Western Times News

Gujarati News

કોરોના સામે સતર્કતા અને સલામતીની જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતા ઇકબાલભાઇ

અમદાવાદના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક-સમાજોત્થાન માટે રાખડીઓના માધ્યમથી જનજાગૃતિ યજ્ઞનો પ્રારંભ કર્યો

અવનવી રાખડીઓ બનાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત અગણ્ય લોકોને પોતાની કળાથી આકર્ષિત કર્યા છે

ભાઇ અને બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન..રક્ષાબંધન એટલે બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન પણ ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇના જીવનના ડગલે અને પગલે દરેક પરિસ્થિતિ વચ્ચે પણ સલામતીની સાથે સફળતાની મનોકામનાની પ્રાર્થના કરે છે.

કોરોનાકાળમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે કોઇ પણ ભાઇ-બહેન કોરોના સામેના રક્ષણની જ ઝંખના રાખતી હોય તે સ્વભાવિક છે.ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇ કોરોનાથી સુરક્ષિત રહે બહેનને પણ કોરોના નામનો રાક્ષસ હાનિ ન પહોંચાડે તે માટે ભાઇ-બહેન પરસ્પર એક બીજા માટે આ પર્વના દિવસે પ્રાર્થના પણ કરશે.

દેશભરમાં કરોડો લોકો રક્ષાબંધનનું પર્વ ઉજવે છે ત્યારે આ તહેવારના માધ્યમથી પણ લોકોમાં કોરોના સામેની સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદના ઇકબાલભાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.

ઇકબાલભાઇ કહે છે કે “રાજ્યભર અને દેશભરમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડીઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે.

બહેન દ્વારા ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે તેના દ્વારા ભીડ-ભાડ વાળી જગ્યાઓએ બિનજરૂરી જવાનું ટાળવું, જાહેર સ્થળોએ માસ્ક પહેરીને સ્વ રક્ષણની સાથે અન્યોનું પણ રક્ષણ કરવું તેવું વચન લેવામાં આવે તેવા પવિત્ર આશય સાથે મેં લાગણીઓથી રાખડીઓ તૈયાર કરી છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેસન પણ જરૂરથી કરાવે તે માટેના સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે.

કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશ દર્શાવતી રાખડીઓ પણ ઇકબાલભાઇએ બનાવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, તમાકુનુ વ્યસન છોડો,કેન્સર સામે રક્ષણ જેવા વિષય પર  સંદેશા આપતી રાખડીઓનો પણ સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે,રાજ્ય અને દેશભરમાં જાત-ભાતની રાંખડીઓ બનતી જોવા મળે છે. જેમાં ગાયના છાણમાંથી બનતી ઓર્ગેનિક રાખડી, બાળકો માટે કાર્ટુનકેરેક્ટર દર્શાવતી  રાખડી, ભાઇ-બહેનની તસ્વીરોવાળી રાખડી, વાંસની રાખડી વેગેરે જેવી રાંખડીઓનો સમાવેશ થાય છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને પારખીને લોકોને રાખડીના માધ્યમથી પણ કોરોનાથી સલામતી અને જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ ઇકબાલભાઇ દ્વારા કરવામાં આવ્યો છે.

અહીં એ પણ નોંધવુ રહ્યું કે, અમદાવાદ શહેરના રખીયાલના વેપારી ઇકબાલભાઇની આ કળાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત હાલના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક વરિષ્ઠ અને ખ્યાતનામ લોકો આકર્ષિત થયા છે. અને ઇકબાલભાઇની કળાની નોંધ લઈ સરાહના કરી છે.

જનજાગૃતિનું  વિચારબીજ ક્યાંથી રોપાયું ?

ઇકબાલભાઇના પિતાશ્રી જ્યારે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં પિતાશ્રીની સારવાર ચાલી રહી હતી. એક દિવસ સારવાર વેળાએ કેન્સર હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર ડૉ.પંકજ શાહને પોતાના રાખડીઓના વ્યવસાયથી માહિતગાર કર્યા.

ત્યારે ડૉ.પંકજ શાહે તેમનામાં રાખડીના માધ્યમથી સમાજઉપયોગી બનવા કેન્સરની જનજાગૃતિના સંદેશા ફેલાવવાનો વિચારબીજ રોપ્યો. બસ ત્યાર થી ઇકબાલભાઇએ સમાજોત્થાનનો નિર્ધાર કરીને કેન્સર સાથેના અન્ય લોકઉપયોગી વિષયક જનજાગૃતિ વાળી રાખડીઓ બનાવીને જનકલ્યાણના યજ્ઞનો આરંભ કર્યો. –     અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.