Western Times News

Gujarati News

૩૦ એક્ટર્સ, ૫૦ વેનિટી વૅન અને ૨૫૦ કાર વચ્ચે શૂટ થઈ ‘વેલકમ ટુ ધ જંગલ’

અહેમદ ખાને શેર કર્યાે વિશાળ કાસ્ટ સાથે ફિલ્મ શૂટ કરવાનો અનુભવ

ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, જેકલિન ફર્નાન્ડિઝ, દિશા પટ્ટણી, રવીના ટંડન વિગેરે હશે

મુંબઈ,અક્ષય કુમાર સહિતની વિશાળ કાસ્ટ સાથેની ને જેની લાંબા સમયથી રાહ જોવાય છે એવી કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ તેની વિશાળ સ્ટારકાસ્ટને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મનાં ડિરેક્ટર અહેમદ ખાને તાજેતરમાં ખુલાસો કર્યાે કે આ ફિલ્મનું શૂટિંગ કોઈ સામાન્ય ફિલ્મ સેટ જેવું નહોતું, આટલા કલાકારો અને તેમની ટીમના કાફલા સાથે કામ કરવું એક મોટો પડકાર હતો.એક ઇન્ટરવ્યુમાં અહેમદ ખાને જણાવ્યું કે ફિલ્મમાં કુલ ૩૪ કલાકારો સામેલ હોવાથી શૂટિંગનું આયોજન ખૂબ જ પડકારજનક હતું.

જોકે, એટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં સેટ પર કોઈના અહંકાર કે એકબીજા સાથે ટક્કર કે વિવાદ સર્જાયો નહોતો.અહેમદ ખાને કહ્યું, “આટલા બધાં મોટા સ્ટાર્સ સાથે કામ કરતી વખતે સામાન્ય રીતે મતભેદોની આશંકા રહેતી હોય છે, પરંતુ અમારી ટીમમાં એવો કોઈ પ્રશ્ન આવ્યો નહીં. બધા કલાકારો એકબીજા સાથે અત્યંત સહયોગથી કામ કરતાં હતાં. આટલાં લોકોને એકસાથે આટલી ગરમીમાં કામ કરાવવુંસ બધાના ટાઇમ શીડ્યુલ સંભાળવા, બધાની ડેટ એકબીજા સાથે મેચ કરવી, દરેક કલાકાર માટે કેમેરા અને ળમ સેટ કરતા રહેવા અને સેટ સંભાળવામાં અતિશય શ્રમ પડતો હતો.

”અહેમદ ખાને વધુમાં જણાવ્યું કે કેટલાક દિવસોમાં એકસાથે લગભગ ૩૦ કલાકારો સેટ પર હાજર રહેતાં હતાં. દરેક કલાકાર સાથે સરેરાશ પાંચ સભ્યોની ટીમ હોવાથી માત્ર સ્ટાર્સની ટીમ જ લગભગ ૧૫૦ લોકો સુધી પહોંચી જતી હતી. ઉપરાંત ૨૦૦ જેટલા ટેન્કિશિયન, સ્ટંટ ટીમ, ઘોડેસવારો, બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ્‌સ અને ડાન્સર્સ મળીને સેટ પર હાજર લોકોની સંખ્યા ૭૦૦થી ૯૦૦ સુધી પહોંચી જતી હતી. ફિલ્મનાં વિશાળ માપદંડનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે શૂટિંગ માટે બે મોટા મેદાનોની જરૂર પડી હતી. એક મેદાનમાં ૫૦ વેનિટી વૅન પાર્ક કરવામાં આવતી હતી, જ્યારે બીજા વિસ્તારમાં બેકગ્રાઉન્ડ કલાકારો અને યુનિટ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હતી.

તેમણે જણાવ્યું કે દરરોજ લગભગ ૨૦૦થી ૨૫૦ કાર સેટ પર આવતી હતી. “મેકઅપ ટીમ, હેર સ્ટાઇલિસ્ટ, ટેન્કિશિયન અને કલાકારોની અવરજવર સંભાળવી એ પોતે જ એક મોટું કામ હતું. અમારો ફિલ્મનો સેટ કોઈ ફિલ્મના શૂટ કરતાં અલગ દરરોજ કોઈ મોટા મ્યુઝિક કોન્સર્ટના આયોજન જેવા બની જતાં હતાં.”

ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, જેકલિન ફર્નાન્ડિઝ, દિશા પટ્ટણી, રવીના ટંડન અને અનેક જાણીતાં કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે.૨૬ જૂને રિલીઝ થનારી વેલકમ ટુ ધ જંગલને વર્ષ ૨૦૨૬ની સૌથી મોટી કોમેડી એન્ટરટેનર ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. ફિલ્મની વિશાળ સ્ટારકાસ્ટ અને ભવ્ય રજૂઆતને કારણે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.