Western Times News

Gujarati News

મહિલા ચાલકને હજાર રૂપિયાનો દંડ ભરવાનું કહેતા મામલો બિચક્યો

 

વિક્ટોરિયા ગાર્ડન પાસે બનેલો બનાવઃ ત્રણ સવારીમાં   એક્ટિવા પર આવતી મહિલાને અટકાવી દંડની વસુલાત દરમિયાન મહિલા ચાલકે ઉગ્ર બોલાચાલી કરી

 

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્ર સરકારે ટ્રાફિક માટેના નવા નિયમો બનાવી દેશભરમાં તેનો અમલ કરાવવા માટે રાજય સરકારોને જાણ કરી છે પરંતુ કેટલાક રાજયોમાં તેનો વિરોધ થયો છે ગુજરાત સરકારે પણ આરટીઓ પાસેથી આ અંગે અભિપ્રાય મંગાવ્યો છે અને હાલ પુરતો આ નિયમોનો અમલ અટકાવી દેવામાં આવ્યો છે આ પરિસ્થિતિમાં   વચ્ચે અમદાવાદ શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા ગોઠવવા ઉપરાંત વાહન ચાલકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહયો છે જેનો ઉગ્ર વિરોધ થવા લાગ્યો છે અને હવે છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ વધવા લાગ્યા છે જે ચિંતાનો વિષય બની ગયો છે.

ગઈકાલે શહેરના વિકટોરિયા ગાર્ડન પાસે ત્રણ સવારીમાં આવતી  એક્ટિવા મહિલા ચાલકને અટકાવી તેની પાસેથી માતબર રૂ.૧૦૦૦નો દંડ ભરવાનું જણાવતા મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી જેના પરિણામે ઉગ્ર બોલાચાલી થતાં લોકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું

સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ જવાને મહિલા પોલીસ કોન્સ્ટેબલને બોલાવી એક્ટિવા ચાલક મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ દંડ વસુલવાની રકમના કારણે શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોમાં હવે રોષ જાવા મળી રહયો છે યોગ્ય માળખાના અભાવે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે અને બીજીબાજુ ટ્રાફિક પોલીસ જંગી દંડ વસુલ કરી રહી છે જેના પરિણામે હવે લોકોમાં રોષ ભભૂકવા લાગ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપતા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હતું તે સફાળુ જાગ્યુ છે અને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે પરંતુ આ કામગીરીમાં ભારે વિસંગતતા જાવા મળી રહી છે અમદાવાદ શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડી ઈ- મેમો મોકલવામાં આવી રહયો છે કેટલાક સ્થળો પર ટ્રાફિક સિગ્નલો પણ દેખાતા નથી.

જયારે મોટાભાગના જંકશનો પર ટાઈમરો બંધ છે તેમ છતાં ટ્રાફિક પોલીસતંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવાના બદલે વાહન ચાલકો પાસેથી દંડ વસુલી રહી છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે

આ ઘટનાઓમાંથી ટ્રાફિક પોલીસને આત્મમંથન કરવાની જરૂર છે કારણ કે હવે નાગરિકો આ પ્રકારની કામગીરીથી ત્રાહિમામ પોકારી ગયા છે સૌ પ્રથમ દરેક શોપીંગ સેન્ટરોમાં વાહન ચાલકો માટે પા‹કગની જગ્યા મ્યુનિ. કોર્પો.તંત્ર ખુલ્લી કરે તેવી માંગણી ઉઠી છે બીજીબાજુ શહેરની ફુટપાથો પણ દબાણ મુકત કરવાની પણ માંગણી ઉઠી રહી છે. આ  પરિસ્પથિતિમાં ગઈકાલે ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણના કેટલાક બનાવો બન્યા હતા જેમાં રાયખંડ પાસે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.

વિકટોરિયા ગાર્ડન પાસે ગઈકાલે સવારના સમયે ઈ- ડીવીઝન ટ્રાફિક શાખાના જવાનો ટ્રાફિક નિયમન માટે ઉભા હતા આ ફરજ દરમિયાન રાયખંડ ચાર રસ્તાથી વિકટોરિયા ગાર્ડન તરફ એક મહિલા એક્ટિવા ચાલક ત્રણ સવારીમાં આવતી હતી ફરજ પર હાજર ટ્રાફિક જવાન ડાહ્યાભાઈ રત્નાભાઈએ મહિલા એક્ટિવા ચાલકને અટકાવી હતી અને તેનું નામ પુછતા મહિલાએ નામ જણાવવાની ના પાડી હતી આ ઉપરાંત લાયસન્સ પણ માંગ્યુ હતું

આ દરમિયાનમાં બંને વચ્ચે રકઝક થવા લાગી હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. ઉગ્ર બોલાચાલીના કારણે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા બીજીબાજુ ડાહ્યાભાઈએ તાત્કાલિક મહિલા કોન્સ્ટેબલને બોલાવી હતી અને પરિસ્પથિતિમાં  થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો વુમન એલઆરડી પીનલબેન આવી પહોંચતા તેમણે આ મહિલાનું નામ પુછતા તેણે પોતાનું નામ ખ્યાતી અજયભાઈ જણાવ્યું હતું અને તે પોતે વસ્ત્રાલ તળાવ સામે કલ્પતરૂ રેસીડેન્સીમાં રહે છે.

ટ્રાફિક જવાને ખ્યાતિબેન પાસેથી રૂ.૧૦૦૦નો દંડ ભરવાની વાત જણાવતા મામલો બિચકયો હતો અને મહિલા એલઆરડીએ આવ્યા બાદ પરિસ્તિતિ  સંભાળી હતી. મધ્યમવર્ગની ખ્યાતીબેને રૂ.૧૦૦૦નો દંડ ભરી શકે તેમ નહી હોવાથી તેણે બોલાચાલી કરી હતી આટલી મોટી રકમનો દંડ વસુલાતો હોવાની વાત બહાર આવતા જ અન્ય વાહન ચાલકોમાં પણ રોષ ફેલાયો હતો.

ટ્રાફિકના નવા નિયમો હાલ અમલ કરતા અટકાવી દેવાયા છે ત્યારે રૂ.૧૦૦૦નો દંડ ભરવાની વાતથી મહિલા ચાલક
ઉશ્કેરાઈ ગઈ હતી ત્યારબાદ મહિલા એલઆરડી ખ્યાતિબેનને લઈ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને પહોચી હતી અને ત્યાં ડાહ્યાભાઈએ આ મહિલા ચાલક સામે ફરજમાં રૂકાવટ પેદા કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં હાલ મધ્યમ વર્ગના લોકો દ્વિચક્રીય વાહનો ચલાવી રહયા છે અને રોજેરોજ પેટ્રોલ ભરી નોકરી ધંધા પર જતાં હોય છે આ દરમિયાન ઈ મેમોના કારણે આવા વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે ટ્રાફિક પોલીસતંત્રએ ટ્રાફિક નિયમન યોગ્ય કરવા માટે વ્યવસ્થિત  આયોજન કરવાની જરૂર હોય તેવી લાગણી પેદા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.