Western Times News

Gujarati News

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ભારે હોબાળો

File Photo

લોકસભા – રાજ્યસભામાં વિપક્ષનો હંગામો

(એજન્સી) નવી દિલ્હી, સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ભારે હોબાળો જોવા મળ્યો હતો, જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી છ વખત સ્થગિત કરવી પડી હતી. વિપક્ષી સાંસદોના સતત હંગામાને પગલે અંતે બંને સદનની કાર્યવાહી મંગળવાર સવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.

સત્રની શરૂઆત પહેલાં જ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકના નેતાઓની એક મહત્વની બેઠક મલ્લિકાર્જુન ખડગેના ચેમ્બરમાં યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિપક્ષે રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને દેશમાં પેપર લીકને કારણે શિક્ષણ વ્યવસ્થાના પતન જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી હતી.

મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, પીએમનું કામ વિપક્ષ પર કટાક્ષ કરવાનું નથી પરંતુ દેશની સમસ્યાઓ હલ કરવાનું છે. તેમણે નીટ પરીક્ષાના વિવાદ અને રામ મંદિર ટ્રસ્ટમાં સરકારી સભ્યોની નિમણૂક પર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વર્તમાન સરકારને અહંકારી ગણાવીને વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દે સંવેદનશીલતા દાખવવાની માંગ કરી હતી.

આ દરમિયાન તમિલનાડુના ડીએમકે સાંસદો મેકેદાતુ ડેમ પરિયોજનાના વિરોધમાં લીલા રંગના ગમછા પહેરીને સંસદ પહોંચ્યા હતા. ડીએમકે સાંસદ તિરૂચી શિવાએ જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરીને સરકાર પર અમાનવીય વલણ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, ભાજપના સાંસદ હેમા માલિનીએ વિપક્ષના આ વિરોધ પ્રદર્શનની ટીકા કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમસ્યાનું સમાધાન સંસદમાં યોગ્ય ચર્ચા દ્વારા જ આવી શકે છે અને મોદી સરકારે હંમેશા દેશના યુવાનો તથા શિક્ષણના હિતમાં નિર્ણયો લીધા છે.

રાજકીય ઉથલપાથલ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદોના જૂથમાંથી રચના બેનર્જીએ દાવો કર્યો હતો કે તેઓ એનડીએ સરકાર અને વડાપ્રધાન મોદીના સમર્થનથી ખૂબ જ હકારાત્મક છે અને હવે તેમના માટે ટીએમસીનું કોઈ અસ્તિત્વ નથી. દિવસ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સંસદ ભવનમાંથી રવાના થયા હતા પરંતુ તેમણે મીડિયા સમક્ષ કોઈ ટિપ્પણી કરી ન હતી.

સત્રના પ્રારંભે રાજ્યસભાના સભાપતિએ ગૃહના પૂર્વ સભ્યો બલબીર કે. પુંજ, સ્વપન સાધન બોસ, રંગાસાયી રામકૃષ્ણ અને એચ. હનુમંતપ્પાના નિધન પર શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.