ગુજરાત સરકારના મંત્રી કાન્તિ અમૃતિયા અને કાળુ અમૃતિયા સામસામે કેમ આવી ગયા ?!
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતા(અને મોરબીના ધારાસભ્ય તથા તેમના મતવિસ્તારમાં ‘કાનાભાઈ ‘ તરીકે જાણીતા) કાન્તિ અમૃતિયા તાજેતરમાં લાંબી માંદગી અને મુંબઈમાં સઘન સારવાર મેળવીને ફરી પાછા જાહેર જીવનમાં સક્રિય થયા છે પણ એમને હજું શાંતિ નથી મળી.
કારણ કે ‘ઘર ફૂટે ઘર જાય’ એ કહેવત અનુસાર તેમનાં જ સગા ભાઈ કાળુ અમૃતિયાએ મોરબીમાં ગુજરાત સરકાર સામે સત્યાગ્રહનો મોરચો ખોલ્યો છે.અહીં એકબાજુ
કાન્તિ અમૃતિયા સંપૂર્ણ તંદુરસ્તી મેળવવા મથી રહ્યા છે અને એ સામે સગા ભાઈએ પોતે જે સરકારનો એક ભાગ છે તેની સામે આંદોલનનો મોરચો માંડયો છે.
સરકારના ખાણ ખનીજ વિભાગે તેમના ધંધાના સ્થળે દરોડા પણ પડાવ્યા છે,પણ કાળુ અમૃતિયા નિડર છે.એ સામે કાળુ અમૃતિયા તો ભાષણો પણ બેફામ કરે છે અને જાહેરમાં બોલે છે કે “ધારાસભ્યો અને મંત્રીઓ બધાય મારા દીકરાવ ઘોડા જેવા થઈ ગયા છે.” આમ ગુજરાતના રાજકારણમાં બે સગા ભાઈઓ સામસામે આવી ગયા હોય તેવી ઘટના આકાર લઈ રહી છે.

કલેકટર રવીન્દ્ર ખટાલેની આગવી અને અનેરી પહેલ- ‘કોફી વીથ કલેકટર’

ગાંધીનગરના કલેકટર અને ગુજરાતના ૨૦૧૬ની બેચના આઇ.એ.એસ.અધિકારી રવીન્દ્ર ધ્યાનેશ્વર ખટાલેએ ગત અઠવાડિયામાં, વિવિધ જિલ્લાઓમાંથી આવીને ગાંધીનગર ખાતે રહીને કારકિર્દી ઘડવા માટે યુ.પી.એસ.સી.અને જી.પી.એસ.સી.ની તૈયારી કરતી ૪૦ જેટલી દીકરીઓને તેમની આગામી પરીક્ષા અંગે ‘કોફી વીથ કલેકટર’ શિર્ષક તળે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટર રવીન્દ્ર ખટાલેએ બહેનોને (કે)ઃ-તૈયારી કરતી વખતે અનુભવાતા તનાવ
(ખ)ઃ-વાંચનક્ષમતા અને યાદદાસ્ત કેવી રીતે કેળવવી કે વધારવી(ગ)ઃ-યુ.પી.એસ.સી અને જી.પી.એસ.સીની પરીક્ષામાં સફળ થવા દરરોજ કેટલાં કલાક વાંચવું આદર્શ ગણાય?(ઘ)ઃ-તૈયારીના એક તબક્કે મારાથી આમાં નહીં પહોંચી વળાય એવી લાગણી થાય ત્યારે મનને કેવી રીતે સંભાળવું? અને
(ચ)ઃ-પ્રથમ પ્રયાસે સફળતા મેળવવાની સચોટ રણનીતિ શું હોઈ શકે? વગેરે બાબતો અંગે રસપૂર્વક ભરપૂર માર્ગદર્શન આપ્યું હતું.આ સંવાદ-મિલનના અંતમાં કલેકટરે યુવા બહેનોને અનુભવ આધારિત શીખામણ આપતા કહ્યું હતું કે ‘તૈયારી મૌન રહીને સંપૂર્ણ ખામોશીથી કરો કે ઝળહળતી સફળતા જ તમારો અવાજ બનીને સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠે.’
આખા ગુજરાતમાં આજે યુ.પી.એસ.સી અને જી.પી.એસ.ની તૈયારી કરતા ભાઈ-બહેનોની સંખ્યા વધી રહી છે ત્યારે કલેકટર રવીન્દ્ર ખટાલેની આ પહેલ સરાહનીય અને અનુસરવા જેવી છે.
ભરૂચના કલેકટર ડો.નવનાથ ગવ્હાણેએ પોતાનો જન્મદિવસ રક્તદાનથી ઉજવ્યો!

કોઈ પણ જિલ્લાના કલેક્ટર કંઈ નવી પહેલ કરે તો તેની ઊંડી અસર લોકો પર પડતી હોય છે.આવી એક વિશિષ્ટ પહેલ ભરૂચના કલેકટર, મહારાષ્ટ્રના વતની, એમ.બી.બી.એસ. ની ડીગ્રી ધરાવતા અને ગુજરાતની ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. અધિકારી ડો.નવનાથ ગવ્હાણેએ કરી છે. તાજેતરમાં ડો.નવનાથની વર્ષગાંઠ ગઈ.ડો.નવનાથે પોતાનો જન્મદિવસ રક્તદાન કરીને ઉજવ્યો હતો.
આ પહેલ સરાહનીય ગણાય.કારણ કે કલેકટર જે તે જિલ્લાના (કામચલાઉ)? હીરો કે પ્રેરણામૂર્તિ હોય છે,લોકો તેને આદર સાથે અનુસરે છે.એ રીતે જોઈએ તો તા.૧૩/૦૫/૨૬થી ભરૂચ કલેકટર તરીકે ફરજ બજાવતા ડો.નવનાથ ગવ્હાણેએ તેમના જિલ્લામાં જિલ્લામાં રક્તદાન જેવી પવિત્ર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું સુંદર કામ કર્યું છે.એ માટે જિલ્લાના અગ્રણીઓએ તેમને અભિનંદન આપ્યા છે.
‘શ્રેષ્ઠ સાંસદ -૨૦૨૬’ – સર્વેમાં રાજ્યસભાના સભ્ય મયંક નાયકને સ્થાન
ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ સર્વ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવેલા સર્વેક્ષણમાં ગુજરાતના રાજ્યસભાના સભ્ય મયંક નાયકની દેશના પાંચ શ્રેષ્ઠ રાજ્યસભાના સાંસદોમાં પસંદગી કરવામાં આવી છે.ગુજરાતમાંથી પસંદગી પામનાર મયંક નાયક એક માત્ર સાંસદ છે. આ સર્વેક્ષણમાં દેશભરના રાજ્યસભાના સાંસદોનું બહુસ્તરીય અને વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

જેમાં (૧)ઃ- સંસદમાં હાજરી(૨)ઃ- સંસદની કાર્યવાહીમાં સક્રિય ભાગીદારી(૩)ઃ- ચર્ચાઓમાં યોગદાન(૪)ઃ- પૂછાયેલા પ્રશ્નો(૫)ઃ- વિકાસલક્ષી અભિગમ(૬)ઃ- જનસંપર્ક
(૭)ઃ-નેતૃત્વ ક્ષમતા(૮)ઃ-જાહેરજીવનમાં પ્રતિબદ્ધતા અને
(૯)ઃ- સામાજિક સ્વીકૃતિ જેવા મુદ્દાઓ પર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.આ મુદ્દાઓના આધારે દેશના ૫ રાજ્ય સભાના સભ્યોની પસંદગી કરવામાં આવી છે જેમાં મયંક નાયકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અલબત્ત,જે બે મેગેઝિન દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે એ બહુ જાણીતા કે નામાંકિત તો નથી, પરંતુ તેમ છતાં ગુજરાતના એક સાંસદનો તે સર્વેમાં સમાવેશ થાય તેનાંથી ભા.જ.પ. સાથે જોડાયેલા સૌને આનંદ થાય એ બહુ સ્વાભાવિક છે.
ગુજરાતના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા શાક લેવા નીકળ્યા

ગાંધીનગરમાં મુખ્ય શાકમાર્કેટ સેક્ટર -૨૧મા છે. આ માર્કેટમાં તાજુ, વૈવિધ્યસભર શાક તેમજ ફ્રૂટ મળે છે. તાજેતરમાં આ માર્કેટમાં એક વિશિષ્ટ દ્રશ્ય જોવા મળ્યું. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી અને કચ્છ જિલ્લાના અંજાર મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમ છાંગા કોઈ બોડી ગાર્ડ કે પોલીસ કાફલા વગર શાક લેવા પહોંચી ગયા હતા.
એમને ઓળખી ગયેલા કોઇએ પૂછ્યું કે કેમ તમે શાક લેવા નીકળ્યા? તો ત્રિકમ છાંગાએ જવાબ આપ્યો કે હું તો એક સામાન્ય માણસ છું તેથી મારા માટે આ સહજ ઘટના છે. હાલમાં સત્તા છે એ તો કામચલાઉ છે.
મંત્રીની આ સાદગી અને સરળતા એ તો એમનાં વતન કચ્છની ઓળખ છે અને એ મંત્રીએ જાળવી રાખી છે એમ આ ઘટનાથી ફલીત થાય છે.
