Western Times News

Gujarati News

છોટાઉદેપુરમાં આનંદ અને ઉસ્તાહ સાથે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તિરંગો લહેરાવી સલામી આપી કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થતા આ સ્વતંત્રતા દિન ઐતિહાસિક રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમોની પ્રસ્તુતી, મુખ્યમંત્રીશ્રીએ ખુલી જીપમાં ફરી જનશક્તિનું અભિવાદન ઝીલ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ૭૩માં આઝાદી પર્વની ઉજવણી કરી છે. અહીં જનશક્તિના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે થયેલી રાજ્ય ઉજવણીથી રાષ્ટ્રચેતનાનો અદ્દભૂત સંચાર થયો છે. મુખ્યમંત્રીશ્રીએ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ કલમ નાબૂદ કરવાના કારણે આ વખતની ૧૫મી ઓગસ્ટની ઉજવણીને ઐતિહાસિક ગણાવી હતી.ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું કે, કાશ્મીરમાં ૩૭૦ની કલમ ૩૫-એના કારણે જાણે કાશ્મીર ભારતથી અલગ હોય એવું સ્ટેટ બન્યું હોય એવું સમગ્ર દેશને લાગતું હતું.

કાશ્મીરના અલગ દરજ્જાએ આપણા દેશમાં અલગતાવાદ ઉભો કર્યો. ર્ડા. શ્યામાપ્રસાદ મુખરજીએ શહાદત વહોરીને કાશ્મીર માટે લડાઇ લડ્યા હતા. કાશ્મીરી ઘાટીમાં સાત સાત દાયકા સુધી અલગતાવાદીઓ આતંકવાદને વધારતા ગયા. ૪૧ હજારથી વધુ નિર્દોષ લોકો આતંકનો ભોગ બન્યા, જાન ગુમાવ્યા. કાશ્મીર સાત દાયકાથી વિકાસથી વંચિત રહ્યું હતું.

 

ગુજરાતના બે નરબંકાઓ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ૭ર વર્ષ પછી પમી ઓગસ્ટ, ર૦૧૯એ પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેથી ૩૭૦ની કલમ હટાવી, ૩૫એ કલમ દૂર કરી અને સવાસો કરોડ ભારતીયો માટે ખરા અર્થમાં આ ૭૩મું આઝાદી પર્વ એક ઐતિહાસિક પર્વ બની ગયું છે.

સરકારના શાસનસૂત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં પણ આ સરકારે ગાંધી, સરદાર, નરેન્દ્રભાઈ, અમિતભાઈના પદચિન્હો પર ચાલીને સ્વરાજ્ય પછી સુરાજ્ય ગુડ-ગવર્નન્સની નવતર કેડી પ્રસ્થાપિત કરી છે. આઝાદી પહેલા ‘‘ડાઇ ફોર ધ નેશન’’ અને હવે “લિવ ફોર ધ નેશન”નો મંત્ર જન જનમાં ગૂંજતો કર્યો છે. દેશમાં પોલીટીકલ ડેવલપમેન્ટના નવો યુગ – વિકાસની રાજનીતિ ગુજરાતે પ્રસ્થાપિત કરી છે. તેમણે ઉમેર્યું કે, સરકાર લોકો માટે, લોકો વડે, લોકો થકી, લોકોના સપનાઓને સિદ્ધ કરે, જ્ઞાતિ-જાતિ, ભાષા-ધર્મ- પ્રાંત-પ્રદેશથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા-સૌહાર્દથી સૌના સાથ અને સૌના વિકાસને સાકાર કરનારી આ સરકાર છે.  પ્રજાતંત્રમાં પ્રજા જ સર્વોપરી છે અને પ્રજાએ હંમેશા કટોકટીના કાળમાં પ્રજાએ એક મેચ્યોર મેન્ડેન્ટ આપ્યા છે. લોકશાહીની ગરિમાને વધારી છે. સામાન્યમાં સામાન્ય માનવી ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ગામડું, ખેડૂત, યુવા, મહિલા આ બધાને લાગે કે સરકાર પોતીકી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, એક પળ પણ આરામ કર્યા વગર દિન-રાત પ્રજાકલ્યાણના કામોમાં આ સરકાર સમર્પિત છે.  ૬૦૦થી વધુ નિર્ણયો કરીને અનિર્ણાયકતાને ફગાવીને નિર્ણાયકતાના આધાર પર આપણે આગળ વધી રહ્યા છીએ. સંવેદનશીલ સરકાર તરીકે પ્રત્યેક જીવોની ચિંતા, બધાંયને અભયદાન અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક નિર્ણયો એવા છે કે જે નિર્ણયોમાં સંવેદનશીલતા અને સંવેદના લોકો, ગરીબો અને પીડિતો માટે આપણે વ્યકત કરી છે.

ગુજરાતના ૬૦ લાખ પરિવારોને આરોગ્યની સુરક્ષા આપવા માટે મા અમૃતમ અને મા વાત્સલ્યની યોજના ચલાવીને સૌને આરોગ્યની સુરક્ષા, કોઇની પાસે હાથ લાંબો કરવો ન પડે તેવી વ્યવસ્થા આપી છે.  બેટીને જન્મથી જ વધાવવા ‘‘વ્હાલી દીકરી યોજના’’ શરૂ કરી છે. બેટી બચાવો, બેટી પઢાવો અને હવે બેટી વધાવો – એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે કયાંય પણ અકસ્માત થયો હોય તો ગોલ્ડન અવરમાં પચાસ હજાર રૂપિયા સરકાર આપે. ડોકટરોએ-હોસ્પિટલોએ પૈસાની રાહ જોવી ન પડે એ દિશામાં આપણા પ્રયત્નો છે અને એ યોજના આપણે લાગુ કરી દીધી છે. ગરીબ પરિવારોના લગ્ન માટે જાનમાં જવા માટે નબળા વાહનોના ઉપયોગથી અકસ્માતો થતા હતા.

એસ.ટી.ની બસ નજીવા દરે આપીને રંગેચંગે લગ્ન ઉજવે. ગરીબો પણ આનંદથી લગ્નની ઉજવણી કરે એ દિશામાં પણ ગરીબો માટે નિર્ણય કર્યા છે. ગરીબો માટે, મજદૂરો માટે ૧૦ રૂપિયામાં ગરમ ભોજન અન્નપૂર્ણા યોજના હેઠળ દાળ, ભાત, શાક અને રોટલી મળે. કોઇ ભૂખ્યું ન સુવે એની ચિંતા કરી છે.

ગરીબોને રહેવા માટે માથે છત પ્રધાન મંત્રી આવાસ યોજના, મુખ્ય મંત્રી આવાસ યોજના. દરેકને ઘરનું ઘર, રોટી, કપડાં મકાનની વ્યવસ્થા પણ આ રાજ્ય સરકારે કરી છે.

રાજ્યની માતા અને બહેનોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની શ્રી રૂપાણીએ જાણકારી આપી નારી સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

 

રાજ્ય સરકારે પારદર્શક શાસન આણ્યું છે, તેની માહિતી આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટીકરપ્શનને વધુ મજબૂત બનાવી પૂરતી સત્તા આપી છે. ભ્રષ્ટ લોકો માટે કડકમાં કડક કાર્યવાહીની આ રાજ્ય સરકારે છૂટ આપી છે. અનેક કાયદા, નિયમો એવા હતા જેના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતું હતું. એવા કાયદાઓ, નિયમો બદલાવ્યા. પરવાનાઓમાંથી મુક્તી આપી છે.

તેમણે કહ્યું કે, ખેડૂતોના હિતને આ સરકારે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતો માટે ખેડૂતોને વ્યાજના ખપ્પરમાંથી દૂર કરવા ૦ ટકા વ્યાજથી ધિરાણ આપ્યું છે. રૂા. ૫૦૦ કરોડ રીવોલ્વીંગ ફંડ પણ ઉભું કર્યું છે.  કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતના તમામ કિસાનોને આવરી લીધા છે. ટેકાના ભાવની ખરીદીમાં ૮૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી છે.  ખેડૂતોને પાણી અને વીજળી સારી રીતે મળે, સિંચાઇ અને કૃષિની ચિંતા કરીને ખેડૂતની આવક બમણી કરવા માટે પણ રાજ્ય સરકાર કટીબદ્ધ છે.

દુષ્કાળ તથા કુદરતી આપત્તિના સમયે દિવસોમાં પણ કચ્છ સહિત અનેક વિસ્તારોમાં કોઇપણ પશુ ઘાસ અને પાણીની કોઇ તકલીફના પડે તેની તકેદારી આ સરકારે લીધી હતી, એમ પણ તેમણે કહ્યું હતું.

શ્રી રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમ તેના ઇતિહાસમાં પહેલીવાર ૧૩૧ મીટરે ભરાયો છે. હવે મા નર્મદાના નીર ગુજરાતની કૃષિ ક્રાંતિના છડીદાર બન્યા છે. સાથે, રાજ્યએ વિવિધ સાતત્યપૂર્ણ વિકાસની વિવિધ માહિતી પોતાના સંદેશમાં રજૂ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કરતા કહ્યું કે, ક્લીન એનર્જી અને આવનારી પેઢીને શુદ્ધ પર્યાવરણ મળે તે માટે નક્કર પગલાં લઈ રહ્યાં છીએ. હાલ ૯૦૦૦ મેગાવોટને ર૦રર સુધીમાં ૩૦,૦૦૦ મેગાવોટ સુધી લઇ જવું છે. આગામી ત્રણ વર્ષમાં છ લાખ ઉપરાંત ઘરો સોલર રૂફટોપ યોજના અન્વયે આવરી લેવાશે. આ રીતે કુલ ૧૮૦૦ મેગાવોટ વિજળી ઉત્પાદનનો આપણો લક્ષ્યાંક છે. આ વર્ષે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ કરી છે. ગંદા પાણીના નિકાલ માટે રૂ. ૨૨૭૫ કરોડના ખર્ચે ડીપ સી પાઈપલાઈન નાખી રહ્યાં છીએ.

વડાપ્રધાશ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાઓ અને સપનાઓ મુજબનું શક્તિશાળી, સામર્થ્ય શાળી, સમૃદ્ધ ભારત બનાવવા “લિવ ફોર ધ નેશન”નો ભાવ જનજનમાં જગાવવા તેમણે આહ્વાન કર્યું હતું.

મુખ્યસચિવ શ્રી જે. એન. સિંઘ અને ડીજીપી શ્રી શિવાનંદ ઝા મુખ્યમંત્રીશ્રીને રાષ્ટ્રધ્વજ દંડ તરફ દોરી ગયા હતા. ત્યાં મુખ્યમંત્રીશ્રીએ તિરંગો લહેરાવી સલામી હતી. તે સમયે પોલીસ બેન્ડની સૂરાવલી સાથે રાષ્ટ્રગાન થયું હતું. આ વખતની પરેડમાં મહારાષ્ટ્ર પોલીસની એક પ્લાટૂન પણ સામેલ થઇ હતી.

બાદમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતી થઇ હતી. જેમાં સ્થાનિક શાળાના બાળકો દ્વારા યોગાસનો, નૃત્યો ઉપરાંત પોલીસ કર્મયોગીઓના સમુહે કાર્યક્રમની સુંદર રજૂઆત કરી હતી. મહિલા પોલીસની રાયફલ ડ્રિલે દર્શકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ખુલી જીપમાં ફરી જનશક્તિનું અભિવાદન જીલ્યું હતું.

રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ શ્રી ગીતાબેન રાઠવા તથા શ્રી નારણસિંહ રાઠવા, ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નેહાબેન જેસ્વાલ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી મિના સિંઘ, વરિષ્ઠ અધિકારીઓ સુશ્રી સંગીતાસિંઘ, શ્રી અશ્વિની કુમાર, કલેક્ટર શ્રી સુજલ મયાત્રા સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.