Western Times News

Gujarati News

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ થશે

૧૮મી ડિસેમ્બરથી લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે -લક્ષચંડી મહાયજ્ઞને લઇને ઉંઝા ઉમિયાબાગમાં ઉછામણી કાર્યક્રમ ઃ પાટીદાર દાતા દ્વારા લાખો-કરોડોની ઉછામણી
અમદાવાદ,  શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી તા.૧૮થી તા.૨૨ ડિસેમ્બર દરમ્યાન ઉંઝા-વિસનગર રોડ પરની ટીપી સ્કીમ નં-૮ ખાતે ૮૦૦ વીઘા જમીનમાં ભવ્યાતિભવ્ય, ઐતિહાસિક અને રેકોર્ડ સમા શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ઉંઝા ઉમિયા બાગ ખાતે આજે ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજયોમાંથી હજારો પાટીદારો, દાતાઓ અને દાનવીર ભામાશાઓએ ભાગ લીધો હતો અને લાખો-કરોડો રૂપિયાની ઉછામણી-બોલી આ કાર્યક્રમમાં બોલી હતી, જે જાઇ ઉપસ્થિત હજારો શ્રધ્ધાળુઓ પણ ચોંકી ઉઠયા હતા. ગુજરાત, ભારત સહિત સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિની સ્થાપનાના ઉમદા આશય સાથે આ ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમ અત્રે સંસ્થાના વડીલ મણિદાદા, ભાજપના ધારાસભ્ય અને પ્રોજેકટના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલ તેમ જ કન્વીનર અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ પરિપૂર્ણ કરવાના શુભઆશયથી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તા.૧૮થી તા.૨૨ ડિસેમ્બર દરમ્યાન આયોજિત શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં આશરે ૫૦થી ૬૦ લાખ ભકતો-શ્રધ્ધાળુઓ પધારશે. ન ભૂતો ન ભવિષ્યતિ એવા આ લક્ષચંડી મહાયજ્ઞમાં સંસ્થાન દ્વારા ૧૦૮ યજ્ઞકુંડ તેમ જ ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાનશ્રીઓ સાથે યજ્ઞની શરૂઆત માં ઉમિયાની દિવ્ય જયોતની સાક્ષીએ ઉમિયા બાગ ખાતે અવિરત ૧૬ દિવસ સુધી ૧૧૦૦ જેટલા પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતિના ૭૦૦ શ્લોકોથી એક લાખ ચંડીપાઠના દશમાં ભાગના દસ હજાર પાઠની શા†ોકત વિધિથી આહુતિ અપાશે.

૨૪ વીઘા જમીનમાં કુલ ૫૧ શકિતપીઠના પ્રતિક મંદિર સાથે ૮૧ ફુટ ઉઁચાઇની યજ્ઞશાળા નીચે ૩૫૦૦ વ્યકિતઓ સાથે બેસી શકે એટલા વિશાળ યજ્ઞમંડપમાં ૭૫૦૦૦ કિલો કાષ્ટ, ૩૨૦૦ કિલો ઘી, ૧૫ મેટ્રિક ટન અડાયા(છાણા), હજારો કિલો તલ, ડાંગર અને વિવિધ દિવ્ય દ્રવ્યો અને ઔષધિઓની યજ્ઞમાં હોમાનાર પવિત્ર આહુતિ સાથે ચંડીપાઠના સતત ઉચ્ચારણ અને વૈદિક મંત્રોચ્ચારથી ઐતિહાસિક અને અભૂતપૂર્વ દૈદિપ્યમાન વાતાવરણ સર્જાશે એમ સંસ્થાના વડીલ મણિદાદા અને ભાજપના ધારાસભ્ય અને પ્રોજેકટના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે ઉમેર્યું હતું. આ લક્ષચંડી મહાયજ્ઞને સફળ બનાવવા અને તે નિમિતે આજરોજ ઉંઝા, ઉમિયાબાગ ખાતે યોજાયેલા ભવ્ય ઉછામણી કાર્યક્રમમાં દાનવીર દાતાઓ અને ભામાશાઓએ લાખો-કરોડો રૂપિયાની ઉછામણી બોલી માં ઉમિયા પરત્વેનો તેમનો પ્રેમ, શ્રધ્ધા અને સામાજિક કર્તવ્યનો ગૌરવવંતો પરિચય કરાવ્યો છે. આજના ઉછામણી કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાંથી પાટીદાર સમાજના હજારો શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.

¨ યજ્ઞશાળા વિજય સ્થંભ – પટેલા કાશીરામ રૂસાત – ૩૩,૩૩,૩૩૩
¨ બ્રાહ્મણ યજમાન -પટેલ બાબુભાઇ કચરાભાઇ – ૨૫,૫૫,૫૫૫
¨ મુખ્ય યજમાન – પટેલ ગોવિંદભાઇ ગણેશભાઇ – ૪,૨૫,૫૫,૫૦૧
¨ બીજાકુંડના યજમાન- પટેલ મેહુલભાઇ અરવિંદભાઇ- ૧,૧૧,૧૧,૧૧૧
¨ ત્રીજાકુંડના યજમાન- પટેલ અમરતભાઇ બબલદાસ – ૨૫,૫૫,૫૫૫
¨ ૪થા કુંડના યજમાન – પટેલ પ્રહલાદભાઇ અંબાલાલ- ૨૧,૨૧,૧૨૧
¨ પાંચમાકુંડના યજમાન- પટેલ જાઇતીબહેન મોહનલાલ – ૧૬,૬૬,૬૬૬
¨ આ સિવાય પણ અન્ય દાતાઓએ લાખો-કરોડની ઉછામણી બોલી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.