વેપારીને હૃદય રોગનો હુમલો આવ્યોઃ 108ને કોલ કર્યા બાદ 1 કલાકે એમ્બ્યુલન્સ આવી
પ્રતિકાત્મક
સાબરકાંઠાના વિજયનગરમાં તબીબો અને 108 એમ્બ્યુલન્સની અછત મુદ્દે રજૂઆત
(પ્રતિનિધિ) મોડાસા, અંતરિયાળ એવા વિજયનગર તાલુકામાં આરોગ્ય સુવિધાઓની કથળેલી સ્થિતિ અને ૧૦૮ એમ્બ્યુલન્સની અનિયમિતતાને પગલે વેપારીના મોત થવાની ઘટના સામને આવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
આ ગંભીર મુદ્દે વિજયનગર તાલુકા અનાજ કરિયાણા વેપારી એસોસિએશન દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આજરોજ લેખિતમાં પત્ર ઈમેલ કરીને તાલુકા કક્ષાએ નિષ્ણાત તબીબોની નિમણૂક કરવા અને ૧૦૮ એમ્બ્યુલન્સની કટોકટીપૂર્ણ સેવાઓ તાત્કાલિક સુદ્રઢ કરવા માંગ કરવામાં આવી છે.
કલેક્ટરને પાઠવેલા આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વિજયનગર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હૃદય રોગ, સ્ત્રી રોગ તથા બાળરોગના તજજ્ઞ તબીબો ઉપલબ્ધ ન હોવાના કારણે તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર માટે ઈડર, હિંમતનગર કે અમદાવાદ સુધી લાંબા થવું પડે છે. કટોકટીના સમયે સ્થાનિક સ્તરે યોગ્ય સારવાર ન મળતા દર્દીઓને આર્થિક, માનસિક અને શારીરિક રીતે ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.
આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની અતિ મહત્વની ગણાતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પણ વિજયનગરમાં યોગ્ય રીતે ઉપલબ્ધ થતી નથી. વિજયનગર ખાતે ફાળવેલ બે એમ્બ્યુલન્સમાંથી હાલ એકપણ એમ્બ્યુલન્સ વિજયનગરમાં નહીં રહેતી હોવાથી ઈમરજન્સી વખતે દર્દીઓને સમયસર સેવા મળતી નથી.
વેપારી મંડળે તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા વિજયનગરના એક વેપારીને હૃદય રોગનો હુમલો આવતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ તબીબ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર ન મળવાને કારણે કડિયાદરા જતા રસ્તામાં જ સારવાર મળે તે પહેલાં જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
આવી જ રીતે ગત ગુરૂવારે સાંજે એક વેપારી દુકાન પર બેઠા હતા ત્યારે છાતીમાં ગંભીર દુખાવો ઉપડતા ૧૦૮ માં કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ એક કલાક બાદ એમ્બ્યુલન્સ આવી હતી. બાદમાં પ્રાથમિક સારવાર આપી હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
તાલુકાની પ્રજાના જાનમાલના હિતને ધ્યાને રાખીને વિજયનગર જેવા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ તથા ૧૦૮ ની કટોકટીની સેવાઓ સત્વરે સુદ્રઢ કરવામાં આવે તેવી અનાજ કરિયાણા વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા, મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય મંત્રીને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.
