Western Times News

Gujarati News

સુરતના હીરા વેપારીનો ૪૪ કરોડની ખંડણી બાદ અલ કાયદાની કેદમાંથી છુટકારો

સુરત, પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે ૩ મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધીરુ રામાણીના પરિવારજનો પાસે અપહરણકારોએ ૧૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ અંતે ૪ મિલિયન યુરો એટલે કે આશરે રૂ. ૪૪ કરોડની જંગી ખંડણી ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો છે.

૭૫ વર્ષીય ઉદ્યોગપતિ ધીરુ રામાણી બે વર્ષ પહેલાં એક મોટા ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટના સંચાલન માટે માલી શિફ્ટ થયા હતા. અહીં ધીરુ રામાણી સાથે તેમના રસોઈયા અને ઇલેક્ટિÙશિયનનું પણ અપહરણ થયું હતું. તેમના પરિવારના સભ્યોએ તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, આ અપહરણ કોઈ સ્થાનિક ગુનેગારોએ નહીં, પરંતુ અલ-કાયદા સાથે જોડાયેલા કટ્ટરપંથી જૂથે કર્યું હતું.

રામાણી પરિવારના એક નજીકના સગાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘અમારી પાસે વાટાઘાટો કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. અમારા વડીલના સુરક્ષિત પુનરાગમન માટે આખી પ્રક્રિયા પરિવારે જ સંભાળી હતી. તેમાં કોઈ સરકારી એજન્સીની મદદ લેવાઈ નથી.’

અપહરણકારોએ ધીરુ રામાણી અને અન્ય બે ભારતીયો જીવિત હોવાની સાબિતી આપવા માટે એક વીડિયો કોલ પણ કરાવ્યો હતો, જેના આધારે આ ડીલ ફાઇનલ થઈ હતી.

ધીરુ રામાણી આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગમાં ખૂબ મોટું નામ છે. તેઓ રામાણી એક્સપોર્ટ નામે ડાયમંડ ફેક્ટરી ધરાવે છે, તેમજ ન્યૂયોર્કમાં સીબીડી ડાયમંડ એન્ડ જ્વેલરીના શો-રૂમ્સ છે. સુરતમાં પણ તેમનું બિઝનેસ નેટવર્ક સક્રિય છે. હાલ તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી છે અને તેમના પુત્રો અમેરિકન નાગરિક છે.

સુરતના એક વરિષ્ઠ હીરા વેપારીએ જણાવ્યું કે, આ ઘટનાએ આફ્રિકન દેશોમાં રોકાણ કરનારા સુરતના સાહસિકોને ચિંતામાં મૂકી દીધા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા ભારતીય વેપારીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં જ માલીમાં વધતા સુરક્ષા જોખમો અને અપહરણના ભય અંગે સત્તાવાર એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.