Western Times News

Gujarati News

અમદાવાદમાં ગૌરવ ચૌહાણ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

અમદાવાદ, અમદાવાદ શહેરના બાપુનગર, ઓઢવ, અમરાઈવાડી, રામોલ અને વટવા સહિતના આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર ગેંગ સામે બાપુનગર પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે પાંચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં જ બંધ છે.

આરોપીઓ સામે છેલ્લા ૧૦ વર્ષમાં અલગ અલગ ગંભીર પ્રકારના ગુના જેવા કે હત્યા, હત્યાની કોશિશ અને આર્મ્સ એકટ મુજબ નોંધાયેલા છે.

ગૌરવ ચૌહાણ નામનો મુખ્ય સૂત્રધાર આ ગેંગ ચલાવતો હતો. જેની સામે ૨૨ જેટલા ગુના નોંધાયેલા છે. પાંચ લોકો આ ગેંગમાં સામેલ છે જેમાં ગૌરવ સહિત ચાર લોકો જેલમાં બંધ છે જ્યારે એક આરોપી સંજય ભદોરીયાની બાપુનગર પોલીસે આ ગુનામાં ધરપકડ કરી છે.

આરોપી ગૌરવ ચૌહાણની સામે હત્યા, હત્યાની કોશિશ, પ્રોહીબિશન અને આર્મ્સ એકટ મુજબના કુલ ૨૨ ગુના, સંજય ભદોરીયા સામે હત્યા, હત્યાની કોશિશ અને આર્મ્સ એકટ મુજબના ૧૨ ગુના, કૃણાલ બારોટ સામે હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતના ૧૦ ગુના,

રાહુલ ઉર્ફે સર્કિટ સામે હત્યાની કોશિશ, આર્મ્સ એકટ સહિતના ૮ ગુના અને અજય કાંચા સામે હત્યાની કોશિશ, આર્મ્સ એકટ અને મારામારીના ગુના નોંધાયેલા છે. આ ગેંગ વ્યાજ પર લોકોને પૈસા આપતી હતી અને વ્યાજ ન આપે તો ધમકી આપી ખંડણી માંગતા હોવાના ગુના નોંધાયેલા છે.

આજ ગેંગને અન્ય ગેંગ સાથે ઝઘડો થાય ત્યારે ગેંગવોરના બનાવ બન્યા છે. જેમાં હત્યા અને હત્યાની કોશિશ સહિતના ગુના નોંધાયેલા છે. આરોપી કૃણાલ અને ગૌરવ બંને નાનપણથી સાથે રહેલા છે અને તેઓએ આવા ગુના સાથે જ કરેલા છે. આરોપી સંજય, અજય અને રાહુલ તેમના મિત્ર છે.

બાપુનગરમાં ૨૦૨૦માં જે હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલો હતો તેમાં ગૌરવને ઝઘડો થયો હતો અને બાકીના આરોપીઓને બોલાવી અને હત્યાની કોશિશ કરી હતી. આરોપી સંજય ભદોરીયાની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના આરોપીઓ જેલમાં જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.