Western Times News

Gujarati News

મંદીરોમાં ચોરી કરતી ગેંગના ૩ શખ્શો ૧૭ ચાંદીના છત્ર વેચવા જતાં પકડાયા

પુછપરછમાં મંદીરોમાં કરેલી દસ ચોરીના ભેદ ઉકેલાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, થોડા સમયથી મંદીરોમાં ચોરીની ઘટનાઓ વધી જતાં ક્રાઈમબ્રાંચના ધ્યાને આ બાબત આવી હતી જેના પગલે એક ટીમ આ ચોર ટોળકીની પાછળ લાગતા છેવટે રાજસ્થાનના બે સહીત કુલ ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે તેમની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કડક પુછપરછ કરતા ગોવા, રાજસ્થાન તથા ગુજરાતમાં મળીને દસ મંદીરોમાં કરેલી ચોરીના ભેદ ઉકેલાયા છે.

ક્રાઈમબ્રાંચના પીઆઈ બલોચની ટીમને એક સફેદ કારમાં ચોરીના દાગીના લઈ કેટલાંક શખ્શો રામોલ કેનાલ તરફથી જામફળવાડી તરફ જવાન હોવાની બાતમી મળતા તેમણે વોચ ગોઠવી હતી અને માહીતી મુજબ સફેદ આઈ ટ્‌વેન્ટી કાર આવતા તેને કોર્ડન કરીને તપાસ કરતાં સુરેશ સોની (૪પ રહે. ન્યુ મણીનગર), ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધર્મા શંકરભાઈ રાવ (૩૦) તથા જગદીશ શંકરલાલ કુમાવત (બંને સિરોહી, રાજસ્થાન) ઝડપાઈ ગયા હતા પોલીસે તેમની પાસેથી ચાંદીના ૧૭ નંગ છત્ર, ૪ મોબાઈલ ફોન તથા કાર સહીત રૂપિયા ત્રણ લાખ ચુમાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કડક પુછપરછ કરતાં આરોપીઓ કાર લઈ દોઢ મહીના અગાઉ ભાવનગર મહુવાના ભાદ્રોડ ગામમાં આવેલા ગંગા જળીયા દાદાના મંદીરમાં તાળા તોડી ચાંદીના છત્રોની ચોરી કરી હતી જે મુદ્દામાલ વેચવા જતી વખતે જ ક્રાઈમબ્રાંચના હાથે પકડાઈ ગયા હતા.

આરોપીઓએ ગુજરાત, રાજસ્થાન તથા ગોવાના મંદીરોમાં ચોરી કરી
આ આરોપીઓએ મહુવા, સાણંદ, મહેસાણા, નોર્થ ગોવા, બાલાસિનોરના આપેશ્વર મહાદેવ, ભાવનગર હાઈવે પર મેલડી મા નાં મંદીર, પાટણ, મહેસાણાના કુકરવાડા, રાજસ્થાનના સિરોહીમાં આવેલા નાદીયા રોડ તથા મોલ્લી ગામના મંદીરોમાં ચોરી કર્યાનું કબુલ્યું હતું.

આરોપીઓ અગાઉ રાજસ્થાનના સુમેરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મંદીરમાં ચોરી કરવા જતાં પુજારી સહીત ત્રણ વ્યક્તિ જાગી જતાં તેમના ખુન કરી ભાગ્યા હતા જેમાં પકડાઈ ગયા હતા આ સિવાય રાજસ્થાનનાં જ શિવગંજ, બાલી, સાદડી, શિરોહી, રેવદર, સોજદરોડ, શહપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મંદીરોની ચોરીના ગુનામાં પણ પકડાયેલા છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી. ત્રણેય આરોપીઓ જુદા જુદા રાજયોમાં દિવસના સમયે મંદીરોમાં દર્શન કરવા જતા અને રેકી કર્યા બાદ રાત્રે તેને ટાર્ગેટ કરતાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.