પાટણ કોર્ટે સિધ્ધપુર પાલિકા સામે જપ્તી વોરંટ ઈસ્યુ કર્યું
વટહુકમ બજવણી અંગેનો અહેવાલ ૯ જુલાઈ સુધીમાં કોર્ટ સમક્ષ પરત મોકલવા આદેશ કર્યો
પાટણ, પાટણની સેશન્સ કોર્ટે સિદ્ધપુર નગરપાલીકા સામે રૂ.૪૩.૪૧ લાખની વસૂલાત માટે જપ્તી વોરંટ ઈસ્યુ કર્યું છે. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટરને બાકી નીકળતી રકમ ન ચૂકવાતા આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલો વર્ષ ર૦૧૬-૧૭નો છે, જયારે સિદ્ધપુર શહેરમાં ઋષિકેશ ફાટક રેલવે અન્ડરપાસ બનાવવા માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકા દ્વારા એજન્સીના બિલની બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી.
અમદાવાદ સ્થિત અરજદાર પીસી સ્નેહલ કન્સ્ટ્રકશન કંપની વતી ચિરાગ મનુભાઈ પટેલ અને વસંતભાઈ નરસિંહભાઈ બારોટે પાટણની ડિસ્ટ્રિકટ કોર્ટમાં આર્બિટ્રેશન પિટિશન દાખલ કરી હતી. પાટણ કોર્ટના જજ એ.એમ. શેખે સિદ્ધપુર નગરપાલીકા સામે મિલકત જપ્તીનું વોરંટ ઈસ્યુ કરવાનો આદેશ કર્યો હતો. ર૩ એપ્રિલ, ર૦૧૬ના રોજ આર્બિટ્રેશન પિટિશન અન્વયે અરજદારની તરફેણમાં હુકમનામું કરવામાં આવ્યું હતું, જેમાં સિદ્ધપુર નગરપાલિકાને વ્યાજ અને ખર્ચ સહિતની રકમ ચૂકવવાનો આદેશ કરાયો હતો.
કોર્ટના હુકમ અનુસાર, નગરપાલિકા પાસેથી હુકમ નામાની મૂળ રકમ રૂ.ર૪,ર૦,ર૯૩, ૧ર ટકા વ્યાજ લેખે રૂ.૧૭,૯૧,૦૯૦ અને અન્ય ખર્ચ મળીને કુલ રૂ.૪૩,૪૧,૯૮૩ વસૂલવાના બાકી છે. આ રકમ વસૂલવા માટે કોર્ટે સિદ્ધપુરના પ્રિÂન્સપાલ સિનિયર સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને બજવણી માટે આદેશ કર્યો છે. આ આદેશમાં સામાવાળા (નગરપાલીકા)ની જંગમ મિલકત જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.એ. શેખ દ્વારા આપવામાં આવેલા આ હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો સિદ્ધપુર નગરપાલિકા જપ્તીનો ખર્ચ કે દરખાસ્તની રકમ ન આપે તો આ રકમ કોર્ટના આગળના આદેશ સુધી પોતાની પાસે અનામત રાખવી. કોર્ટે વટહુકમ બજવણી અંગેનો સંપૂર્ણ અહેવાલ આગામી ૯ જુલાઈ, ર૦ર૬ના રોજ અથવા તે પહેલાં કોર્ટ સમક્ષ પરત મોકલવા માટે તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
