Western Times News

Gujarati News

શૈક્ષણિક સમયમાં કાર્યક્રમો માટે DEOની પૂર્વ મંજૂરી ફરજિયાત મેળવવાની રહેશે

સૂચનાઓનું અનાદર કરવામાં આવશે અથવા પૂર્વ સંમતિ વિના બાહ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તો પગલા લેવાશે

અમદાવાદની શાળાઓમાં શૈક્ષણિક સમયમાં બાહ્ય કાર્યક્રમો પર DEOની બ્રેક

અમદાવાદ,અમદાવાદ શહેરની ગુજરાત બોર્ડ સહિત CBSE, ICSE અને IB શાળાઓમાં હવેથી કોઈ પણ સંસ્થા, NGO કે ટ્રસ્ટ દ્વારા શાળા સમયમાં કાર્યક્રમ યોજતા પહેલા જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ જાણ કરી મંજૂરી મેળવવાની રહેશે. શૈક્ષણિક સમય દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસમાં પડતા અનાવશ્યક વિક્ષેપને અટકાવવા માટે અમદાવાદ શહેર DEO દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર કરાયો છે. જોકે, સ્કૂલ કક્ષાએ યોજાતા વાર્ષિક કાર્યક્રમો, રમતગમત કે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આવી કોઈ મંજૂરીની જરૂર રહેશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરાઈ છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જારી કરાયેલ આદેશ અનુસાર, વિવિધ NGO, ટ્રસ્ટ, મંડળો કે અન્ય એજન્સીઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ વિકાસ, કારકિર્દી માર્ગદર્શન, વૈજ્ઞાનિક, પ્રેરણાત્મક કે જાગૃતિ વિષયક કાર્યક્રમો માટે શાળાઓ હવેથી પોતાની રીતે સીધી મંજૂરી આપી શકશે નહીં. આવા તમામ પ્રસ્તાવોને સૌપ્રથમ જિલ્લા કક્ષાએ રજૂ કરવાના રહેશે. DEO કચેરી દ્વારા કાર્યક્રમની ગુણવત્તા, તેની ઉપયોગિતા, વિશ્વસનીયતા તથા અભ્યાસક્રમ પર થનારી અસરોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ યોગ્ય જણાતા કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે.આ કડક પ્રક્રિયા અમલમાં મૂકવા પાછળનો મુખ્ય આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે, વિદ્યાર્થીઓનું રોજિંદુ શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં અને નિયમિત અભ્યાસક્રમમાં સમય ન બગડે.

શિક્ષણના કિંમતી સમયનો વ્યય અટકાવીને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત, સુરક્ષા અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય લેવાયો છે. આ નિયમ માત્ર શાળાના નિયમિત સમય દરમિયાન વિદ્યાર્થીઓને સાંકળીને આયોજિત કરાતા બાહ્ય કાર્યક્રમોને જ લાગુ પડશે. શાળા દ્વારા સ્વયં આયોજિત થતા વાર્ષિકોત્સવ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિજ્ઞાન પ્રદર્શન, ક્વિઝ કે વક્તૃત્વ સ્પર્ધા જેવી બિનરાજકીય પ્રવૃત્તિઓ માટે કોઈ પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. શાળા સમય પૂરો થયા બાદ ખાનગી શાળા પરિસરમાં સંસ્થાના નિયમો મુજબ ચાલતા સ્વાધ્યાય વર્ગાે, તાલીમ કે અન્ય કાયદેસરની પ્રવૃત્તિઓ પર આ પરિપત્ર લાગુ પડશે નહીં.શિક્ષણ વિભાગે પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો અમદાવાદ શહેરની કોઈપણ સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળા દ્વારા આ સૂચનાઓનું અનાદર કરવામાં આવશે અથવા પૂર્વ સંમતિ વિના બાહ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તો સંબંધિત શાળા તેના સંચાલકો કે આચાર્ય સામે પ્રવર્તમાન સરકારી નિયમો મુજબ કડક વહીવટી શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.