વડનગર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષ કેદ
સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો સંભળાવ્યો
કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ૩ લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મહેસાણાને દરખાસ્ત કરી
મહેસાણા,વડનગર તાલુકાની એક સગીરાનું અપહરણ કરી સુરતમાં ભાડાની રૂમમાં રાખી દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિસનગરના ગોઠવા ગામના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષ સખત કેદ અને કુલ રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યાે હતો.વિસનગર તાલુકાના ગોઠવા ઓખાજીપુરામાં રહેતો વિશાલજી ઉર્ફે જતીન હમરાજજી ઠાકોર તા.૧૬-૧૨-૨૪ના રોજ વડનગર તાલુકાની એક સગીરાને લગ્નની લાલચ આપીને તેણીનું અપહરણ કરીને સુરત લઈ ગયો હતો.
સુરતમાં ભાડેથી રૂમ રાખીને વિશાલજીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે વિશાલજી ઠાકોર સામે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ સી.બી.ચૌધરીએ કોર્ટ સમક્ષ ૧૦ સાહેદો તપાસ્યા હતા અને ૧૬ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીને સજા કરવાની દલીલો કરી હતી. વિસનગર સ્થિત મહેસાણની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એન.એસ.દિદ્દીકીએ પુરાવા તેમજ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વિશાલજી ઉર્ફે જતીન હેમરાજજી ઠાકોરને દોષિત ઠેરવી વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષ સખત કેદની સજા તેમજ કુલ રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યાે હતો. અપીલ સમય બાદ દંડની રકમ ભોગ બનનારને વળતર પેટે ચુકવી આપવાનો આદેશ પણ કર્યાે હતો. ઉપરાંત કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂ.૩ લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મહેસાણાને દરખાસ્ત કરી હતી. SS1
