અમદાવાદની એક સોસાયટીના CCTVમાં કેદ થઈ દિપડાની હિલચાલ, રહિશોમાં ફફડાટ
અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારની સોસાયટીના CCTVમાં કેદ થયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદ, મેગા સિટી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા બોપલ – ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘુમા વિસ્તારમાં દીપડો મુક્તપણે હરતો-ફરતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ વન વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ દીપડો કેદ થયો છે. મોડી રાત્રે દીપડો સોસાયટીની દીવાલ પાસેથી પસાર થતો હોવાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ શહેરના છેવાડાના વિસ્તાર ઘુમા ગામથી શેલા તરફ જવાના રોડ ઉપર આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે 1:50 વાગ્યા બાદ દીપડો દેખાયો હતો. સોસાયટીનો કોટ કૂદી અને દીપડો સોસાયટીમાં આવ્યો હતો. એક યુવતી ગાડી લઈને ત્યાંથી પસાર થતી હતી તેણે પણ આ દીપડાને ત્યાંથી જતા જોયો હતો. સોસાયટીમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે.
સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક અસરથી આ અંગે વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. દીપડાની હાજરીની આશંકાને પગલે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા તમામ રહીશોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને બાળકો તેમજ પાલતુ પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમ તાકીદે શરણદીપ સોસાયટી અને તેની આસપાસના ખુલ્લા પ્લોટ્સના વિસ્તારમાં પહોંચી ગઈ છે. વન અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે અને દીપડાના પગના નિશાનના આધારે શોધખોળ કરાઇ રહી છે. વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આસપાસના અન્ય વિસ્તારો અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા શ્રમિકોને પણ સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
