Western Times News

Gujarati News

તૌકતે વાવાઝોડાના પગલે ૨૧ જિલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જાેવા મળી રહ્યો છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને દરિયામાં કરંટ જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ૨૧ જિલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૬ તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ૧૭ મેથી ૧૯ મે દરમિયાન પ્રતિ કલાક ૨૦થી ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદની શકયતા છે.

ગુજરાતના અમદાવાદ, વલસાડ, મોરબી, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેંદ્રનગર, નવસારી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અને ત્યારબાદ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આખો દિવસ આકરો બફારો અનુભવતાં પરસેવે રેબઝેબ થયા હતા ત્યારે ઢળતી સાંજે પૂર્વ દિશાથી ઝંઝાવાતી પવનો ફૂંકાયા ધૂળની ડમરીઓ આકાશમાં ઉંચે સુધી ઉડી અને ઠંડો પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે કે, વાવાઝોડાની અસર ને પરિણામે રાજયમા વરસાદી માહૌલનુ વાતાવરણ સર્જાયુ છે અને રાજયમાં તા ૧૬-૫-૨૧ ના સવારના ૬.૦૦ કલાકથી ૧૭-૫-૨૧ ના સવારના ૬.૦૦ કલાક સુધીમાં ૨૧ જીલ્લાના ૮૪ તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી ૬ તાલુકામાં ૧- ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. વાવાઝોડા થી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજય સરકારે ૨૪૦ વન વિભાગની ૨૪૨ માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવાઈ છે જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.

તેમણે ઉમેર્યુ કે,અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે ૬૬૧ ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની ૭૫૦ જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી ૪૦૦થી વધુ પ્રશ્નોનુ નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે ૩૮૮ આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગરી માટે ૩૧૯ મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.