Western Times News

Gujarati News

લાલ ભીંડાની ઓર્ગેનિક ખેતીનો વિરપુરના યુવા ખેડૂતનો નવતર અભિગમ

ભીંડાની નવી પ્રજાતિ લાલ ભીંડાની ઓર્ગેનિક ખેતીનો વિરપુરના યુવા ખેડૂત જગદિશભાઈનો નવતર અભિગમ પ્રેરણારૂપ

પ્રાકૃતિક ખેતીથી તૈયાર ચીકાશ રહિત લાલ ભીંડા લોકોમાં આકર્ષણરૂપ

(પ્રતિનિધી) વિરપુર,આધુનિક સમયમાં ખેતી કરવાની પદ્ધતિઓમાં પણ આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે. ખેડૂતો ખેતીવાડીમાં નિત્ય નવી પદ્ધતિઓ અપનાવીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હવે લાલ ભીંડાની ખેતી તરફ વળ્યા છે, કારણ કે તેની ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે.

આવા જ એક મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાનો ૩૫ વર્ષીય યુવા ખેડૂત લાલ ભીંડાની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે પ્રાકૃતિક ખેતીથી તૈયાર ચીકાશ રહિત લાલ ભીંડા લોકોને વધુ આકર્ષી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે ગુવાર,ચોળી રીંગણ વગેરે શાકભાજીની ખેતીની સાથે યુવા ખેડૂત જગદિશભાઈ છોટુભાઈ વાળંદે લાલ ભીંડાની ખેતી કરી છે. આ ભીંડાનું બિયારણ લખનૌ તેમના મિત્ર પાસેથી મેળવ્યું હતું. ખેતીમાં નવતર પ્રયોગના ભાગરુપે એક વીઘામાં યુવા પ્રગતિશીલ ખેડૂત જગદિશભાઈએ લાલ ભીંડાની ખેતી કરી જેમાં પ્રારંભિક સફળતા મળતાં તેઓ ખૂબ ઉત્સાહિત છે. તેઓ જણાવે છે કે હાલ ભીંડા વીણવાની શરુઆત થઈ ગઈ છે.

એકાંતરે ૪૦થી ૫૦ કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે. ઉપરાંત આ ભીંડામાં લીલા ભીંડાની જેમ કાંટાવાળી રુવાટી ન હોવાથી મેળવવામાં પણ સરળતા રહે છે. કપાસની જેમ ઝડપી ફૂટ અને ડાળીઓની સંખ્યા પણ ઘણી બધી હોય છે જેથી ઉત્પાદન સારું મળી રહે છે.

વધુમાં આ પાકમાં ચુસીયા જીવાત અને ઇયળનો ઉપદ્રવ ખૂબ ઓછો થાય છે તેથી જંતુનાશક દવાનો ખર્ચ ઘણો ઓછો થાય છે. હાલના સમયમાં ખેતી પાકોમાં પરંપરાગત ખેતી ન કરતા બાગાયત અથવા શાકભાજી ની ખેતીમાં જાે આગળ વધવામાં આવે તો સારું વળતર મળી શકે છે.

વિરપુર તાલુકાનાં વિસ્તરણ અધિકારી અને બાગાયત વિભાગ દ્વારા અવારનવાર માર્ગદર્શન મળે છે. વર્તમાન સમયમાં ખેતીનો ખર્ચ ઘટાડી ખેતી કરવામાં આવે તો નફાનું ધોરણ વધુ રહે છે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધુ ખૂબ જરૂરી છે પ્રકૃતિની સાથે રહી જીવન જીવવામાં આવે તો જ આવનારી પેઢી તંદુરસ્ત જીવન જીવી શકશે.

પ્રાકૃતિક ખેતીના સંદેશ સાથે જગદીશભાઈ જણાવે છે કે તેઓ તમામ શાકભાજી તથા મગ ની ખેતી દેશી ગાયના ગૌ મુત્ર અને છાણના ખાતરથી કરેલ છે તેથી તેમના શાકભાજી બજાર બજાર કરતા પ્રતિ કિલો ૨૦ રૂપિયાથી વધુ ની રકમ મળે છે અને પ્રાકૃતિક ખેતીથી પકવેલા ધાન્ય અને શાકભાજી ઉપયોગમાં લેતા જાગૃત લોકો ઘેર બેઠા તેમના શાકભાજી લઈ જાય છે તેથી બહાર વેચવા જવાની જરૂર પડતી નથી શાકભાજીની આ સફળ ખેતી કરીને તેઓ રોજનો સારો નફો મેળવી રહ્યા છે.

આમ જિલ્લાનો આ યુવા ખેડૂત લાલ ભીંડાની સ્વાસ્થયપ્રદ ઓર્ગેનિક ખેતી કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી ઉદાહરણરૂપ બન્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.