Western Times News

Gujarati News

ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ૧૯ વર્ષ બાદ પકડાયો

ગોધરા: ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. ૫૧ વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા ૧૯ વર્ષથી ફરાર હતો. ત્યારે ગોધરાકાંડના આ આરોપીને એસઓજીની ટીમે ગઈ કાલે ઝડપી પાડ્યો છે. ત્યારે એસઓજીની ટીમને આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે.

આરોપી રફીક હુસેન ભટુક થોડા દિવસ અગાઉ જ ગોધરાના પોતાના ઘરે આવ્યો હતો. ઝડપાયેલો આરોપી દિલ્હીમાં અલગ અલગ સ્થાને રહીને મજૂરી અને ચોકીદારીનું કામ કરી રહેતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. હુસેન ભટુકને વધુ કાર્યવાહી માટે રેલવે પોલીસને સુપરત કરાયો છે. ગોધરા હત્યાકાંડના નાસતા ફરતા બે આરોપીઓ સામે રેડકોર્નર નોટિસ ઈશ્યૂ કરવામા આવી હતી.

એસઓજી પીઆઈને માહિતી મળી હતી કે, સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી હાલ ગોધરામાં તેના ઘરે આવ્યો છે. તે ૧૯ વર્ષથી ફરાર હતા. ત્યારે માહિતી મુજબ રફીક હુસેન ભટકુને એસઓજીની ટીમે તેના ઘરથી જ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોબાઈલ અને ચૂંટણી કાર્ડ કબજે કરાયું હતું. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. તેને વધુ પૂછપરછ માટે રેલવે પોલીસને સોંપાયો છે, જે આગળની કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં હજી સાત આરોપીઓ વોન્ટેડ છે. જે પૈકી ચાર આરોપીની ઓળખ સ્પષ્ટ નથી. ગોધરાકાંડના બે આરોપીઓ શોકત એહમદ ચરખા અને સલીમ પાનવાલા પાકિસ્તાન કે અન્ય સ્થળે ભાગી ગયા હોવાની શક્યતાઓ છે. ત્યારે આ તમામ ફરાર આરોપીઓ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.