Western Times News

Gujarati News

સરકાર IT ઉદ્યોગને બિનજરૂરી નિયમોમાંથી મુક્ત કરવા માટે કામ કરી રહી છે: પ્રધાનમંત્રી

યુવા ઉદ્યોગ સાહસિકોને નવી તકોનો લાભ મેળવવા માટે પૂરતી આઝાદી મળવી જોઇએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચ (NTLF)ને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કોરોનાના સમય દરમિયાન દૃઢ સંકલ્પબદ્ધ રહેવા બદલ IT ઉદ્યોગની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પરિસ્થતિ સાનુકૂળ નોહતી ત્યારે તમારા કોડિંગથી આગળ વધતા રહ્યા હતા.” તેમણે નોંધ્યું હતું કે, વિકાસ ઘટવાની આશંકાઓ વચ્ચે પણ આ ક્ષેત્રમાં 2 ટકાની વૃદ્ધિ અને 4 અબજ ડૉલરની વધારાની આવકનો ઉમેરો થયો હતો.

પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે, આજનું ભારત પ્રગતિ કરવા માટે તત્પર છે અને સરકાર તેની લાગણીઓને સમજી રહી છે. તેમણે કહ્યું હતું કે, 130 કરોડ ભારતીયોની મહત્વાકાંક્ષાઓ અમને ઝડપી ગતિએ આગળ વધવા માટે પ્રેરણા આપી રહી છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેવી રીતે સરકાર પાસેથી નવા ભારત સંબંધિત અપેક્ષાઓ રાખવામાં આવે છે તેવી જ અપેક્ષાઓ ખાનગી ક્ષેત્રો પાસેથી પણ રાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યના નેતૃત્ત્વના વિકાસ માટે પ્રતિબંધો ક્યારેય અનુકૂળ હોતા નથી તે વાત સરકાર જાણે છે. સરકાર ટેક ઉદ્યોગને બિનજરૂરી નિયમોમાંથી મુક્ત કરવા માટે કામ કરી રહી છે.

તાજેતરના સમયમાં રાષ્ટ્રીય દૂરસંચાર નીતિ, ભારતને વૈશ્વિક સોફ્ટવેર પ્રોડક્ટ હબ બનાવવા માટે નીતિ અને અન્ય સેવા પ્રદાતા (OSP) માર્ગદર્શિકા જેવા સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો જેને કોરોના સમયગાળા દરમિયાન બહાર પાડવામાં આવ્યા હતા.

તેમણે નોંધ્યું હતું કે, 12 ચેમ્પિયન ક્ષેત્રોમાં ઇન્ફોર્મેશન સેવાઓને સમાવવાથી તેના પરિણામો મળવાની શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં કરવામાં આવેલા નક્શાઓ અને જીઓ-સ્પેટિઅલ ડેટાના ઉદારીકરણથી ટેક સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને આત્મનિર્ભર ભારતનું મિશન વધુ વ્યાપક બનશે.

પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, યુવા ઉદ્યોગ સાહસિકો તકોનો લાભ ઉઠાવી શકે તે માટે તેમને પૂરતી આઝાદી મળવી જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારને સ્ટાર્ટ-અપ્સ અને આવિષ્કારકર્તાઓમાં પૂરો ભરોસો છે. ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી સ્વ-પ્રમાણીકરણ, સુશાસનમાં IT ઉકેલોનો ઉપયોગ, ડેટાનું લોકતાંત્રિકરણ (સર્વ લોકો સુધીની પહોંચ) જેવા પગલાંઓ ભરવાથી આ પ્રક્રિયા વધુ આગળ વધારવામાં આવી છે.

સુશાસનમાં પારદર્શકતાની કેન્દ્રિયતા અંગે ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકારમાં લોકોનો ભરોસો વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, નાગરિકો યોગ્ય રીતે દેખરેખ રાખી શકે તેવા ઉદ્દેશ સાથે સુશાસનની પ્રક્રિયાને ફાઇલોમાંથી ડેશબોર્ડ પર લાવવામાં આવી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, GeM પોર્ટલ દ્વારા સરકારી ખરીદીની પ્રક્રિયામાં સુધારો અને પારદર્શકતા લાવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ સુશાસનમાં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે માળખાગત સુવિધાઓના ઉત્પાદનો, ગરીબોના આવાસો અને આવી અન્ય પરિયોજનાઓમાં જીઓ-ટેગિંગના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે તે પરિયોજનાઓ સમયસર પૂરી થઇ શકી છે.

તેમણે ગામડાંના મકાનોના મેપિંગમાં ડ્રોનના ઉપયોગ વિશે અને ખાસ કરીને કરવેરા સંબંધિત બાબતોમાં માનવીય હસ્તક્ષેપ ઘટાડીને પારદર્શકતા વધારવા વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સ્ટાર્ટ-અપ સ્થાપકોને માત્ર મૂલ્યાંકનો અને બહાર નીકળવાની વ્યૂહનીતિ સુધી પોતાની જાતને સીમિત ના રાખવા માટે આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “વિચાર કરો કે, તમે એવા ઉકેલો કેવી રીતે તૈયાર કરી શકો છો જે આ સદીના અંત સુધી ચાલી શકે. વિચાર કરો કે, તમે એવા વિશ્વસ્તરીય ઉત્પાદનો કેવી રીતે તૈયાર કરી શકો છો જે ઉત્કૃષ્ટતાની દ્રષ્ટિએ વૈશ્વિક આધારચિહ્ન નિર્ધારિત કરશે.”

પ્રધાનમંત્રીએ ટેક અગ્રણીઓને તેમના ઉકેલોમાં મેક ફોર ઇન્ડિયાની છાપ ઉભી કરવા માટે પણ જણાવ્યું હતું. તેમણે ગતિ જાળવી રાખવા માટે અને ભારતીય ટેકનોલોજીકલ નેતૃત્ત્વ માટે સ્પર્ધાત્મકતાના નવા માપદંડો સ્થાપિત કરવા માટે તેમને આહ્વાન કર્યું હતું. તેમણે ઉત્કૃષ્ટતા અને સંસ્થા નિર્માણની સંસ્કૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ, તેમને 2047માં સ્વતંત્ર ભારતના 100 વર્ષની ઉજવણીની દોડમાં આગળ વધવા માટે વિશ્વસ્તરીય ઉત્પાદનો અને અગ્રણીઓ આપવા અંગે વિચાર કરવા માટે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમારું ધ્યેય નક્કી કરો, દેશ તમારી સાથે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સમક્ષ 21મી સદીના પડકારો માટે ટેકનોલોજીકલ ઉકેલો પૂરાં પાડવાની જવાબદારી ટેક ઉદ્યોગની છે. તેમણે સૌને કૃષિમાં પાણી અને ખાતરની જરૂરિયાત, આરોગ્ય અને સુખાકારી, ટેલિ-મેડિસિન અને શિક્ષણ તેમજ કૌશલ્ય વિકાસ જેવા ઉકેલોમાં કામ કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને અટલ ટિન્કરિંગ લેબોરેટરી તેમજ અટલ ઇન્ક્યુબેશન કેન્દ્ર જેવા પગલાંઓથી કૌશલ્ય અને આવિષ્કારને પ્રોત્સાહન મળી રહ્યું છે અને તેમાં ઉદ્યોગના સહાયની જરૂર છે. પ્રધાનમંત્રીએ સૌને તેમની CSR પ્રવૃત્તિઓના પરિણામો પર ધ્યાન આપવાનું પણ કહ્યું હતું અને પછાત વિસ્તારો તેમજ ડિજિટલ શિક્ષણની દિશામાં તેમની પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે પણ આહ્વાન કર્યું હતું.

તેમણે ટીઅર-2 અને ટીઅર-3 સ્તરના શહેરોમાં ઉદ્યોગ સાહસિકો તેમજ આવિષ્કારકર્તાઓ માટે ઉદિત થઇ રહેલી તકો તરફ પણ વિશેષ ધ્યાન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.