભ્યોને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત અભ્યાસોની તાલીમ આપી હતી.
આ ઉપરાંત ઓલ્ડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ–સાબરમતી, રેલવે ઇન્સ્ટિટ્યૂટ–કાંકરિયા, સામુદાયિક ભવન–ગાંધીધામ તથા સામુદાયિક ભવન–વીરમગામ ખાતે પણ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાલતી વંદે ભારત ટ્રેનોમાં વિશેષ યોગ સત્ર
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને વધુ જનસુલભ અને વ્યાપક બનાવવા માટે નીચે દર્શાવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રોમાં મુસાફરોએ પોતાની બેઠક પર બેસીને કરી શકાય તેવા સરળ યોગાભ્યાસો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.:
1. ગાડી નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
2. ગાડી નંબર 12462 સાબરમતી – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
3. ગાડી નંબર 26964 અસારવા – ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ
4. ગાડી નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ
અમદાવાદ મંડળ દ્વારા અગાઉ પણ અમદાવાદ, મહેસાણા, પાલનપુર તથા ગાંધીધામ સહિત વિવિધ મુખ્ય સ્ટેશનો પર યોગ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલ કર્મચારીઓ તથા મુસાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026ની થીમ “Yoga for Healthy Ageing” અનુસાર પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ સ્વસ્થ જીવનશૈલી અને સામૂહિક કલ્યાણના સંદેશને જન–જન સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
પશ્ચિમ રેલવે પોતાના તમામ માનનીય રેલ મુસાફરો તથા રેલ કર્મચારીઓને અપીલ કરે છે કે તેઓ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવી સ્વસ્થ અને સંતુલિત જીવનની દિશામાં આગળ વધે તથા આ વૈશ્વિક અભિયાન સાથે જોડાય.
