Western Times News

Gujarati News

નવા ડેવલપ કરાયેલા સીજી રોડ પર પાર્કિંગનો પ્રશ્ન હળવો બનશે

File

પે એન્ડ પાર્કની જગ્યાએ ઈલેક્ટ્રોનિક હેન્ડ ફોલ્ડ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરી પાર્કિંગ ચાર્જ વસૂલવાનો રહેશે.

એએમસી દ્વારા સ્ટેડિયમ સર્કલથી પરિમલ ચાર રસ્તા સુધી પે એન્ડ પાર્કના ચક્રો ગતિમાન કરાયાઃ

પ્રતિ કલાકના ટુ-વ્હીલર માટે રૂ.પાંચ, ઓટો રિક્ષા માટે રૂ.દસ અને કાર માટે રૂ.વીસ લેવાશેઃ ૩૯૬ ટુ-વ્હીલર અને ૩૦૬ કારનું પાર્કિંગ થઈ શકશે

અમદાવાદ, મ્યુનિ.કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કરાયેલા શહેરની રોનક સમાન સીજી રોડ પર વાહનોનાં પાર્કંગનો પ્રશ્ન હળવો કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. પશ્ચિમ ઝોનમાં આવેલા સીજી રોડે આશ્રમ રોડનું સ્થાન લઇ લીધું છે.

લાંબા સમયથી સીજી રોડ વ્યાપારિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન બન્યો છે. હજારો વેપારીઓ-નોકરિયાતો અને ગ્રાહકોથી સીજી રોડ સતત વ્યસ્ત રહેતો હોઈ તેની પાર્કિગ વ્યવસ્થાને વધુ સુવિધાપૂર્ણ બનાવવાની હિલચાલ આરંભાઈ છે.

પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ સર્કલથી પરિમલ ચાર રસ્તા સુધીના સીજી રોડ પર તેની અત્યાધુનિક ડિઝાઈન મુજબ પાર્કિગની વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં બંને સાઈડ પે એન્ડ પાર્કનાં ધોરણે ઓન રોડ અને ઓન સ્ટ્રીટ વાહન પાર્કિંગમાટેની મ્યુનિ.તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.

સીજી રોડ પર પે એન્ડ પાર્કનો એક વર્ષનો કોન્ટ્રાક્ટ મેળવવા માટેનાં ટેન્ડર બહાર પડ્યાં છે. આ ટેન્ડર કમ હરાજી આગામી તા.૨૦ ઓક્ટોબરે કરાશે. મ્યુનિ.તંત્ર દ્વારા હાલ તો એક વર્ષનો કોન્ટ્રાક્ટ અપાશે, પરંતુ તેમાં સક્ષમ સત્તાના આદેશથી બે વર્ષનો વધારો કરીને મહત્ત્વ ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ અપાશે.

સત્તાધીશોએ સીજી રોડ પર પે એન્ડ પાર્ક માટે પ્રતિ કલાકનો ભાવ રૂ.પાંચથી રૂ.વીસ સુધીનો નક્કી કર્યાે છે, જેમાં ટુ-વ્હીલરના રૂ.પાંચ, ઓટો રિક્ષાના રૂ.દસ અને કારના રૂ.વીસ લેવાશે. કોન્ટ્રાક્ટરે પાર્કિંગ સમય તથા તારીખ દર્શાવતી લેખિત પહોંચ વાહન પાર્ક કરનારને આપવાની રહેશે

તેમજ લોકો જાેઈ સકે તે રીતે વાહન ફીના દર દર્શાવતું બોર્ડ દરેક પ્રવેશ અને બહાર નીકળવાની જગ્યાએ સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે-સ્થળે રાખવાનું રહેશે. પે એન્ડ પાર્કની જગ્યાએ ઈલેક્ટ્રોનિક હેન્ડ ફોલ્ડ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરી પાર્કિંગ ચાર્જ વસૂલવાનો રહેશે.

જાેકે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા અપાતા પે એન્ડ પાર્કમાં એક અથવા બીજા પ્રકારની ગેરરીતિઓ થતી હોવાની વારંવાર ફરિયાદો ઊઠતી આવી છે. વાહનચાલકો પાસેથી ભાવ કરતાં વધુ ભાવ લેવાની ફરિયાદો તો સાવ સામાન્ય બનતી જાય છે. કોન્ટ્રાક્ટરોના સ્ટાફ પાસે ઓળખપત્ર હોતા નથી તેમજ લેખિત પહોંચમાં પણ સમય, તારીખ વગેરેમાં છેડછાડ કરાય છે

અને ઘણીવાર તો પે એન્ડ પાર્કમાં મુકાયેલાં વાહનો ચોરાઈ જાય છે તેવા સમયે કોન્ટ્રાક્ટર તેની કોઈ જવાબદારી લેવા તૈયાર થતા નથી. મ્યુનિ.તંત્રને પણ ભૂતકાળમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને તેની ગેરરીતિઓને કારણે રદ કરવાની ફરજ પડી છે.

અમુક માથાભારે કોન્ટ્રાક્ટરો તો ધારી આવક ન થાય તો તંત્રમાં સમયસર લાઈસન્સ ફીની ૨૫ ટકા રકમ અગાઉથી જમા કરવાના નિયમને પણ આવા કોન્ટ્રાક્ટર ઘોળીને પી જતા હોઈ તંત્રના ચોપડે લાખો રૂપિયાની બાકી રકમ બોલતી જાય છે. જાેકે આમાં સ્થાનિક એસ્ટેટ-ટીડીઓ વિભાગની ભ્રષ્ટ નીતિ રીતી પણ જવાબદાર છે.

તંત્ર દ્વારા સીજી રોડ પર ઓન રોડ-ઓન સ્ટ્રીટ વાહન પાર્કિંગ હેઠળ ૩૦૬ કાર અને ૩૯૬ ટુ-વ્હીલરની ક્ષમતા ઊભી કરાઈ છે એટલે સીજી રોડ પરનો ટ્રાફિકનો પ્રશ્ન વધુ હળવો બનવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મ્યુનિ.સત્તાધીશોએ શિવરંજની બ્રિજ, હેલ્મેટ બ્રિજ, ઈન્કમટેક્ષ બ્રિજ, સીટીએમ બ્રિજ સહિતની કુલ ૩૩ જગ્યાએ ૧૩ હજારથી વધુ ટુ-વ્હીલર અને ૧૫૦૦થી વધુ કારનાં પાર્કિંગ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં હતાં. અમદાવાદીઓની વાહન પાર્કિંગની સુવિધામાં સતત વધારો કરવાની દિશામાં તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.