તસ્કરોના વાહનનો પીછો કરતી વખતે થયેલા અકસ્માતમાં શહીદ થયા હતા RFO વિકાસ દેસાઈ
*વનની રક્ષા કરતાં શહીદ થયેલા બહાદુર RFO સ્વ. વિકાસ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા*
વન રાજ્યમંત્રી, અગ્ર મુખ્ય વનસંરક્ષક સહિતના અધિકારીઓએ શહીદના પરિજનોને મળી, સાંત્વના પાઠવી
વન બચશે તો જ જીવન બચશે, આ સંસ્કૃતિના રક્ષણ માટે RFO વિકાસ દેસાઈએ સર્વોચ્ચ બલિદાન આપ્યું: વન મંત્રી
તાપી જિલ્લાના તાપ્તી રેન્જમાં વન સંપત્તિના રક્ષણ માટે ફરજ બજાવતાં, બહાદુરીપૂર્વક લાકડાની ચોરી રોકવા જતાં અકસ્માતમાં શહીદ થયેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સ્વ. વિકાસ દેસાઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વનમંત્રી શ્રી મોઢવાડિયાએ આ દુઃખદ ઘટનાને વનવિભાગ માટે કદી પૂરી ન શકાય તેવી ક્ષતિ ગણાવી, શહીદના શોકસંતપ્ત પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી, તેમને સાંત્વના પાઠવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેરના કીમતી લાકડાની ચોરી કરીને ભાગી રહેલા તસ્કરોની માહિતી મળતા જ રૅન્જ ફોરેસ્ટ ઑફિસર વિકાસ દેસાઈએ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને અડગ જવાબદારીભાવ સાથે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરોના વાહનનો પીછો કરતી વખતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં તેઓ શહીદ થયા. વન અને પ્રકૃતિના રક્ષણ માટે પોતાના જીવનું બલિદાન આપનાર આવા નીડર અધિકારી સમગ્ર વન પરિવાર માટે હંમેશાં પ્રેરણાસ્રોત બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
વનમંત્રીએ કહ્યું કે વન વિભાગની કામગીરી માત્ર સરકારી ફરજ નથી, પરંતુ પ્રકૃતિ, પર્યાવરણ અને આવનારી પેઢીના ભવિષ્યના સંરક્ષણનું એક પવિત્ર દાયિત્વ છે. આજે આપણાં વનો, વન્યજીવન અને કુદરતી સંપત્તિ સુરક્ષિત છે, તો તે આવા નિષ્ઠાવાન અને બહાદુર અધિકારીઓના સમર્પણને કારણે જ છે. વનની સંસ્કૃતિ જીવંત રહેશે, તો જ માનવ સંસ્કૃતિનું અસ્તિત્વ ટકી રહેશે. આ મહાન કાર્યમાં સ્વ. વિકાસ દેસાઈનું બલિદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી મોઢવાડિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય સરકાર અને સમગ્ર વન વિભાગ વતી સ્વ. વિકાસ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી, શહીદના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરવા પ્રભુને પ્રાર્થના કરી હતી.
આ સમગ્ર ઘટનાની સઘન તપાસ શરૂ કરી હોવાનું જણાવતાં વનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વન સંપત્તિને નુકસાન પહોંચાડતી કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સ્વ. વિકાસ દેસાઈ મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના વતની હતા. ચાર ભાઈ-બહેનમાં તેઓ ત્રીજા સંતાન હતા. અગાઉ તેઓ સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને ત્રણેક વર્ષથી વન વિભાગમાં જોડાયા હતા. પોતાની પાછળ તેઓ માતા-પિતા, પત્ની અને પાંચ વર્ષના પુત્રને વિલાપ કરતાં છોડી ગયા છે.
વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પણ શહીદના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ દુઃખદ ઘડીમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (PCCF) ડૉ. જયપાલસિંહ, ભવાની પ્રસાદ, પુનિત નાયર, અંશુમન શર્મા, આનંદ કુમાર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ શહીદ અધિકારીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
