Western Times News

Gujarati News

૪ દિવસ બાદ દેશના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ શકે છે

નવીદિલ્હી, આગામી થોડા દિવસમાં તમારું ઘર પણ પાવર કટની ઝપેટમાં આવી શકે છે. કારણ કે દેશમાં કોલસાની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ દેશમાં ફક્ત ૪ દિવસ ચાલે એટલો જ કોલસો બચ્યો છે. ભારતમાં વીજળી ઉત્પાદન માટે સૌથી વધુ કોલસાનો ઉપયોગ થાય છે અને ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ કોલસા પર આધારીત વીજળી ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાનો સ્ટોક ખુબ ઓછો થઈ ગયો છે.

દેશમાં ૭૦ ટકા વીજળી ઉત્પાદન કેન્દ્ર કોલસા આધારિત છે. કુલ ૧૩૫ થર્મલ પાવર પ્લાન્ટ્‌સમાં ૭૨ની પાસે કોલસાનો ૩ દિવસથી પણ ઓછો સ્ટોક છે. જ્યારે ૫૦ પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો ૪થી લઈને ૧૦ દિવસ સુધીનો સ્ટોક બચ્યો છે. ૧૩ પ્લાન્ટ્‌સ એવા છે જ્યાં ૧૦ દિવસથી વધુ કોલસાનો જથ્થો બચ્યો છે.

ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ તેની પાછળનું એક મોટું કારણ ઉત્પાદન અને તેની આયાતમાં આવી રહેલી સમસ્યા છે. ચોમાસાના કારણે કોલસાના ઉત્પાદનમાં કમી આવી છે. તેના ભાવ વધ્યા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી અડચણો આવી છે. આ એવી સમસ્યા છે જેના કારણે આવનારા સમયમાં દેશની અંદર વીજળી સંકટ પેદા થઈ શકે છે.

ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે વીજળી સંકટ પાછળ એક કારણ કોરોનાકાળ પણ છે. હકીકતમાં આ દરમિયાન વીજળીનો ખુબ વધુ ઉપયોગ થયો છે અને હજુ પણ પહેલાની સરખામણીએ વીજળીની માગણી ખુબ વધી છે. ઉર્જા મંત્રાલયના આંકડા મુજ ૨૦૧૯માં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વીજળીનો કુલ વપરાશ ૧૦ હજાર ૬૬૦ કરોડ યુનિટ પ્રતિ માસ હતો. આ આંકડો ૨૦૨૧માં વધીને ૧૨ હજાર ૪૨૦ કરોડ યુનિટ પ્રતિ માસ પર પહોંચી ગયો છે.

વીજળીની આ જરૂરિયાત પૂરી કરવા માટે કોલસાનો વપરાશ વધ્યો. ૨૦૨૧ના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કોલસાનો વપરાશ ૨૦૧૯ની સરખામણીએ ૧૮ ટકા સુધી વધ્યો છે. ભારત પાસે ૩૦૦ અબજ ટનનો કોલસા ભંડાર છે. પરંતુ આમ છતાં મોટી માત્રામાં કોલસાની આયાત ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોથી કરે છે.

જાે ઈન્ડોનેશિયાની વાત કરીએ તો માર્ચ ૨૦૨૧માં કોલસાની કિંમત ૬૦ ડોલર પ્રતિ ટન હતી જે હવે વધીને ૨૦૦ ડોલર પ્રતિ ટન થઈ છે. આ કારણે કોલસાની આયાત ઓછી થઈ છે. એવા અનેક કારણ છે જેનાથી થર્મલ પાવર પ્લાન્ટ્‌સની વીજળી જરૂરિયાતો પૂરી કરવા માટે કોલસો પહોંચી શક્તો નથી. આ કારણસર કોલસાનો ભંડાર સમયાંતરે ઓછો થતો ગયો. હવે હાલત એવી છે કે ૪ દિવસ બાદ દેશના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.