Western Times News

Gujarati News

પાક. નાગરિકોને ઘૂસણખોરી, પાસપોર્ટ એક્ટના ભંગ બદલ ૮ વર્ષ સુધીની કેદ

દરિયામાંથી ૨૯૮ કિલો ડ્રગ્સ ઘૂસાડવાનો કેસ

૨૦૧૮માં જખૌ બંદર નજીકથી BSFએ ૨૯૮ કિલો નાર્કાેટિક્સ ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપી હતી

અમદાવાદ, અરબી સમુદ્ર મારફતે ભારતીય જળસીમામાં ૨૯૮ કિલો જેટલો જંગી નાર્કાેટિક્સ ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવાના બહુચર્ચિત કેસમાં અમદાવાદ સ્થિત એન.આઈ.એ. સ્પેશિયલ કોર્ટના પ્રિન્સિપાલ સિટી સેશન્સ જજ એચ. આર. રાવલે એન.ડી.પી.એસ. અને યુ.એ.પી.એ. જેવા ગંભીર ગુનામાંથી તમામ આરોપીઓને નિર્દાેષ જાહેર કર્યા છે. જો કે, એક ભારતીય સહિત છ પાકિસ્તાની નાગરિકોને ગેરકાયદે ઘૂસણખોરી અને પાસપોર્ટ એક્ટના ભંગ બદલ ૮ વર્ષ સુધીની કેદ અને દંડ ફટકારાયો છે. ૨૪ મે, ૨૦૧૮ના રોજ ડી.આર.આઈ. અને બી.એસ.એફ. એજન્સી દ્વારા જખૌ બંદર નજીક દરિયાઈ સીમામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનથી આવેલી બોટને આંતરી હતી.

પાકિસ્તાની નાગરિકો બિનઅધિકૃત રીતે દરિયાઈ માર્ગે ભારતમાં પ્રવેશીને ભારતીય નાગરિક રમજાન ગની પ્લાનીને ૨૯૮ કિલો નાર્કાેટિક્સ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. શરૂઆતમાં ડી.આર.આઈ. દ્વારા ભૂજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ એન.આઈ.એ. ને સોંપાઈ હતી. ત્યારબાદ કેસ સ્પે. એનઆઇએ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. એન.આઈ.એ. સ્પેશિયલ કોર્ટ અમદાવાદ ખાતે ચાલેલા આ કેસમાં ખાસ સરકારી વકીલ (સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર) અમિત એમ. નાયર તથા એમ. જી. કાપડિયા દ્વારા કુલ ૧૮ સાક્ષીઓ અને મૌખિક-દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ગરીબ પાકિસ્તાની આરોપીઓ માટે લીગલ એઇડ સર્વિસ ઓથોરિટી દ્વારા એડવોકેટની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે ભારતીય આરોપી રમજાન પ્લાની તરફથી ખાનગી વકીલે દલીલો કરી હતી.

સંરક્ષણ પક્ષે રજૂઆત કરી હતી કે આરોપીઓ પર લગાવાયેલા ગંભીર આક્ષેપો પુરવાર કરવા માટે પ્રાસિક્યુશન પૂરતા અને મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. તમામ દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ કોર્ટે આઈ.પી.સી. કલમ-૧૨૦(બી) (ગુનાહિત કાવતરું), કલમ-૨૦૧ (પુરાવાનો નાશ), યુ.એ.પી.એ. એક્ટની કલમ-૧૭ અને ૧૮ તથા એન.ડી.પી.એસ.એક્ટની કલમ-૨૩, ૨૮, ૨૯, ૩૦, ૩૨(બી)(એ) હેઠળના તમામ ગંભીર આરોપોમાંથી સાતેય આરોપીઓને સંપૂર્ણપણે નિર્દાેષ ઠરાવાયા છે. જ્યારે પાકિસ્તાની આરોપીઓને ફોરેનર્સ એક્ટની કલમ-૧૩(૨) હેઠળ ૫ વર્ષની સજા અને રૂ. ૨,૦૦૦ દંડ, કલમ-૧૪(એ)(બી) હેઠળ ૮ વર્ષની સજા અને રૂ. ૨૫,૦૦૦ દંડ તથા પાસપોર્ટ રૂલ્સ એક્ટની કલમ-૩ અને ૬ હેઠળ ૫ વર્ષની સજા અને રૂ. ૨૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.