Western Times News

Gujarati News

ખેડૂતો FPOના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા લોકો સુધી પહોંચાડી શકશે

ફાર્મ ફેસ્ટમાં ચાર રાજ્યોના પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશ ખાતે સિંહ એપલ ઓર્ચર્ડ્સ દ્વારા આયોજીત ફાર્મ ફેસ્ટમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન, જંગલ અને પર્યાવરણનું સંરક્ષણ થશે એટલું જ નહિ, સ્વાસ્થ્યપ્રદ આહાર મળવાને કારણે લોકો અસાધ્ય બિમારીનો ભોગ બનતા પણ અટકશે.

તેમણે પ્રાકૃતિક કૃષિને ઇશ્વરીય કાર્ય પણ ગણાવ્યુ હતુ. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અર્થાત્ એફપીઓની રચના કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે ખેડૂતો સીધા જ કૃષિ પાકોને લોકો સુધી પહોંચાડી શકશે.

ગુજરાતમાં એકસો જેટલાં એફપીઓની રચના કરી પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે તેની માહિતી આપી પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતો માટે એફપીઓ આશીર્વાદરૂપ છે તેમ પણ રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું.

હિમાચલ પ્રદેશના સિંહ એપલ ઓર્ચર્ડ્સ દ્વારા યોજાયેલાં છઠ્ઠા ફાર્મ ફેસ્ટમાં સિંહ એપલ ઓર્ચર્ડ્સના સંસ્થાપક શ્રી ઠાકુર સિંહજી તેમજ જીતુ ચૌહાણે ફાર્મ ફેસ્ટમાં પ્રગતિશીલ ખેડૂતોના વિચાર વિનિમયથી ખેડૂતોને વિવિધ માર્ગદર્શન મળી રહે છે

તેની માહિતી આપી પ્રાકૃતિક કૃષિને ભવિષ્યની જરૂરિયાત ગણાવી હતી. આ પ્રસંગે હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર તેમજ અરૂણાચલ પ્રદેશના પ્રગતિશીલ કિસાનો તેમજ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિભાગ, હિમાચલ પ્રદેશના એક્ઝીક્યુટીવ ડિરેક્ટરશ્રી રાજેશ્વર ચંદેલ, યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રીના સંશોધકો, વૈજ્ઞાનિકો,

વિવિધ કિસાન વિકાસ કેન્દ્રોના કૃષિ નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને ખેડૂતોને બાગાયતી પાક અને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન આપ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.