Western Times News

Gujarati News

સુરતની ઘટના બાદ અમદાવાદના ગણેશ પંડાલોમાં સઘન ચેકિંગ

Files Photo

  • સુરતની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત – અમદાવાદમાં પોલીસતંત્ર એલર્ટ

  • સાંજથી જ તમામ ગણેશ પંડાલોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરાશે

(પ્રતિનિધિ) અમદાવાદ : સુરતમાં ગણેશ સ્થાપન સમયે દારૂ પીને કેટલાક શખ્સો છાંટકા બનતા શ્રધ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે આ અંગેનો વિડિયો વાયરલ થતાં રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે રાજયના પોલીસવડાએ તાત્કાલિક આ ઘટનામાં સંડોવાયેલા તમામ શખ્સોની ધરપકડ કરવાનો આદેશ આપી દેતા સુરત પોલીસ કમિશ્નરે બુટલેગર સહિત તમામની ધરપકડ કરી લીધી છે અને તેના ઘરેથી બીયરનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે.

બીજી બાજુ આ ઘટના બાદ અમદાવાદ શહેરમાં પણ પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે અને આજથી તમામ ગણેશ પંડાલોમાં સઘન ચેકિંગ કરવાનો આદેશ આપી દેવાયો છે. આ અંગેની વિગત એવી છે કે વિધ્નહર્તા ગણપતિ દાદા હાલ શ્રધ્ધાળુઓના દ્વારે આવી પહોંચ્યા છે અને તેમની આગતાસ્વાગતા કરવામાં શ્રધ્ધાળુઓ લીન બની ગયા છે પરંતુ કેટલાક શખ્સો ભગવાનની પુજામાં પણ વિધ્નો નાંખવાના પ્રયાસો કરે છે અને સુરતની ઘટના આવી જ કંઈક છે ગણપતિ દાદાની સ્થાપના પ્રસંગે કેટલાક માથાભારે શખ્સો ખુલ્લેઆમ જાહેર રોડ પર નાચતા નાચતા બીયર પીતા જાવા મળ્યા હતાં.

આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહયો છે જેના પગલે પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે. સુરતમાં તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ ઘટના બાદ રાજયભરમાં પોલીસતંત્ર સતર્ક બની ગયું છે. ધર્મના નામે આવા શખ્સો દારૂ પીને પંડાલમાં ધમાલ મચાવતા હોવાથી પોલીસતંત્ર દ્વારા હવે આ દિશામાં કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ શહેરમાં ઠેરઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવસભર દાદાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને સાંજ પડતાં જ તમામ સ્થળો પર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહયા છે જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભાગ લે છે. વિધ્નહર્તા ગણપતિ દાદાની સ્થાપના બાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા હવે સઘન ચેકિંગ શરૂ કરાયું છે.

ખાસ કરીને આંતકવાદી હુમલાની દહેશત બાદ હવે સુરતની ઘટનાના પગલે પણ પોલીસતંત્ર દ્વારા તમામ ગણેશ મહોત્સવની આસપાસ ખાનગીરાહે તપાસ શરૂ કરવામાં આવી છે ગઈકાલે સુરતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી અને આવી ઘટનાઓ ન ઘટે તે માટે સ્થાનિક પોલીસને તાકિદ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં ગણપતિ દાદાની પ્રતિમાની ઉંચાઈના મુદ્દે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે આ ઉપરાંત હવે શહેરમાં તમામ ગણપતિ મહોત્સવના પંડાલમાં ખાનગીરાહે પોલીસ નજર રાખવાની છે આજથી જ શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને ગણેશ પંડાલોમાં આ ટીમો તૈનાત રહેશે. દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે

તેમની સુરક્ષા માટે તથા કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ દિવસથી જ પોલીસ સતર્ક બની હતી પરંતુ સુરતની ઘટના બાદ હવે પોલીસ તંત્ર હવે વધુ સજાગ બન્યું છે ગઈકાલે સામુહિક બદલી બાદ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવી દેવાની સ્થાનિક પોલીસને સુચના આપ્યા બાદ ગઈકાલ રાતથી જ શહેરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ગણેશ પંડાલોમાં પણ કોઈ શખ્સ દારૂ પીને ઘુસી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

શહેરમાં અનેક સ્થળો પર મોટાપાયે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આવા સ્થળો પર આજે સવારથી જ ચેકિગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આયોજકોને ખાસ સુચના આપવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા મારફતે પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. ગણપતિ વિસર્જન સુધી તમામ ગણેશ પંડાલોમાં સઘન ચેકિંગ કરવામાં આવનાર છે અને ગણપતિ વિસર્જનના દિવસે પણ પોલીસ બંદોબસ્તનું સઘન આયોજન કરવામાં આવ્યું છે

આ માટે પોલીસ અધિકારીઓની બેઠકો યોજાઈ રહી છે અને તમામ ગણેશ મહોત્સવના સ્થળોની યાદી તૈયાર કરી ગણેશ વિસર્જનના દિવસે બંદોબસ્ત ફાળવી દેવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.