Western Times News

Gujarati News

ગોંડલમાં અનાથ સગીરાનો સંપર્ક કરી ૩ શખસે અપહરણ કર્યું, એકે દુષ્કર્મ આચર્યું

Files Photo

રાજકોટ: સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો જ એક કિસ્સો ગોંડલના મોવિયા ગામમાં બન્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના સંપર્કમાં આવેલા શખસે અન્ય બે શખસની મદદથી અપહરણ કરી ગોંડલ લઈ ગયો હતો. અહીં એકે દુષ્કર્મ આચર્યું હતું અને બીજાએ અડપલાં કર્યાં હતાં. આ અંગેની પોલીસ ફરિયાદ ગોંડલ પોલીસમાં નોંધાઇ છે. દુષ્કર્મ આચરનાર શખસના સાથીદારે સગીરા સાથે અડપલાં કરી હેવાનિયતની હદ વટાવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી માતા-પિતા વિનાની સગીરાના સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલનો વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી (રહે. આસોપાલવ સોસાયટી) સંપર્કમાં આવ્યો હતો. તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી (રહે. ૩૧ ભોજરાજપરા, પારસ રેસિડેન્સી) અને અવિ મુકેશભાઈ સોલંકી (રહે. આસોપાલવ પાર્ક)એ અપહરણ કર્યું હતું.

બાદમાં વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી હેવાનિયતની હદ વટાવી દીધી હતી. હેવાનિયત આટલેથી અટકતી ન હોય તેમ અક્ષય સોલંકીએ સગીરા સાથે અડપલાં કર્યા હતા, જ્યારે અવિ સોલંકીએ અપહરણ કરવામાં પોતાની કારનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો કલમ ૪, ૮, ૧૭ મુજબ ગુનો નોંધી પીએસઆઇ એમ.જે. પરમાર આરોપીઓને ઝડપવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે, અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે, જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે.આરોપીઓએ સગીરાનું સવારના સમયે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી. બાદમાં સગીરા બસ દ્વારા પોતાના ઘરે પહોંચી હતી અને સઘળી હકીકત કાકાને જણાવતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

૪ મહિના પહેલાં રાજકોટના કુવાડવા પાસે આવેલા એરપોર્ટ પોલીસ મથક હેઠળના બારવણ ગામમાં ૬ વર્ષની બાળાને ૨૦ વર્ષના નરાધમે પીંખી નાખ્યાની ઘટના સામે આવી હતી. મૂળ રાજસ્થાનના ભીલવાડા ગામના ૨૦ વર્ષીય રામલાલે બોર ખાવાના બહાને બોલવી ૬ વર્ષની બાળાનો દેહ પીંખી નાખ્યો હતો. બાદમાં ઘરે આવેલી બાળા ધ્રુસકે ધ્રુસકે રડી હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતાં એરપોર્ટ પોલીસે હવસખોર રામલાલની ધરપડક કરી જેલહવાલે કર્યો હતો.

નરાધમ બાળાને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. રાજસ્થાનના ભીલવાડા ગામનો રામલાલ બાબુજી ખદેરા નામનો શખસ પોતાના ગામના કોન્ટ્રેક્ટર મારફત બારવણ ગામમાં કૂવા ખોદવાની મજૂરી કામ કરવા માટે આવ્યો હતો. બપોરે રામલાલ સાથે કામ કરતા મજૂરો જમવાનો બ્રેક પડતાં જમવા ગયા હતા ત્યારે બાજુમાં રમી રહેલી ૬ વર્ષની બાળાને જાેઇને આરોપી રામલાલની દાનત બગડી હતી અને બાળા પાસે જઇ ફોસલાવીને બોર ખવડાવવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જઈને બાળાને પીંખી નાખી હતી.

દુષ્કર્મ આચરીને રામલાલ ત્યાંથી નાસી જતાં બાળા ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી પરિવાર પાસે આવી હતી. રડતા રડતા બાળાએ પોતાની કાલીઘેલી ભાષામાં વાત કરતાં તેની સાથે કંઇક ખોટું થયાનું જણાવ્યું હતું, આથી પરિવારે તેના નામની પૂછપરછ કરતાં મજૂર રામલાલે બાળાને દુષ્કર્મનો ભોગ બનાવ્યાનું સામે આવતાં સૌ ચોંકી ગયા હતાં. બાદમાં પરિવારજનોએ તરત જ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. આ મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રામલાલ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.