Western Times News

Gujarati News

આજના યુવાનોનો યક્ષ પ્રશ્નઃ નોકરી કરૂં કે ધંધો

સખત મહેનત અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, જો પછી તે સરકારી નોકરી હોય કે ખાનગી કંપનીમાં નોકરી. ધંધો ટ્રેડીંગનો હોય કે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો હોય, મહેનત તો બધામાં કરવી જ પડે છે. 

આજના યુવાનો કોલેજ પૂરી થયાં બાદ શું કરવું તેના વિચારોમાં મિત્રોની સલાહ પ્રમાણે નોકરી કે ધંધો કરવાનું વિચારતા હોય છે. પરંતુ તેમને તે સમજવાની જરૂર છે કે જે તેને સલાહ આપે છે તે પોતે પણ હજુ સુધી શું કરવું તે નક્કી કરી શક્યો નથી. કોલેજોમાં પણ કોઈ પ્રકારનું કાઉન્સેલીંગ કરવામાં આવતું નથી જેને કારણે યુવાનો આગળ શું કરવું તે નક્કી કરી શકતા નથી.

આ ઉપરાંત મોબાઈલના વળગણને કારણે મોટા ભાગના યુવાનોનો સમય ચેટીંગ, સોશિયલ મિડીયા અને ગેમ રમવામાં પસાર થાય છે. સમય એક વખત નિકળી ગયા પછી પાછો આવતો નથી તેનું જ્ઞાન રહેતું નથી. ઈન્ટરનેટ અને અન્ય માધ્યમોનો સદ ઉપયોગ કરીને શિખવા મળે તે વસ્તુ શીખી લેવી જોઈએ.

નોકરી કરવી કે ધંધો આ બે વચ્ચે યુવાનો અટવાતા રહે છે. નોકરી ત્રણ પ્રકારની હોય છે. સરકારી નોકરી, પ્રાઈવેટ સેક્ટરની નોકરી અને એમ.એન.સી. કંપની (મલ્ટી નેશનલ કંપની)માં નોકરી.

વાત કરીએ સરકારી નોકરીની, સરકારી નોકરી માટે વિવિધ પરિક્ષાઓ પાસ કરવી પડે છે. યુ.પી.એસ.જી., જી.પી.એસ.સી. જેવી પરિક્ષા ધારીએ એટલી સહેલી હોતી નથી. આ સિવાય બીજી કેટલીક પરિક્ષાઓ આપીને સરકારી નોકરી મળે છે. પરંતુ તેમા પણ સખત મહેનત કરીને બીજી પરિક્ષાઓ આગળના વર્ષોમાં આપવી પડે છે.

પ્રમોશન તો જ મળે છે. આ ઉપરાંત ઈન્ડીયન નેવી, આર્મી અને એરફોર્સમાં પણ દરેક પ્રકારના યુવાનોની દર વર્ષે ભરતી થતી હોય છે. આવી નોકરીઓમાં તમારી કાર્યકુશળતા અને ફિટનેસ બંને વસ્તુ મહત્વના હોય છે. પરંતુ આવી નોકરીઓમાં તમારે ફેમિલીથી દૂર જઈને રહેવું પડે છે, અને વાર તહેવારો ભૂલી જવા પડે છે. સખત મહેનત અને ત્રણ ચાર પરિક્ષાઓમાં સારૂં પર્ફોમન્સ આપ્યા બાદ જ નોકરી મળે છે.

એવી જ રીતે પ્રાઈવેટ ઓફિસમાં અથવા કોર્પોરેટ જોબમાં પણ નોકરી મળવી સહેલી છે, પરંતુ તેને ટકાવી રાખવી, બીજા કરતાં સારૂં પર્ફોમન્સ આપો તો જ આગળ વધી શકાય છે. તમારા પર્ફોમન્સ રીપોર્ટ પર તમારી કારકીર્દી આગળ વધે છે.

મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. એક વખત નોકરી મળી ગઈ એટલે નિરાંત એવું નથી. આ કંપનીઓમાં પણ કોમ્પીટીશનમાં ટકી રહેવા સખત મહેનત અને સમયનો ભોગ આપવો પડે છે. કેટલીક વખત ફેમિલીથી મહિનાઓ દૂર રહીને કામ કરવું પડે છે.

એવી જ રીતે, ધંધામાં પણ ત્રણ પ્રકાર છે. સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ, ટ્રેડીંગ અને મેન્યુફેકચરીંગ. જો તમે કોઈ પણ પ્રકારની સર્વિસમાં કુશળતા ધરાવો છો તે જેમ કે ફ્રીઝ, વોશીંગ મશીન, એરકંડીશન રીપેર, વોટર પ્યુરીફાયર રીપેરીંગ, તો સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં તમે વગર મૂડીનો ધંધો કરી શકો છો. પરંતુ તેમાં પણ તમારી સર્વિસ એ-1 ગ્રેડની રાખવી જરૂરી છે. નહિંતર કોમ્પીટીશમાં તમે ક્યાંય ખોવાઈ જશો. આ ઉપરાંત તમારે 12 કલાક મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. ગ્રાહકોની કંપલેઈન પર ધ્યાન આપવું જરૂરી છે. નહિંતર ગ્રાહકો ખોવાની તૈયારી રાખવી પડે.

તેવી જ રીતે ટ્રેડીંગના ધંધામાં દુકાન ભાડે લેવી અથવા ખરીદવી, માલ ભરવો જેવું મોટું રોકાણ કરવું પડે છે. આ રોકાણ કર્યા બાદ પણ માલ જથ્થાબંધ ભાવે લાવી વેચાણ કરી નફો કમાવી શકાય છે. દુકાન ખોલવાનો અને બંધ કરવાનો સમય પણ ફિક્સ રાખવો પડે. જો તેમ ન કરો તો ભરેલો માલ વેચવો પણ અઘરો પડી શકે છે. ગ્રાહકો બીજી દુકાન તરફ પણ વળી શકે છે. આ ઉપરાંત માલ ખરીદનારને સમયસર તેમના માલના પૈસાની ચૂકવણી કરવી પણ ખૂબ જરૂરી છે.

મેન્યુફેકચરીંગના ધંધાે પણ મોટું રોકાણ માંગી લે છે. પરંતુ તમે જે પ્રોડક્ટ બનાવો છે તેનું વેચાણ નેટવર્ક તૈયાર કરવું ખુબ જરૂરી છે. વેચાણ નેટવર્ક પહેલા શહેરમાં વિસ્તરણ કરવું પછી રાજયમાં, ત્યારબાદ દેશમાં અને મોટા પાયે કરવું હોય તો આંતર રાષ્ટ્રીય બજારોમાં કરવું. મેન્યુફેકચરીંગના ધંધામાં ત્રણ વર્ષ સુધી તમારે સખત મહેનત કરવી પડે છે.

ત્રણ વર્ષમાં તમારી બ્રાંડ પ્રચલીત થાય ત્યારબાદ દર વર્ષે મશીનરીમાં અપગ્રેડેશન, લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોડકશન કેપેસીટી વધારવા સુધીની તૈયારી રાખવી જરૂરી છે. આ ઉપરાંત તમારો મેન્યુફેકચરીંગ પ્લાન્ટની કેપેસીટી 100 ટકા થાય તે પહેલાં જ યોગ્ય જગ્યાઓ શોધી, નવી મશીનરી ઈન્સ્ટોલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. જેથી પ્રોડક્ટ સપ્લાય કરવામાં ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડેે. એક વખત તમારી પ્રોડક્ટનો શોર્ટ સપ્લાય થશે તો તરત જ ડીલરો, ડીસ્ટ્રીબ્યુટરો, ગ્રાહકો બીજી કંપની તરફ વળી જશે, અને તમારે નુકશાન ભોગવવાનો વારો આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.