Western Times News

Gujarati News

માસ્ક ન પહેરવા બદલ લોકોને વર્ષમાં ૨૫૨ કરોડનો દંડ

Files Photo

અમદાવાદ: એક જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ૩૭.૪૨ લાખ ગુજરાતીઓએ ૨૪ જૂન, ૨૦૨૦થી ૨૮ જૂન, ૨૦૨૧ની વચ્ચે માસ્કના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ૨૫૨ કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો.
એફિડેવિટ પ્રમાણે, અમદાવાદમાં માસ્ક નિયમના ઉલ્લંઘનના સૌથી વધુ ૬.૬૩ લાખ કેસ નોંધાયા હતા, જેના માટે શહેર પોલીસને ૫૩.૨૧ કરોડ રૂપિયાનો દંડ ચૂકવવામાં આવ્યો હતો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેક્રેટરી અતુલ પટેલે ગુરુવારે સુઓ મોટો પીઆઈએલ સંદર્ભમાં દાખલ કરેલા એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, એક વર્ષમાં ડાંગમાં સૌથી ઓછા ૬,૩૫૦ કેસ નોંધાયા હતા અને તેના માટે પોલીસ દ્વારા ૪૯ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

રાજકોટ દંડ ચૂકવવાના મામલે અમદાવાદ બાદ બીજા નંબરે હતું. જ્યાં માસ્ક ઉલ્લંઘનના ૩.૪૫ લાખ કેસ નોંધાયા હતા અને ૨૪ જૂન, ૨૦૨૦થી ૨૮ જૂન, ૨૦૨૧ની દરમિયાન ૨૫.૧૨ કરોડનો દંડ ભર્યો હતો.

એફિડેવિટમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે, પોલીસે માસ્ક વગર ઝડપાયેલા લોકોને માસ્ક પણ આપ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું તે, ૨૫ માર્ચ, ૨૦૨૦થી ૨૮ જૂન, ૨૦૨૧ દરમિયાન ૫૭.૪૫ લાખ માસ્કની વહેંચણી કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, માસ્ક દંડ ઉપરાંત એક વર્ષમાં કર્ફ્‌યૂના સમયગાળા દરમિયાન બહાર રખડતા લોકો પાસેથી આશરે ૧૦૧ કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હતો. આમ ગુનેગારોએ એક વર્ષમાં માસ્ક ન પહેરવા અને કર્ફ્‌યૂના કલાક દરમિયાન પોતાના વાહનો પર બહાર ફરવા બદલ નિયમિત ૧ કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. ગુજરાત પોલીસે લગ્ન અને સામાજિક પ્રસંગમાં ભીડ સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરવા બદલ ૫.૧૩ લાખ કેસ નોંધ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.