Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન સતત ત્રીજા વર્ષે ૧૦ લાખ કરતા વધુ વૃક્ષ વાવશે 

Files Photo

બગીચા વિભાગે ૧૩ લાખનો લક્ષ્યાંક જાહેર કર્યો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના રોપાનું નાગરિકોને વિતરણ પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વિશ્વ પર્યાવરણ દિવસે તંત્ર દ્વારા વૃક્ષારોપણ માટે જાહેરાત કરવામાં આવી હતી તેમજ છેલ્લા બે વર્ષની માફક આ વર્ષે પણ મિશન મીલીયન ટ્રીઝનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગત વર્ષે કોરોનાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આયુર્વેદિક ઔષધની રોપાનો ઉછેર અને વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે ગત વર્ષે પણ દસ લાખ રોપા લગાવી અનોખો વિક્રમ કર્યો હતો તેમજ કોરોનાકાળ અને વિપરીત સંજાેગો વચ્ચે દસ લાખ રોપા લગાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યું હતું.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૯ અને ર૦ર૦ની માફક ર૦ર૧માં પણ ૧૦ લાખ કરતા વધુ રોપા લગાવવા માટે નિશ્ચય કરવામાં આવ્યો છે. શહેરમાં અંદાજે પ૦ કરતા વધુ ખાનગી અને સરકારી પ્લોટોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં ૧૦ સ્થળે જાપાનની મીયાંવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ થશે. જયારે ૩૦ જેટલા સ્થળોએ ગીચ વૃક્ષારોપણ માટે આયોજન કરવામાં આવ્યું છે જે સ્થળે ગીચ વૃક્ષારોપણ થઈ શકે તેમ ન હોય તેવા સ્થળે દિવાલ પાસે ઝાડ લગાવવામાં આવશે.

અગાઉની જેમ આ વર્ષે પણ વૃક્ષ ઉછેર માટે એનજીઓની મદદ લેવાશે પરંતુ કોર્પોરેશન તરફથી કોઈ આર્થિક સહાય કે મદદ આપવામાં આવશે નહી.

મ્યુનિ.બગીચા વિભાગ દ્વારા લીમડો, વડ, પીપળો, ગરમાળો, ગુલમહોર જેવા મોટા વૃક્ષના રોપા લગાવવામાં આવશે તેમજ વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને આયુર્વેદ રોપાનું પણ વિતરણ કરવામાં આવશે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ ઉત્તમ ઉપાય છે. તેથી આ વર્ષે આયુર્વેદ ઔષધની રોપા લગાવવામાં આવી શકે છે. જેમાં આમળા, સરગવો, અર્જુન સાદળ, અરડુસીનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હાલ તુલસીરથ ના માધ્યમથી તુલસી રોપાનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી નર્સરીમાં ગિલોય, નગોડ, અરડૂસી અને અશ્વગંધા ના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે કોરોનાને લડત આપવા માટે ઇમ્યુનિટી વધુ હોવી જરૂરી છે. આ તમામ ઔષધિના ઉપયોગ થી કોરોના સામે નાગરિકોને રક્ષણ મળશે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૨૦૧૯માં ખાનગી સંસ્થાઓની મદદથી ૧૧ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા. જયારે ૨૦૨૦માં જુલાઈ માસના અંત સુધી ૩ લાખ ૦૮ હજાર રોપા લગાવવામાં આવ્યાં હતાં. ૨૦૨૦ના વર્ષમાં પણ ૧૦ લાખ રોપા લગાવવા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનના કારણે મજૂરોની અછત સર્જાતાં આ લક્ષ્યાંક પૂર્ણ થાય તેવી ઓછી શક્યતા હતી.

તેમ છતાં બગીચા વિભાગનાં કર્મચારીઓની મહેનતનાં કારણે આ લક્ષ્યાંક પૂર્ણ થયો છે. ગત વર્ષે ની જેમ ચાલુ વરસે ‘મિશન મીલીયન ટ્રીઝ પ્રોજેક્ટ ના કરવા અંગે બગીચા વિભાગના ડાયરેક્ટર જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષર્માં લોકડાઉન ના કારણે મિશન મિલિયન ટ્રીઝ માટે જરૂરી તૈયારીઓ થઈ શકી નહતી.

ખાસ કરી ને શ્રમિકો ની અછત ના કારણે જરૂરી ખાડા ખોદવા અને વૃક્ષ લગાવવાની કામગીરી મુશ્કેલ હતી. જેના કારણે આ ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન રદ કરવાની ફરજ પડે તેમ હતું. તેમ છતા શક્ય તેટલા વધુ રોપા લગાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમયે પણ બે લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા હતા. ૨૦૨૦માં મ્યુનિ.કોર્પોરેશનની તમામ મિલકતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જેમાં વાસણા બેરેજ પાસેનો પ્લોટ, ગોમતીપુર ટોપી મીલ પાસે પ્લોટ, વસ્ત્રાલ એએમસી પ્લોટ, સાયન્સ સિટી ગુલમહોર ગ્રીન પાર્ક પાસેનો પ્લોટ, થલતેજ વિસ્તારમાં ઈડબલ્યુએસ આવાસ યોજના પ્લોટ, જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નરોડા-નિકોલમાં મ્યુનિસિપલ પ્લોટ, ગોતા કલેકટર ઓફિસ, પોલીસ હાઉસિંગ પ્લોટ, રેલવેની ખુલ્લી જમીનો, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ તેમજ રોડ સાઈટ પર વૃક્ષારોપણ કરી ૧૦ લાખ રોપા લગાવવાનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

૨૦૧૯માં ૧૧ લાખ રોપા લગાવવામાં આવ્યાં હતા તે પૈકી ૭૦ ટકા રોપાનો ઉછેર થયો છે. જે અનોખી સિદ્ધિ છે. સામાન્ય રીતે ૩૦ ટકા જ રોપા બચતાં હોય છે. ગત ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૦ પ્લોટમાં જાપાનની મીયાસાંકી પધ્ધતિથી સાડા ત્રણ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા.

જ્યારે ૭૦૦ કિલોમીટર રસ્તાની બંન્ને બાજુ ૪૦ હજાર કરતા પણ વધુ વૃક્ષ રોપવામાં આવ્યા હતા. શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે ૧ર૦ રિઝર્વ પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.. જેના કારણે પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો છે.
ભૂતકાળમાં રોપા લગાવ્યા બાદ તેની માવજતની સમસ્યા રહેતી હતી. તેના કારણે માંડ ૩૦ ટકા રોપા જ બચતા હતા. ‘મિશન મિલીયન ટ્રીઝ અભિયાનમાં રોપા લગાવવાની સાથે સાથે તેનો યોગ્ય ઉછેર થાય એ દિશામાં પણ ધ્યાન આપ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.