Western Times News

Gujarati News

ઇન્જેક્શનના કાળા બજાર કરતા પકડાશે તો લાઇસન્સ રદ

ફાર્મસી કાઉન્સીલે પણ નિયમો કડક બનાવ્યાઃ કોરોનામાં મજબૂર લોકો પાસેથી ઇન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે

અમદાવાદ, કોરોનાના વધતા કહેર વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારના કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે આવા કાળા બજાર કરનારાઓ સામે સરકારે તો કડક કાર્યવાહી શરૂ કરી જ છે સાથે સાથે ફાર્મસી કાઉન્સીલએ પણ પોતાના નિયમો કડક બનાવ્યા છે.

રેમડેસિવીર ઇન્જેક્શનની ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં ભરવાની તૈયારી ફાર્મસી કાઉન્સીલે કરી છે. રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજાર અને નકલી ઈન્જેકશન બનાવનાર તત્વોનું આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યુ છે અને કૌભાંડ કરનારા આખરે ભરાયા છે.

કોરોનામાં મજબૂર લોકો પાસે ઇન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું ગુજરાત ફાર્મસી કાઉન્સીલના પ્રમુખ મોન્ટુ પટેલે જણાવ્યું છે.

ગુજરાત ફાર્મસી કાઉન્સીલના પ્રમુખ મોન્ટુ પટેલના જણાવ્યા પ્રમાણે, આવા તત્વો સામે ફાર્મસી એક્ટ ૧૯૪૮ અને ૨૦૧૫ મૂજબ છ મહિના જેલની સજા પણ થશે. કોઈપણ દવા તથા ઇન્જેક્શન તેની એમ.આર.પીથી વધારે કિંમત વસૂલતા ફાર્મસીસ્ટ સામે પણ કાર્યવાહી થશે.

કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ તેઓએ કરી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ફરિયાદ કરી શકશે. અને ફરિયાદના આધારે ફાર્મસી કાઉન્સિલ તપાસ કરી કાર્યવાહી કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઇન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઇન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તેવા તત્વોને છોડવામાં નહિ આવે. મહત્વનું છે કે, રેમડેસિવિરના નકલી ઈન્જેકશનનો પર્દાફાશ કર્યા બાદ પોલીસએ ૨૩ ગુનામાં ૫૭ લોકોની ધરપકડ કરી છે. આવું ગુનાહિત કૃત્ય ટેક્નિકલ જાણકારી વગર શક્ય નથી. જેને પગલે હવે ફાર્મસી કાઉન્સીલ આ ગુનામાં કોઇ ફાર્મસીસ્ટ સંકળાયેલ છે કે કેમ તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.