Western Times News

Gujarati News

એલીસબ્રીજના “હૃદય સે” કોવિડ કેર સેન્ટરમાં વધુ એક વખત આગ લાગી

મ્યુનિ.અધિકારીઓ સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે ઢાંકપિછોડો કરી રહ્યા હોવાના આક્ષેપ-

“હૃદય સે” કોવિડ કેર સેન્ટરમાં ગત્‌ વર્ષે 2020 માં પણ આગની દુર્ઘટના બની હતી. તે સમયે ભોયરામાં મૂકવામાં આવેલી ઓક્સીજન સીલીન્ડના કારણે સામાન્ય “સ્પાર્કે” થયા હોવાથી જાહેરાત કરી તંત્ર દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલા “હૃદય સે” કોવિડ કેર સામે વધુ એક વખત વિવાદ ઉભો થયો છે. હૃદય સે કોવિડ કેરમાં ગુરૂવાર રાત્રે આગ લાગી હતી. સદ્‌ભાગ્યે કોઈ મોત જાનહાનિ થઈ નહતી. આ અગાઉ પણ “હૃદય સે” કોવિડ કેરમાં આગની દુર્ઘટના બની ગઈ છે. સદ્‌ર કોવિડ કેરની માન્યતા મામલે પણ ભૂતકાળમાં અનેક વિવાદ થયા છે.

શહેરના શેઠ મંગળદાસ ટાઉનહોલની પાછળ ખાનગી કોમર્શીયલ કોમ્પલેક્ષમાં “હૃદય સે” કોવિડ કાર્યરત છે. સદ્‌ર કોવિડ કેરના આઈ.સી.યુ. વોર્ડમાં ગુરુવાર રાત્રે આગનો બનાવ બન્યો હતો. તે સમયે વોર્ડમાં ૨૧ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાકીદે તમામ દર્દીઓને બહાર લઈ જવામાં આવ્યા હતા.

જેના કારણે મોટી દુર્ઘટના કે જાનહાનિ થતા અટકી હતી. કોવિડ કેરના સંચાલકો અને મ્યુનિ. અધિકારીઓ આગના બનાવ બાદ ફાયર વિભાગની તાલીમનો આભાર માની રહ્યા છે. જે યોગ્ય પણ છે. પરંતુ મનપાના અધિકારીઓ “હૃદય સે”કોવિડ કેર સામે શરૂઆતથી જ આંખ આડા કાન કરી રહ્યા હોવાના સતત આક્ષેપ થઈ રહ્યા છે.

મ્યુનિ.સુત્રોએ જણાવ્યા મુજબ “હૃદય સે”ના સંચાલકો ૨૦૨૦ માં કોવિડ કેર શરૂ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ મનપા દ્વારા માન્યતા આપવામાં આવી નહતી. જે બાબતનો સ્વીકાર ઝોનના ડે.હેલ્થ ઓફીસરે પણ કર્યો હતો.

તેમજ મ્યુનિ. કોર્પોરેશનની માન્યતા વિના કોવિડ સેન્ટર ચાલી રહ્યુ હોવાથી તેને નોટિસ આપવામાં આવશે તેવા ઉચ્ચારણ પણ જે તે સમયે કર્યા હતા. પરંતુ ત્યારબાદ અચાનક તમામના શૂર બદલ્યા હતા તથા “હૃદય સે”ને માન્યતા આપી હોવાના ઉચ્ચારણ થયા હતા.

નોંધનીય બાબત એ છે કે મનપા દ્વારા માન્યતા આપવામાં આવી હોય તેવા સંજાેગોમાં પણ કોવિડ કેરના સંચાલકો તેમની અરજી મુજબનો ચાર્જ વસૂલ કરતા હતા તેમજ દૈનિક રૂા. ૯ થી ૧૦ હજાર દર્દી પાસે થી વસુલ કરવામાં આવતા હતા. તેમ છતાં જવાબદાર અધિકારીઓ મૌન રહ્યા હતા.

“હૃદય સે” કોવિડ કેર સેન્ટરમાં ગત્‌ વર્ષે પણ આગની દુર્ઘટના બની હતી. તે સમયે ભોયરામાં મૂકવામાં આવેલી ઓક્સીજન સીલીન્ડના કારણે સામાન્ય “સ્પાર્કે” થયા હોવાથી જાહેરાત કરી તંત્ર દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો તથા સમગ્ર દુર્ઘટના પર પડદો પાડવામાં આવ્યો હતો.

પુનરાવર્તન ગુરુવારે રાત્રે થયુ હતુ. આ વખતે આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આગના કારણે જાનહાનિ થઈ ન હતી. પરંતુ આઈ.સી.યુ.માં દાખલ દર્દીઓની સ્થિતિ ગંભીર હોય તે બાબત સર્વવિદિત છે. આ દર્દીઓને બહાર ખસેડવામા આવ્યા બાદ તેમની શારિરીક સ્થિતી વધુ ખરાબ થઈ શકે છે તે બાબત મ્યુનિ. અધિકારીઓ પણ સમજે છે તેમ છતાં કોવિડ કેરના સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે ફાયર વિભાગની તાલીમ અને મોકડીલને બિરદાવી વધુ એક વખત દુર્ઘટના પર પડદો પાડવામાં આવી રહ્યો હોવાની ચર્ચા એ જાેર પકડ્યૂ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.