Western Times News

Gujarati News

કમલમમાં શાહે આપ્યા કડક સંકેત! ચૂંટણીમાં નબળું પ્રદર્શન કરનારા નેતાઓ પર ગાજ પડશે?

અમિત શાહની અધ્યક્ષતામાં ‘કમલમ’ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર, ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની અને ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઈ છે. વર્ષ ૨૦૨૭માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના રોડમેપ અને પક્ષની સંગઠનાત્મક મજબૂતીને લઈને આ બેઠકમાં મોટું રાજકીય મંથન ચાલી રહ્યું છે.

આ હાઈપ્રોફાઈલ બેઠકમાં રાજ્યના ટોચના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક પાછળ ભાજપની મજબૂત રાજકીય અને સંગઠનાત્મક વ્યૂહરચના જવાબદાર માનવામાં આવી રહી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી નવી મતદાર યાદી બાદ પક્ષે આગામી સમય માટે કયા પ્રકારની રણનીતિ અપનાવવી તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે.

ખાસ કરીને પક્ષના પાયાના પથ્થર સમાન પેજ પ્રમુખ અને બૂથ સ્તરના કાર્યકરોને ફરીથી સક્રિય કરવા માટેની વિશેષ યોજના ઘડવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના પ્રદર્શનની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં ભાજપને ધાર્યા પરિણામો નથી મળ્યા, ત્યાંની નબળાઈઓ શોધવામાં આવી રહી છે.

પક્ષમાં કોઈપણ પ્રકારની જૂથબંધી કે ક્ષતિ ચલાવી લેવામાં નહીં આવે અને તે માટે જવાબદારી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, પક્ષ વિરોધી કે શિસ્તભંગની પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક પગલાં લેવા માટે પણ આ બેઠકમાં સૂચના અપાઈ શકે છે.

આ બેઠકનો સૌથી મોટો એજન્ડા સમાન નાગરિક ધારો હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાતમાં યુસીસીના કાયદાકીય અમલીકરણ અંગે પક્ષના આંતરિક વર્તુળોમાં સંભવિત ચર્ચા આ બેઠક દરમિયાન થઈ શકે છે. ૨૦૨૭ની ચૂંટણી પહેલા આ કાયદાને લઈને કઈ રીતે આગળ વધવું તેના પર કેન્દ્રીય નેતૃત્વ માર્ગદર્શન આપી રહ્યું છે. અમિત શાહની આ બેઠકથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.