Western Times News

Gujarati News

૪ લાખથી વધુ કેસના મૃત્યુ આંકમાં ગુજરાત ત્રીજા નંબરે

Files Photo

અમદાવાદ: કોરોના વાયરસની બીમારી હંફાવી રહી છે ત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ વધારે કપરી બની રહી છે. ૪ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાવનારા રાજ્યોમાં કોરોનાના લીધે થયેલા મૃત્યુમાં ગુજરાત મૃત્યુઆંકમાં ત્રીજા નંબર પર છે. આ સાથે રોજના ૧૪-૧૫ હજાર કેસ નોંધાઈ રહ્યા છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મૃત્યુઆંક ઊંચો છે. ૨૫ એપ્રિલ સુધીના આંકડા પ્રમાણે કેરળ જેવા રાજ્યમાં ૧૩,૭૭,૧૮૬ કેસ સામે મૃત્યુઆંક ૫૦૮૦ છે. જ્યારે ગુજરાતમાં ૪.૮૧ લાખ કેસ સામે ૬૧૭૧ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ૪ લાખથી વધુ કેસ નોંધાવનારા રાજ્યોમાં રાજસ્થાન (કેસ ૪,૯૮,૬૨૮, મૃ્‌ત્યુ ૩૫૨૭), મધ્યપ્રદેશ (કેસ ૪,૮૫,૭૦૩, મૃત્યુ ૫૦૪૧), ગુજરાત (કેસ ૪,૮૧,૭૩૭, મૃત્યુ ૬૧૭૧), હરિયાણા (કેસ ૪,૧૩,૩૩૪, મૃત્યુ ૩૭૦૩), ઓરિસ્સા (કેસ ૪,૦૧,૩૪૧, મૃત્યુ ૧૯૮૧)નો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ મૃત્યુ ગુજરાતમાં નોંધાયા છે. આવી સ્થિતિમાં સબ સલામતના સરકારના ગાણા સામે સવાલો ઉઠી રહ્યા છે.

દેશના બાકી રાજ્યોની સરખામણીમાં સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કોરોના જે રીતે વકરી રહ્યો છે તેણે લોકોને વિચારતા કરી મૂક્યા છે. ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશ દ્વારા જે રીતે કોરોના પર કાબૂ રાખવામાં આવ્યો છે તેના બદલે ગુજરાતમાં સ્થિતિ એકદમ અલગ છે. અહીં કેસની સંખ્યાની સરખામણીમાં મૃત્યુદર ઘણોં જ ઊંચો છે. રાજસ્થાનમાં ગુજરાતની સરખામણીમાં ૧૮,૦૦૦ કેસ વધુ છે પરંતુ અહીં મૃત્યુઆંક લગભગ અડધા જેટલો છે. રાજ્યમાં જે રીતે કોરોનાના કારણે મૃત્યુઆંક વધી રહ્યા છે

આવામાં રાજ્યમાં આરોગ્ય સંસ્થાઓના અભાવની સાથે લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની કાળજી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. દેશમાં કોરોનાના કારણે સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર છે, જ્યાં ૪૨ લાખથી વધુ કેસ નોંધાયા છે અને ૬૪ લાખ જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ પછી અનુક્રમે કેરળ, કર્ણાટકા, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન અને ૧૧મા નંબરે ગુજરાતનું સ્થાન છે.

રવિવારે ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૧૪,૨૯૬ કેસો નોંધાયા છે અને ૧૫૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વધુ ૬૭૨૭ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૭૪૬૯૯ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસો ૧૧૫૦૦૬ છે જેમાં ૪૦૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.