Western Times News

Gujarati News

વિધાનસભા કે આસપાસ માસ્ક વીના ફરનારને ૧૦૦૦નો દંડ

File Photo

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને અમદાવાદ બાદ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પણ એન્ટ્રી થઈ છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ કોરોના પહોંચી ગયો છે. ત્યારે સરકાર હવે સતર્ક થઈ છે અને હવે વિધાનસભા ગૃહમાં કે આજુબાજુ ફરનારા લોકો તેમજ મંત્રીઓ અને ધારાસભ્યો, અધિકારીઓ કે જે માસ્ક નહી પહેરે તેની પાસેથી રૂપિયા એક હજારનો દંડ વસૂલ કરવામાં આવશે .

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વધુને વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ૨૩ માર્ચે ૫ ધારાસભ્ય સંક્રમિત થતા આજે વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો છે. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. ૫૦૦ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.૧૦૦૦ કરવામાં આવી છે.

કોરોનાના કેસ વધતાં મોડે મોડે પણ અંતે રાજ્ય સરકારને ભાન થયું છે અને વિધાનસભા ગૃહમાં માસ્ક નહી પહેરનાર પાસેથી રૂપિયા એક હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. હવે મંત્રીઓ અને ધારાસભ્યોથી લઈ અધિકારીઓ પણ માસ્ક વિના પકડાશે તો તેમની પાસેથી ફરજિયાત એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે સરકાર પણ ચિંતિત થઈ છે.લોકો ફરજિયાત માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે સરકાર સતત અપીલ કરી રહી છે. વિધાનસભા ગૃહમાં કોરોનાં સંક્રમણ વધવાને પગલે આજે વિધાનસભા અધ્યક્ષેજ બધાં ધારાસભ્યો ને એન ૯૫ માસ્ક આપ્યાં હતા. સાથે જ બે માસ્ક અથવા આપેલ એન૯૫ માસ્ક પહેરી રાખવા જણાવ્યું હતું.

ચાલુ સત્રમાં અત્યાર સુધીમાં ૯ ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાં ઇશ્વરસિહ પટેલ, બાબુભાઈ પટેલ, શૈલેશ મહેતા, મોહનસિંહ ઢોડિયા, પુંજાભાઈ વંશ, નૌશાદ સોલંકી, ભીખાભાઈ બારૈયા, વિજય પટેલ, ભરતજી ઠાકોર આ ઉપરાંત રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જાેકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના પીએ શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.
મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.