Western Times News

Gujarati News

પડદા પાછળના સાચા હીરોની પ્રેરણાદાયી કહાની: 72 કલાકથી વધુ સમય સુધી 13 હજારથી વધુ AMC કર્મચારીઓ સેવામાં

કોઈને કિડનીમાં સ્ટેન્ટ અને શરીરમાં દર્દ, ૧૦૨ ડિગ્રી તાવ… કોઈએ બીમાર પિતાને ઘરે મૂક્યા… કોઈએ દીકરાની સારવારની ચિંતા ન કરી, તો કોઈએ પોતાના ઘરમાં ભરાયેલા પાણી કરતાં શહેરની ચિંતા કરી

અમદાવાદમાં અતિભારે વરસાદે અમદાવાદને અભૂતપૂર્વ પડકાર સામે ઊભું કર્યું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તાઓ બંધ થયા અને સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું. પરંતુ આ જ સમયે શહેરના લગભગ 13,000થી વધુ કર્મચારીઓ, 590થી વધુ ટીમો અને વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ સતત 72 કલાકથી વધુ સમય સુધી એક જ ધ્યેય સાથે મેદાનમાં રહ્યા – “અમદાવાદને ફરી ઊભું કરવાનું.”

આ કામગીરી પાછળ માત્ર સરકારી તંત્ર નહોતું, પરંતુ હજારો એવી વ્યક્તિગત કહાનીઓ હતી, જેમાં કોઈએ પોતાના પરિવાર કરતાં શહેરને પ્રથમ સ્થાન આપ્યું. કોઈ અધિકારી 102 ડિગ્રી તાવમાં પણ મેદાનમાં રહ્યા, તો કોઈ કર્મચારી કિડનીના ઓપરેશન બાદ શરીરમાં સ્ટેન્ટ હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ પર દોડી ગયા.

કોઈએ ફેફસાંની ગંભીર બીમારીથી પીડાતા પિતાને પરિવારની જવાબદારી પર છોડીને આખી રાત કાદવ અને ગંદકી વચ્ચે સફાઈ કામગીરી સંભાળી, તો કોઈએ પાંચ વર્ષના બીમાર દીકરાની સારવાર કરતાં પાણીમાં ફસાયેલા ગર્ભવતી મહિલા, બાળકો અને પરિવારોને બચાવવાનું વધુ જરૂરી માન્યું.

કોઈ અધિકારીના પોતાના ઘરમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલા હતા, છતાં તેઓ પહેલાં શહેરના અંડરબ્રિજ અને રસ્તાઓ ખુલ્લા કરાવવા દોડી ગયા. કોઈ કર્મચારીની પોતાની સોસાયટી પાણીમાં ગરકાવ હતી,

છતાં તેઓ આખી રાત શહેરના રસ્તાઓ પર સફાઈ અને જંતુનાશક છંટકાવ કરાવતા રહ્યા. એક અધિકારીએ તો દીકરાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજરી આપવાને બદલે રાહત કામગીરીનું નેતૃત્વ પસંદ કર્યું, જ્યારે બીજા અધિકારીએ પોતાની નાજુક તબિયત અને પોતાના ઘરની મુશ્કેલીને પાછળ મૂકી પાલડી કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેરની કામગીરીનું સતત સંકલન કર્યું.

આ કહાનીઓ માત્ર કેટલાક અધિકારીઓ કે કર્મચારીઓની નથી. આ દરેક ઝોનમાં કાર્યરત હજારો સફાઈ કામદારો, ડ્રાઇવરો, પંપ ઓપરેટરો, ઇજનેરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, સુપરવાઇઝરો અને ફિલ્ડ સ્ટાફની કહાની છે, જેમણે વરસાદ થંભે તેની રાહ જોઈ નહોતી, પરંતુ વરસાદ વચ્ચે જ શહેરને ફરી સામાન્ય બનાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું.

આ કહાનીઓ માત્ર કેટલાક અધિકારીઓ કે કર્મચારીઓની નથી. આ દરેક ઝોનમાં કાર્યરત હજારો સફાઈ કામદારો, ડ્રાઇવરો, પંપ ઓપરેટરો, ઇજનેરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, સુપરવાઇઝરો અને ફિલ્ડ સ્ટાફની કહાની છે, જેમણે વરસાદ થંભે તેની રાહ જોઈ નહોતી, પરંતુ વરસાદ વચ્ચે જ શહેરને ફરી સામાન્ય બનાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું.નાગરિકો જ્યારે પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે AMCની ટીમો કમર સુધીના પાણીમાં, કાદવ-કીચડ વચ્ચે અને સતત વરસતા વરસાદમાં શહેર માટે લડી રહી હતી. તેમના માટે આ માત્ર નોકરી નહોતી; આ જવાબદારી હતી… સેવા હતી… અને અમદાવાદ પ્રત્યેનું કર્તવ્ય હતું.

કદાચ બીજા દિવસે જ્યારે શહેરના રસ્તાઓ ફરી ખુલ્લા દેખાયા, કચરો દૂર થઈ ગયો, પાણી ઉતરી ગયું અને જીવન ફરી ગતિમાન બન્યું, ત્યારે બહુ ઓછા લોકોને ખબર હશે કે આ સામાન્ય દેખાતી સ્થિતિ પાછળ હજારો કર્મચારીઓના અધૂરા આરામ, પરિવારથી દૂર વિતાવેલી રાતો, બીમારી વચ્ચે કરેલી ફરજ અને અસંખ્ય વ્યક્તિગત ત્યાગ છુપાયેલા હતા. આવી નિષ્ઠા, સમર્પણ અને માનવતાભરી સેવા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને માત્ર સરકારી કર્મચારી નહીં, પરંતુ શહેરના સાચા અનસંગ હીરોતરીકે ઓળખાવે છે.

1) કિડનીમાં સ્ટેન્ટ અને શરીરમાં દર્દ…છતાં વરસાદી પાણીના નિકાલ માટે મેદાનમાં ઉતર્યા 

ઓપરેશન બાદ આરામની જરૂર હતી. શરીરને સંપૂર્ણ આરામ આપવાની તબીબી સલાહ હતી, પરંતુ અમદાવાદમાં અતિભારે વરસાદે જ્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી, ત્યારે, પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઈજનેર શ્રી વિટ્ઠલભાઈ ગોહિલ માટે ફરજની ચિંતા આરામ કરતાં મોટી બની ગઈ. કિડની સ્ટોનના ઓપરેશન બાદ બંને કિડનીની નળીમાં સ્ટેન્ટ મૂકાયેલું હોવા છતાં તેઓ મેડિકલ લિવ પર ઘરે બેસી રહ્યા નહીં.

પોતે સ્થળ પર ગયા, વરસાદી પાણી ભરાયા હતા ત્યાં નિકાલ કરાવ્યો. એટલું જ નહીં દિવસ-રાત ફોન પર ફોલોઅપ લઈને સ્ટાફને માર્ગદર્શન આપ્યું, માણસો અને મશીનરીની વ્યવસ્થા કરી અને નીચલા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી.વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે તેઓ પળેપળની કામગીરી પર નજર રાખતા રહ્યા.શરીર આરામ માગતું હતું… પરંતુ કર્તવ્યનિષ્ઠા તેમને શહેરની ચિંતા કરતા રોકી શકી નહીં.આ માત્ર કામગીરી નહોતી.આ હતી એક અધિકારીની ફરજ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા. શ્રી વિટ્ઠલભાઈ ગોહિલ, આસિસ્ટન્ટ સિટી ઈજનેર

2) પિતાની સારવાર કરતાં નાગરિકોની સુરક્ષાને આપી પ્રાથમિકતા

મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ સોલંકીએ ભારે વરસાદ દરમિયાન વ્યક્તિગત જવાબદારી કરતાં શહેરની સેવાને પ્રાથમિકતા આપી અનોખી ફરજનિષ્ઠા દર્શાવી. તેમના પિતા ફેફસાંની ગંભીર તકલીફને કારણે સારવાર હેઠળ હતા, છતાં રાત્રે ઇમરજન્સી ડ્યુટીનો કોલ મળતાં તેમણે બીમાર પિતાની જવાબદારી પરિવારને સોંપી અને કમર સુધીના પાણીમાંથી પસાર થઈ શાહપુર વોર્ડમાં પહોંચી કામગીરી સંભાળી. 

શાહીબાગ ડફનાળામાં ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે કેચપીટની તાત્કાલિક સફાઈ કરાવી અને ત્યારબાદ કાદવ-કીચડ, ગંદકી તથા કચરો રાતોરાત દૂર કરાવવા માટે રેફ્યૂઝ કોમ્પેક્ટર અને ન્યુસન્સ ટેન્કરો દ્વારા સતત કામગીરી કરાવી.

આ કામગીરી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. થાક અને પારિવારિક ચિંતા હોવા છતાં બીજા જ દિવસે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તેઓ ફરી સમયસર પોતાની ફરજ પર હાજર થઈ ગયા. વ્યક્તિગત સંજોગો વચ્ચે પણ નાગરિકોની સુરક્ષા અને શહેરની સ્વચ્છતાને સર્વોચ્ચ સ્થાન આપતી તેમની આ કામગીરી સાચા અર્થમાં પ્રજાસેવાની પ્રેરણાદાયી મિસાલ છે. – શ્રી બાબુભાઈ સોલંકી, એએમસી કર્મચારી

3) દીકરાની બીમારી કરતાં નાગરિકોની સુરક્ષાને આપી પ્રાથમિકતા

જમાલપુર વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દિપક રાવલે ભારે વરસાદ દરમિયાન ફરજનિષ્ઠાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.આખો દિવસ વરસાદમાં પાણીના નિકાલ અને સફાઈ કામગીરી સંભાળ્યા બાદ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમની સોસાયટીમાં પણ કમર સુધી પાણી ભરાયેલા હતા અને પાંચ વર્ષના દીકરાની તબિયત બગડેલી હતી.

તેમ છતાં સ્પેશિયલ ડ્યુટીનો સંદેશ મળતાં તેમણે પરિવારને દીકરાની સંભાળ સોંપી અને કમર સુધીના પાણીમાંથી પસાર થઈ સાબરમતી વિસ્તારમાં પહોંચ્યા.ત્યાં પાણીમાં ફસાયેલા ગર્ભવતી મહિલા,બાળકો સહિત અનેક નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી.રાત્રે બચાવ કામગીરી પૂર્ણ કર્યા બાદ પણ તેઓ વહેલી સવારે કેચપીટની સફાઈ, કાદવ-કીચડ દૂર કરવાની કામગીરીમાં જોડાયેલા રહ્યા

અને થોડા સમય માટે ઘરે જઈ કપડાં બદલી સવારે ફરી પોતાની નિયમિત ડ્યુટી પર હાજર થઈ ગયા. વ્યક્તિગત ચિંતા કરતાં નાગરિકોની સુરક્ષા અને શહેરની સેવા માટેની તેમની આ નિષ્ઠા સાચા અર્થમાં પ્રજાસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. દિપક રાવલ, સેનેટરી ઇન્સ્પેક્ટર 

4) પોતાના ઘરમાં પાણી…છતાં શહેરની સેવા માટે રાતભર ફરજ નિભાવી !

જેમના ઘરમાં 3થી 4 ફૂટ પાણી ભરાયું હતું…પરિવાર મુશ્કેલીમાં હતો…પણ શહેરની મુશ્કેલી તેમના માટે મોટી હતી.પોતાના ઘરની ચિંતા છોડીને AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ શ્રી જે.સી.પટેલ રાતભર મધ્યઝોનમાં સફાઈ કામગીરીની દેખરેખ રાખતા રહ્યા.મધ્યઝોનની કામગીરી હજુ પૂર્ણ કરી હતી એટલામાં માહિતી મળી કે, શાહીબાગ અંડરબ્રિજમાં પાણી ભરાયું છે,

જેથી ત્યાં,પાણી ઉતરતાં જ તેઓ સફાઈ કામદારો, ટેન્કર અને જરૂરી સાધનો સાથે કાદવ-કિચડ સાફ કરવા જાતે પહોંચી ગયા અને માત્ર 30 મિનિટમાં શાહીબાગ અંડરબ્રિજ ફરી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો. પોતાના ઘરમાં પાણી હતું…પણ તેમની પ્રાથમિકતા આખું શહેર હતું.આ જ છે ફરજથી ઉપર કશું નહીં…આ જ છે સાચી જાહેરસેવા.  શ્રી જે.સી.પટેલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ

5) 36 કલાક પરિવારથી દૂર… પરંતુ, આકાશી આફત દરમિયાન ફરજ બજાવતા રહ્યા 

અતિભારે વરસાદમાં અમદાવાદ શહેર મુશ્કેલીમાં હતું… રસ્તાઓ પર પાણી અને કાદવ હતો… ભારે વરસાદ દરમિયાન સફાઈ વ્યવસ્થા સામે મોટો પડકાર હતો. પરંતુ AMCના પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડ-1ના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર શ્રી કમલકિશોર પરમાર માટે આ સમયે પોતાના આરામની નહીં, શહેરની ચિંતા મોટી હતી.પોતાની વધારાની અનેક જવાબદારીઓ વચ્ચે તેઓ સતત 36 કલાક સુધી દિવસ-રાત મેદાનમાં રહ્યા.

સફાઈ કામદારોને માત્ર સૂચનાઓ આપી નહીં, પરંતુ તેમની સાથે ખભેખભો મિલાવીને કામગીરી કરી. મીઠાખળી અને પરિમલ અંડરપાસમાં પાણી ભરાતા તેમણે તાત્કાલિક ટીમો, ટેન્કરો અને ફાયર વિભાગ સાથે સંકલન કરી માર્ગો ફરી શરૂ કરાવ્યા. જ્યારે આખું શહેર વરસાદથી ઝઝૂમી રહ્યું હતું, ત્યારે તેઓ શહેર માટે અડીખમ ઊભા રહ્યા. આ જ છે સાચી ફરજ, સાચું નેતૃત્વ અને જાહેરસેવા પ્રત્યેનું સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ. શ્રી કમલકિશોર પરમાર, પબ્લિક હેલ્થ સુપરવાઇઝર

6) પોતાની સોસાયટીમાં પાણી.. પરિવારની ચિંતા પણ કામ પ્રત્યેની નિષ્ઠા ડગમગી નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી વિપુલકુમાર યોગીના ઘર બહાર અને સોસાયટીમાં પણ પાણી ભરાયું હતું.એક તરફ પરિવારની ચિંતા હતી…પરંતુ એ રાત્રે બીજી તરફ વધુ એક મોટી ચિંતા હતી શહેરની.જ્યારે લોકો વરસાદથી બચવા ઘરોમાં આશરો લઈ રહ્યા હતા, ત્યારે તેઓ પોતાની મુશ્કેલીને પાછળ મૂકીને ફરજના મેદાનમાં ઊભા રહ્યા.

અમદાવાદના રસ્તાઓ પર વરસાદ બાદ સર્જાયેલી ગંદકી દૂર કરાવવી, સફાઈ કરાવવી અને પાઉડરનો છંટકાવ કરાવવો. આ કામગીરી માટે તેઓ રાત્રે પણ સતત કાર્યરત રહ્યા.પોતાના ઘર બહાર પાણી ભરાયું હતું,પરંતુ તેમની નજર શહેરના દરેક એવા વિસ્તાર પર હતી જ્યાં નાગરિકોને સ્વચ્છતા અને સુરક્ષાની જરૂર હતી.

આવા સમયે પોતાની મુશ્કેલીને ભૂલીને શહેરની મુશ્કેલીને  વિપુલકુમાર યોગી એ ફરજ નિભાવી આ કહાની માત્ર ફરજ બજાવવાની નથી પરતું કર્તવ્યનિષ્ઠાની છે, કારણ કે સાચો કર્મચારી એ નથી જે માત્ર સામાન્ય દિવસોમાં ફરજ બજાવે…સાચો કર્મચારી એ છે, જે પોતાની મુશ્કેલી વચ્ચે પણ શહેર માટે ઊભો રહે. – શ્રી વિપુલકુમાર યોગી, એએમસી કર્મચારી

7) ફરજ પહેલા,પરિવાર પછી…ભારે વરસાદ વચ્ચે દીકરાના મહત્વના પ્રસંગને પણ છોડીને મેદાનમાં રહ્યા 

ફરજ પહેલા,પરિવાર પછી…છેલ્લા ચાર દિવસથી દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ વચ્ચે એડિશનલ સિટી એન્જિનિયર શ્રી સંજય સુથાર સતત પોતાની ટીમ સાથે મેદાનમાં રહી રાહત કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ચાર દિવસ દરમિયાન તેઓ માત્ર બે-ત્રણ કલાક માટે જ ઘરે જઈ શક્યા છે.

આ દરમિયાન તેમના દીકરાના શિક્ષણ સાથે જોડાયેલા મહત્વના કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી નહોતી અને પત્નીને દીકરા સાથે જવા કહ્યું હતું,જ્યારે પોતે વરસાદી પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં અડગ રહ્યા. પરિવાર કરતાં ફરજને પ્રાથમિકતા આપતી તેમની આ કાર્યનિષ્ઠા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેવા ભાવનું જીવંત ઉદાહરણ છે. શ્રી સંજય સુથાર, એન્જિનિયરિંગ વિભાગ

8) ૧૦૨ ડિગ્રી તાવ વચ્ચે પણ ફરજમાં અડગ 

તાજેતરના ભારે વરસાદ બાદ શહેરને ઝડપથી પૂર્વવત સ્થિતિમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર ડૉ. વિજય મિસ્ત્રીએ અસાધારણ ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું. સતત બે દિવસ ૧૦૨ ડિગ્રીથી વધુ તાવ હોવા છતાં તેમણે આરામ કરવાને બદલે શહેરના તમામ સાત ઝોનમાં સફાઈ, કચરો ઉપાડ, વધારાના મેનપાવરની ફાળવણી અને ઝોનલ અધિકારીઓ સાથે સતત સંકલન કરીને કામગીરીને વેગ આપ્યો.

બોપલ સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાવ્યું તેમજ ૪૮૦ ડોર-ટુ-ડોર વાહનો અને ૯૬૦ વધારાના કર્મચારીઓ સાથે સમગ્ર શહેરમાં કચરો ઉપાડવાની કામગીરીનું સફળ આયોજન કર્યું. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ૯૫થી વધુ ડી-વોટરિંગ પંપ કાર્યરત કરાવ્યા અને મેદાનમાં રહી ટીમનું સતત માર્ગદર્શન આપ્યું. પોતાની તબિયત કરતાં નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપનાર ડૉ. વિજય મિસ્ત્રીની આ સમર્પિત કામગીરી સમગ્ર AMC પરિવાર માટે પ્રેરણારૂપ બની છે. ડૉ.વિજય મિસ્ત્રી,ડાયરેક્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ 

9) પોતાના ઘરમાં પણ પાણી ભરાયેલી પરિસ્થિતિ હોવા છતાં તેમણે પહેલાં શહેરના નાગરિકોની ચિંતા કરી

તાજેતરના ભારે વરસાદ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર શ્રી ઋષિ પંડ્યાએ સાચા અર્થમાં જાહેર સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ભારે વરસાદ બાદ તેઓ સતત પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાં હાજર રહી શહેરના તમામ ઝોન સાથે સંકલન જાળવતા રહ્યા. ક્યાં પાણી ભરાયું, ક્યાં પમ્પિંગની જરૂર છે, ક્યાં ટીમ મોકલવી અને કઈ કામગીરીને પ્રાથમિકતા આપવી તેની સતત દેખરેખ રાખી તેમણે સમગ્ર ઇજનેરી તંત્રને અસરકારક રીતે માર્ગદર્શન આપ્યું.

પોતાની તબિયત સારી ન હોવા છતાં અને પોતાના ઘરમાં પણ પાણી ભરાયેલી પરિસ્થિતિ હોવા છતાં તેમણે પહેલાં શહેરના નાગરિકોની ચિંતા કરી અને ત્યારબાદ પોતાના પરિવારની. દિવસ-રાત મેદાનમાં રહી અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ સાથે સતત સંકલન જાળવી રાખવાના પરિણામે અનેક વિસ્તારોમાં પાણીનો ઝડપી નિકાલ અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની કામગીરી શક્ય બની. તેમની આ સમર્પિત કામગીરી સાચા અર્થમાં ફરજ, નેતૃત્વ અને પ્રજાસેવાની પ્રેરણાદાયી મિસાલ બની છે. શ્રી ઋષિ પંડ્યા, ચીફ એન્જિનિયર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.