Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસકો પર હુમલા વધ્યા

કાબૂલ, અફઘાનને રગદોળીને સત્તામાં આવી ચડેલા તાલિબાન સામે ઇસ્લામિક સ્ટેટ માથુ ઉંચકી રહ્યું છે. ૨૦ વર્ષના યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવી દેશને ચોતરફેથી ખતમ કરનારા તાલિબાની શાસકો પણ હવે અહીં સુરક્ષિત નથી.

ઇસ્લામિક સ્ટેટ હવે તેમને નિશાનો બનાવી હુમલા કરી રહ્યું હોવાના અહેવાલ છે. હાલમાં સામે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇસ્લામિક સ્ટેટ-કે અફઘાનના દરેક સ્ટેટમાં પોતાના એક પ્રતિનિધિની નિમણૂક કરી રહ્યું છે. જે તાલિબાની શાસકો સામે યુદ્ધનીતિ પર ચાલશે.

આ અંગે તાલિબાનના એક પત્રકારે ટ્‌વીટ કરી દાવો કર્યો છે કે, તાલિબાની સૂત્રો એ આ વાતની ખાતરી આપી છે કે ISIS-K એ દરેક સ્ટેટમાં પોતાના ગવર્નર, સેના કમાન્ડર અને જીલ્લા સ્તરે પણ પ્રતિનિધ તૈનાત કર્યો છે.

માહિતી મુજબ આ સ્થિતિ અફઘાનના દરેક સ્ટેટમાં છે. આ દરમિયાન તાલિબાની શાસકોને નિશાનો બનાવીને કરવામાં આવી રહેલા હુમલા પણ સતત વધી રહ્યા છે. અહીં બોમ્બ બ્લાસ્ટ દ્વારા તાલિબાની શાસકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.

હાલમાં અહીંના નિંગારહર પ્રાંતના એક ગામમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, અહીંના તાલિબાની પ્રતિનિધિને નિશાનો બનાવી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઇજા પામ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી ઇસ્લામિક સ્ટેટના હુમલા વધી રહ્યા છે.

બે દિવસ પહેલા જ રાજધાની કાબૂલમાં તાલિબાની પ્રવક્તા દ્વારા આયોજિત એક શોકસભાને નિશાનો બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ પહેલા જલાલાબાદમાં એક હુમલામાં ચાર લોકોના મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.