Western Times News

Gujarati News

માણસાના ચરાડા ગામના ૪ વર્ષના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક ત્રીજો કેસ નોંધાયો

પ્રાથમિક તપાસ દરમિયાન બાળકની બિમારીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતાં

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. માણસા તાલુકાના ચરાડા ગામના સીમ વિસ્તારમાં રહેતા ૪ વર્ષના નાદુરસ્ત બાળકનો ચાંદીપુરા વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરાનો આ ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેના પગલે એલર્ટ થયેલા જિલ્લા અને શહેર આરોગ્ય તંત્રએ સર્વેલન્સ સહિતની રોગ અટકાયતી પગલાની કાર્યવાહી વધુ તેજ કરાઈ છે. ચરાડા ગામના સીમ વિસ્તારમાં રહેતા ૪ વર્ષીય બાળકને ૨૫મી જુલાઇના રોજ વહેલી સવારે અચાનક તીવ્ર તાવ ચઢ્યો હતો અને ઉલટી જેવા લક્ષણો દેખાયા હતા. બાળકની તબિયત લથડતાં પરિવારે તેને તાત્કાલિક માણસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યાે હતો.

પ્રાથમિક તપાસ દરમિયાન બાળકની બિમારીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતાં. તેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક બાળકના બ્લડ સેમ્પલ મેળવીને ચકાસણી અર્થે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા. દરમિયાન મોડી રાત્રે મળેલા લેબોરેટરીના રિપોર્ટમાં બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ હોવાની પુષ્ટિ થઈ હતી. ચરાડા ગામમાં નવો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. જે. વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય વિભાગની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી હાથ ધરી છે. ગામ અને સીમ વિસ્તારના ઘરોમાં સર્વેલન્સ, ડસ્ટિંગ, જંતુનાશક દવાનો છંટકાવ અને ક્લોરીનેશનની કામગીરી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવેલા અઢી વર્ષના જિલ્લાના એક બાળ દર્દીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨૨ જુલાઇએ મોત થયું હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.